• Home
  • News
  • ભાજપે ફરી એકવાર સરપ્રાઈઝ આપી, રામ મંદિરને 11 કરોડનું દાન, ગોવિંદભાઈને રાજ્યસભાનો ‘પ્રસાદ’, જે.પી. નડ્ડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર ઉમેદવાર જાહેર
post

ભાજપે આ વખતે પણ ચોંકાવતા ત્રણ નવા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-14 17:43:22

15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેને પગલે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કપાયું છે.

એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર
ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.

ગુજરાત ભાજપનું ટ્વીટ


આ રીતે ચારેય ઝોન સાચવી લીધા

રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

રૂપાલા રાજકોટ કે અમરેલીથી તો માંડવિયા ભાવનગરથી લોકસભા લડી શકે
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને રાજ્યસભામાં રિપિટ કરવામાં આવ્યા નથી. આમ હવે મનસુખ માંડવિયાને ભાવનગર તો રૂપાલાને અમરેલી કે રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવામાં આવે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

જસવંતસિંહ પરમાર ડોક્ટર, હોસ્પિટલ ચલાવે છે
ગોધરાના વતની એવા ડો.જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન, 1975ના રોજ થયો હતો. તેમના પિતા સલામસિંહ પરમાર પ્રિન્સિપાલ હતા. તેમણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને NHL મેડિકલ કોલેજમાંથી MS(માસ્ટર ઓફ સર્જરી) કર્યું છે. હાલ તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેમજ તેઓ વાઘજીપુરમાં એક પેટ્રોલપંપ પણ ધરાવે છે.

પત્ની લેબ ટેકનિશિયન છે
જ્યારે પરિવારની વાત કરીએ તો તેમના પત્નીનું નામ કલ્પનાબેન લેબ ટેકનિશિયન છે. તેમને મંથન અને પ્રણલ નામના બે સંતાન છે. જેમાંથી મંથને MBBS કર્યું છે, અને પ્રણલ ધોરણ 10માં અભ્યાસ કરે છે.

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં, ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.

હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
17 વર્ષની ઉંમરે સુરત ગયા બાદ ગોવિંદ ધોળકિયા હીરા કાપવાનું અને પોલીશિંગનું કામ કરતા હતા. જો કે, તેમણે બે મિત્રો- વીરજીભાઈ અને ભગવાનભાઈ સાથે સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું. તેથી તેઓએ 10x15 ફૂટનો એક રૂમ દર મહિને 45 રૂપિયામાં ભાડે લીધો અને ત્યાંથી કામ કરવાનું શરૂ કર્યું. તેઓ જે દેવોની પૂજા કરતા હતા તેના આધારે તેઓએ કંપનીનું નામ રાખ્યું - શ્રી રામકૃષ્ણ (SRK) એક્સપોર્ટ કંપની. તેઓએ હીરાભાઈ વાડીવાલા સાથે વ્યવહાર શરૂ કર્યો, જેઓ રફ હીરાનો વેપાર કરતા હતા. પોલિશ કર્યા પછી હીરાનું વજન રફના વજનના ઓછામાં ઓછા 28 ટકા હોવું જોઈએ, ધોળકિયાની ટીમે તેને 34 ટકા હાંસલ કર્યું, જે એક અસામાન્ય સિદ્ધિ હતી. આનાથી તેમને તેમની ફેક્ટરીમાં હીરાનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો. તેથી, આ માટે, તેને રફ હીરાના સીધા સપ્લાયરની જરૂર હતી.

કોણ છે જે.પી. નડ્ડા?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા કે જેમને જે.પી.નડ્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે. જે.પી.નડ્ડાનો જન્મ બિહારના પટનામાં વર્ષ 1960માં થયો હતો. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે. તો સાથે તેઓ શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા હતા.તેઓ સૌ પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડાને આરોગ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા.

અઢી દાયકાથી ગુજરાત એક આયાતીને સાચવે છે

  • અરૂણ જેટલી(2000-2018)
  • જનાકૃષ્ણમૂર્તિ(2002-2008)
  • સ્મૃતિ ઇરાની(2011-2023)
  • એસ.જયશંકર(2019થી 2029)
  • જે.પી.નડ્ડા(2024થી 2023)
adv

Related News

post
post
post
post
post
post
post