• Home
  • News
  • હવામાન:વિજ્ઞાનીએ કહ્યું- લા નિનોની અસરથી આ વર્ષે સપ્ટેમ્બર સૌથી વધુ વરસાદ પડનાર મહિનો થશે, દક્ષિણના રાજ્યોમાં તીવ્ર ઠંડી પડશે
post

અલનિનોને કારણે અનિયમિત ચોમાસું અને દુકાળ જ્યારે લા નિનોને કારણે વધુ વરસાદ અને પૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:37:50

અમેરિકી હવામાન વિભાગનું કહેવું છે કે પ્રશાંત મહાસાગરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2020થી લા નિનોની અસર જોવા મળશે. તેને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસાની વિદાય મોડેથી થાય તેમ મનાય છે અને સપ્ટેમ્બરમાં પણ વધુ અસર થઈ શકે છે. તેને કારણે દક્ષિણના રાજ્યોમાં તીવ્ર ઠંડી જોવા મળશે.

અલનિનો અને લા નિનો એ બંને એવી સ્થિતિ છે કે જે હવાના વિષમ વર્તાવને કારણે તાપમાનમાં થતાં ફેરફારથી પેદા થાય છે. અલનિનોમાં હવા નબળી પડે છે અને ગરમી પેદા થાય છે. જ્યારે લા નિનોમાં હવા મજબૂત બને છે અને ઠંડી પેદા થાય છે. બંને સ્થિતિ આપણા હવામાનને અસર કરે છે. અલનિનો દરમિયાન મધ્ય અને ભૂમધ્ય પ્રશાંત મહાસાગર ગરમ થાય છે જેનાથી સમગ્ર ભૂમંડલની હવાની પેટર્ન બદલાય છે. આ કારણે આફ્રિકાથી લઈ ભારત અને અમેરિકા સુધી જળવાયુને અસર થાય છે. અલનિનોની સ્થિતિમાં ભારતમાં ચોમાસું અનિયમિત થાય છે અને દુષ્કાળ પડે છે. જ્યારે લા નિનોની સ્થિતિમાં ચોમાસામાં વધુ વરસાદ આવે છે અને અનેક ઠેકાણે પૂર આવે છે. અલનિનો કે લા નિનો 9થી 12 મહિના સુધી રહે છે. તેની આવૃત્તિ 2થી 7 વર્ષની હોય છે.

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના જળવાયુ વિજ્ઞાની રઘુ મુર્તુગ્દે કહે છે કે મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે હાલમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે. પરંતુ લા નિનોને કારણે હવે ઓગસ્ટના બાકી દિવસોમાં અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થશે. સપ્ટેમ્બર સૌથી વધુ વરસાદવાળો મહિનો બની શકે છે અને તેને કારણે વર્તમાન ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ શકે છે. લા નિનો ભારતની ઠંડીને પણ અસર કરશે. આથી ઉત્તર-દક્ષિણમાં હળવા દબાણનું ક્ષેત્ર બનશે. જેનાથી સાઈબિરિયાની હવા અહીં પહોંચશે તો ભારતના દક્ષિણ ભાગ સુધી તેની અસર જોવા મળશે. જે વર્ષ લા નિનો બને છે તે વર્ષે મહાબળેશ્વરમાં ઝાકળ પડે છે અને તમિલનાડુના પહાડી વિસ્તારમાં ઠંડી વધુ તીવ્ર બને છે.

આ બાજુ ભારતીય હવામાન વિભાગ પૂણેના વિજ્ઞાની ડૉ. ડી.એસ.પાઈ કહે છે કે લા નિનોની સંભાવના તેમણે ઘણા સમય પહેલા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં 104 ટકા વરસાદની સંભાવના છે. જોકે કેટલાક હવામાન મોડલ જણાવે છે કે ઈન્ડિયન ડાયપોલ નેગેટિવ થઈ શકે છે અને પછી સામાન્યથી વધુ વરસાદ થશે.

1994થી અત્યાર સુધી પૃથ્વી પરથી 28 લાખ કરોડ ટન બરફ પીગળી ગયો
બ્રિટિશ વિજ્ઞાની કહે છે કે 1994થી અત્યાર સુધી પૃથ્વી પરથી 28 લાખ કરોડ ટન બરફ પીગળી ગયો છે. પહાડ-ગ્લેશિયર પરથી બરફ પીગળવાને કારણે પૃથ્વીના સૌરકિરણ ફરી અંતરિક્ષમાં પરાવર્તિત કરવાની ક્ષમતા ઘટી રહી છે. બરફ નીચે દબાયેલા પહાડ ગરમીને શોષી લે છે તેથી ધરતી અને સમુદ્ર બંનેનું તાપમાન વધે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post