• Home
  • News
  • રશિયાની મુશ્કેલી વચ્ચે ઓફર:નાટો દેશોના પ્રતિબંધનો સામનો કરી રહેલા રશિયાએ આકર્ષક ડિસ્કાઉન્ટથી ક્રુડ ઓઈલ-ફર્ટીલાઈઝર વેચવાની ભારત સમક્ષ ઓફર કરી
post

રશિયાની ઓફર અંગે ભારત સરકાર વિવિધ પાસાં સાથે વિચારણા કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:10:48

યુક્રેન ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ રશિયા નાટોના પ્રતિબંધોથી ઘેરાયું છે.આ સંજોગોમાં તે આર્થિક મોરચે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ તો રશિયાના ઓઈલ-ગેસ ઉપર પ્રતિબંધ મુકેલો જ છે. આ ઉપરાંત NATOના અનેક સભ્ય દેશોએ વિવિધ મોરચે રશિયાનો બોયકોટ કર્યો છે.

બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે રશિયા હવે તેના ઓઈલ તથા ગેસ સહિતના અન્ય કોમોડિટીઝના પુરવઠા માટે નવા બજારો શોધી રહ્યું છે. જેનો સીધો ફાયદો ભારતને મળતો દેખાય છે. રશિયા તરફથી મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટની ઓફર મળતા હવે ભારત તેની પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ તથા અન્ય કોમોડિટીની ખરીદી કરવા માટે તૈયારી કરી રહ્યું છે.

સસ્તું ઓઈલ ખરીદવાની તૈયારીમાં ભારત
ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક અહેવાલમાં બે ભારતીય અધિકારીને ટાંકી કહેવામાં આવ્યું છે કે રશિયા તરફથી ઓફર કરવામાં આવેલા ડિસ્કાઉન્ટ અંગે ભારત વિચારણા કરી રહ્યું છે. રશિયાથી ક્રુડ ઓઈલ તથા અન્ય કોમોડિટી ડિસ્કાઉન્ટથી ખરીદીવાની ઓફર મળી છે. આ દ્વિપક્ષીય વ્યાપારની ચુકવણી પણ રૂપિયા-રૂબલ (Rupee-Rouble)થી કરવામાં આવશે. અધિકારીનું કહેવું છે કે અત્યારે ટેન્કર, ઈન્સ્યોરન્સ કવર તથા ઓઈલ બ્લેન્ડ જેવા મુદ્દાનો ઉકેલ મેળવ્યા બાદ અમે ડિસ્કાઉન્ટ ઓફરનો સ્વીકાર કરશું. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં ભારતને રશિયાથી શક્ય એટલું અંતર રાખવા કહ્યું હતું.ખાસ કરીને ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા વર્ષ 2018માં 5.5 અબજ ડોલરની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યાં હતા ત્યારથી આ મુદ્દે અમેરિકા સતત નારાજગી દર્શાવતું રહ્યું છે.

આયાત ખર્ચ ઉપરાંત સબસિડીના મોરચે પણ રાહત
ભારત તેની જરૂરિયાતના 80 ટકા ઓઈલ આયાત કરે છે. જ્યારે રશિયાથી આશરે 2-3 ટકા ઓઈલની ખરીદી કરે છે. અલબત આ વર્ષે અત્યાર સુધીમાં ઓઈલની કિંમતમાં 40 ટકા સુધીનો વધારો થયો છે ત્યારે સરકાર ઘરઆંગણે તેના ઈંધણ બિલને ઘટાડવા રશિયા તરફથી મળી રહેલી ઓફર અંગે વિચારણા કરી રહી છે.

અલબત ભારતને કેટલા પ્રમાણમાં ઓઈલની ઓફર થઈ છે અથવા તો કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે અંગે અધિકારીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતમાં તીવ્ર વધારો થવાને લીધે આગામી નાણાકીય વર્ષમાં ભારતના ઈમ્પોર્ટ બિલ (Import Bill)માં 50 અબજ ડોલરનો વધારો થઈ શકે છે.

આ સંજોગોમાં સરકાર હવે સસ્તા ઓઈલની સાથે રશિયા તથા બેલારુસથી યુરિયા જેવા ફર્ટીલાઈઝર્સના રોમટેરિયલની ખરીદી કરવા અંગે વિચારણા કરી રહી છે. આ પગલાંથી સરકારને ક્રુડ ઓઈલ ઉપરાંત ખાદ્ય સબસિડીના મોરચે પણ રાહત મળી શકે છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતીય અધિકારીઓ રશિયા સાથેના દ્વિપક્ષીય વ્યાપાર માટે રૂપિયા-રૂબલ મીકેનિઝમની સ્થાપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.રશિયા મિત્ર રાષ્ટ્રો તરીકે વ્યાપાર તથા રોકાણ સમજૂતીને જાળવી રાખવા પણ વિનંતી કરી રહ્યું છે.

જટિલ રહ્યો છે ઈતિહાસ
ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ભારત તાત્કાલિક ધોરણે અન્ય સપ્લાઈર્સના સ્થાને રશિયાની પસંદગી કરી શકે નહીં. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આ બાબત એટલી સરળ રહેતી નથી. ભારતે છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડા વચ્ચેપણ મિલિટ્રી હાર્ડવેરની જરૂરિયાત પૈકી 60 ટકા રશિયાથી પાસેથી આયાત કરે છે. ભારતે વર્ષ 2011થી રશિયા પાસેથી તેની સંરક્ષણ આયાતમાં 53 ટકાનો ઘટાડો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post