• Home
  • News
  • અમેરિકન ગૃહ મંત્રાલયની ફેક્ટ શીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વુહાન લેબના વિજ્ઞાનીઓને ચામાચીડિયાં કરડ્યાં હતાં
post

કોરોના પર સંશોધન કરનારા વિજ્ઞાનીઓ 2019માં બીમાર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 09:15:31

કોરોના મહામારીની શરૂઆત માટે હંમેશા ચીનના વુહાન સ્થિત વાયરોલોજી લેબ સામે આંગળી ચીંધાઈ છે. હવે અમેરિકન ગૃહ મંત્રાલયના એક રિપોર્ટથી આ શંકાને વધારે બળ મળ્યું છે. ફેક્ટ શીટનામના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, મહામારી શરૂ થઈ એ પહેલા વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની લેબમાં કામ કરતા અનેક વિજ્ઞાની 2019માં બિમાર પડ્યા હતા. આ સંશોધકો કોરોના સંબંધિત કોઈ સંશોધનો માટે નમૂના લેતા હતા, ત્યારે ચામાચીડિયાં તેમને કરડ્યાં હતાં. આ અંગે અમેરિકન રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોનાની ઉત્પત્તિ સાથે સંકળાયેલી

તપાસમાં અનેક વિઘ્નો ઊભા કર્યા હતા. વુહાન લેબમાં બીમાર થયેલા અનેક વિજ્ઞાનીઓની વાત પણ ચીન સરકારે છુપાવી હતી. આ લેબના ચીફ રિસર્ચર શી ઝેંગ લીએ દાવો કર્યો હતો કે, આ લેબના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં કોરોનાના કોઈ લક્ષણ નથી, પરંતુ તેમના દાવા પર વિશ્વાસ ના કરી શકાય. તેનું કારણ એ છે કે, આ પહેલા 2004માં સાર્સ નામનો ચેપી રોગ પણ ચીનથી જ ફેલાયો હતો.

આ દરમિયાન ચીની મીડિયાના હવાલાથી એક વિડિયો પણ કેટલાક મીડિયા પોર્ટલ પર જારી થયો છે. આ ‌વીડિયો ચીનની ચેનલ સીસીટીવી 13’નો છે, જેમાં કેટલાક લોકો પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કિટ પહેરીને અંધારી ગુફામાં ચામાચીડિયાંના નમૂના લેતા જોઈ શકાય છે. 2017ના આ વિડિયોમાં એક સંશોધક સ્વીકારી રહ્યો છે કે, તેને ચામાચીડિયાએ બચકું ભર્યું હતું. તે કહી રહ્યો છે કે, ‘મેં રબરના મોજા પહેર્યા હતા છતાં ચામાચીડિયાએ મને બચકું ભરી લીધું.

આ ઘટસ્ફોટથી ચીન સામે નવી મુશ્કેલીઓ સર્જાઈ છે કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ હાલ વુહાનમાં છે. આ ટીમ દુનિયામાં વુહાન લેબમાંથી કોરોના ફેલાયાના આરોપની તપાસ કરી રહી છે.

ચીન WHOને તપાસ માટે રેકોર્ડ આપે: યુએસ
અમેરિકાએ માગ કરી છે કે, WHOને વુહાન લેબનાં ચામાચીડિયાં અને બીજા કોરોના વાઈરસ પર કરાયેલા કામના તમામ રેકોર્ડ મળવા જોઈએ. આ તપાસમાં ખબર પડવી જોઈએ કે, આ લેબોરેટરીએ કેમ અનેક રેકોર્ડમાં ફેરફાર કર્યા અને કેમ અનેક મહત્ત્વના સંશોધનો ડિલિટ કરી દેવાયા? આ શોધવું જરૂરી છે કારણ કે, આ પહેલા ચીન સ્વતંત્ર પત્રકારો, તપાસકર્તા અને વૈશ્વિક હેલ્થ ઓથોરિટીઝના સંશોધકોની પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય ટીમને રોકતું હતું. એ લોકોમાં 2019માં બિમાર પડેલા વિજ્ઞાનીઓ પણ સામેલ હતા. વાઈરસની ઉત્પત્તિના આરોપોની વિશ્વસનીય તપાસમાં આ લોકોને કરાયેલા સવાલ સામેલ હોવા જ જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post