• Home
  • News
  • કોંગ્રેસને પાંચ કલાકમાં જ બીજો ઝટકો:મોઢવાડિયાએ વિધાનસભા સ્પીકરને મળી ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું
post

અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ. ત્યાર બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-04 17:45:12

અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા હતા.

આ પહેલાં આજે સવારે(4 માર્ચ, 2024) એક તરફ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, ડેર રાજીનામું આપે એ પહેલાં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. આમ માત્ર પાંચ કલાકમાં જ કોંગ્રેસને બે ઝટકા લાગ્યા છે.

'છેલ્લાં 3 વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા હતા'
રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામમંદિર પ્રત્યેના વલણનું છે. મેં કોઈ ડીલ કરી નથી. મેં 2003માં જાહેર જીવનની શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લામાં યુવા મોરચામાં 20 વર્ષ કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નિર્ભય રીતે વાત કરતો હતો . રામ મંદિર અને કલમ 370 મુદ્દે વાત કરી હતી. દેશમાં તમામ રાજ્યમાં વિવિધતા છે, પણ એકતા પણ મજબૂત છે. છેલ્લાં 3 વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા હતા. હું જ્યાં જોડાયો છું ત્યાં મારા સંબધ છે, કોંગ્રેસમાં મારા સંબધો રહેશે. રસ્તો અલગ હશે, પણ ધ્યેય મારો લોકોની સેવા કરવાનો છે.

કોણ છે અર્જુન મોઢવાડિયા?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

મોઢવાડામાં પ્રાથમિક શિક્ષણ અને મોરબીમાં એન્જિનિયરિંગ કર્યું
અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ. ત્યાર બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી હતી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે, 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. આ દરમિયાન તેઓ 1988માં 'એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી'ના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એન્જિન્યરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. અર્જુન મોઢવાડિયા પણ એમ કરી શક્યા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય લોકસેવાનો હતો એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.

1997માં કોંગ્રેસમાં જોડાયા અને 2002માં ધારાસભ્ય બન્યા
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે ભારતના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. લોકસેવામાં સમર્પિત રહીને તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. વક્તૃત્વ કળા નિપૂર્ણ અને કર્તવ્ય નિભાવવા ઉત્સુક અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી. જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી સુપેરે નિભાવી.

અર્જુન મોઢવાડિયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી તેઓ ચૂંટણી હારી ગયા હતા. જો કે 2022માં તેમણે ભાજપના બાબુ બોખિરિયાને પરાજય આપી ધારાસભ્ય બન્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post