• Home
  • News
  • ગામડાઓમાં ભાજપના નેતાઓને જાકારો:સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા, મતદારો પોતાનો મત ક્યાં આપશે તે કળવા દેતા નથી
post

ખાંભાના રાયડી અને સરાકડીયા ગામમાં ભાજપની બેઠક, ગ્રામજનોએ હોબાળો કરતા નેતાઓએ ચાલતી પકડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 11:42:40

સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે. જેમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માગવા જનાર રાજકારણીઓને જાકારો આપી રહ્યા છે. આવા રાજકારણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. મતદારો ક્યાં પક્ષને મત આપશે તે રાજકારણીઓને કળવા દેતા નથી. ખાસ કરીને ભાજપના નેતાઓને જ ગ્રામજનો જાકારો આપી રહ્યા છે.

ખાંભાના રાયડી અને સરાકડીયા ગામમાં લોકોએ જાકારો આપ્યો
ખાંભાના રાયડી અને સરાકડીયા ગામમાં ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ હોબાળો મચાવતા નેતાઓએ ચાલતી પકડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાયડી ગામના ગ્રામજન ધનશીભાઈએ પોતાના રેશનકાર્ડ બાબતે ભાજપના આગેવાન સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સાત વાર મેં રજુઆત કરી ત્યારે ભાજપના આગેવાને એમ કહ્યું કે તારૂ રેશનકાર્ડ આપ હું કરી આપું. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે, સાત વાર મેં તમને કહ્યું છે. ભાજપના આગેવાને કહ્યું હતું કે, મારા બાપની પેઢી નથી. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે તમારા બાપની પેઢી નથી તો તમે પહેલા કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છો તો જવાબદારી તમારી જ હોય. રેશનકાર્ડ વગર મારા છોકરા ભૂખ્યા રહે છે. બાદમાં ભાજપના નેતાઓને ચાલતી પકડવાનો વારો આવ્યો હતો.

બગસરાના માવજીંજવા ગામે ખેડૂતોએ જયેશ રાદડિયા અને કાકડીયાને ખખડાવ્યા હતા બગસરાના માવજીંજવા ગામે ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયા પ્રચાર માટે ગયા હતા ત્યારે ખેડૂતોએ જાહેરમાં ખખડાવ્યા હતા. ચાલુ સભામાં એક ખેડૂત ઉભા થયા હતા અને ખેતીમાં વીજળી આપવા અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, જરૂર પડે ત્યારે મને કહેજો. ત્યારે ખેડૂતે જણાવ્યું હતું કે, જયેશ રાદડિયા સારામાં સારા મંત્રી છે અને તેમના વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો હલ કરે છે તો ધારીમાં કેમ ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી. બાદમાં એક યુવાને રોજગારી બાબતે પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી પેપરો ફૂટી જાય છે અને અમારી મહેનત પાણીમાં જાય છે. આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ જે.વી. કાકડીયા ખુરશી બેસી ગયા હતા.

મોરબી માળિયા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ગ્રામજને ઉધડા લીધા
મોરબી માળિયા વિસ્તારમાં મત માગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકો ઉધડા લેતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતા હોવાનું કહીને ખખડાવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મોરબી-માળિયા વિસ્તારમાં પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાનો સ્થાનિકોએ ઉઘડા લીધા હતા. કામ ન કરતા હોવાનું અને ફોન ન ઉપાડતા હોવાનું કહીને સ્થાનિકોએ ઉધડા લીધા હતા. વીડિયોમાં સ્થાનિક કહે છે કે અમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન નથી ઉપાડતા, તમને ફોન કરીએ તો તમે બહાર હોય, તો અમારે રજૂઆત ક્યાં કરવી. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે જણાવ્યું હતું કે ખેડૂતોને કામ પડે ત્યારે કાંતિભાઇ તરત આવી પહોંચતા હોય છે. તમને તો ફોન ઉપાડવાનો પણ સમય નથી મળતો, કોરોના ટાઈમમાં રજુઆત કરવા આવ્યા તો તમે લેખિત અરજી કરવાનું કહ્યું અમે અરજી પણ કરી તમે ક્યાંય દેખાતા નથી. બાદમાં બ્રિજેશ મેરજાએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવું કહીને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું.

મોરબીમાં રૂપાલાની સભામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો
મોરબીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અલગ અલગ ત્રણ જગ્યાએ સભા સંબોધી હતી. જેમાં ત્રીજી સભા શનાળા રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે યોજાયી હતી. સભામાં અલગ અલગ મુદામાં સંબોધન કર્યા હતા.જેમાં નર્મદાના પાણી, કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડ્યાના દાવા કર્યા હતા. જો કે સભા પૂર્ણ થયા બાદ જેવા પરસોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સ્ટેજ પરથી ઉતરી નીકળી ગયા કે તુરંત જ મોરબી શહેરમાં નીતિન પાર્ક અને આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓએ છેલ્લા 5 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ કરી મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરીયા અને અન્ય કાર્યકરોને ઘેરી લીધા હતા. અને પાણી પૂરું આપવા માગણી કરી હતી. મહિલાઓની ઘેરાબંધી જોઈ કાયકરો મામલો સમેટવા લાગી ગયા હતા. અને વહેલી તકે પાણીના નિકાલની ખાતરી આપી મહિલાઓને રવાના કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post