• Home
  • News
  • કિવની આસપાસ અત્યાર સુધીમાં 410 મૃતદેહો મળી આવ્યા, રશિયાના સૈનિકો પર કારણ વગરની હત્યા કરવાના આરોપ
post

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ આતંકવાદી સંગઠન ISIS સાથે રશિયાની તુલના કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:53:48

કીવ: રશિયા-યુક્રેન યુદ્ધના 40મા દિવસે પણ રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી રહી છે. જેમ જેમ રશિયન સૈન્ય પીછેહઠ કરી રહી છે તેમ તેમ રસ્તાઓ પર મૃતદેહોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં, કિવની આસપાસના બુચા સહિત ઘણા વિસ્તારોમાંથી 410 યુક્રેનિયનોના મૃતદેહ મળી આવ્યા છે.

કિવના ઈરિના વેનેડીકોત્વાએ કહ્યું કે અત્યાર સુધીમાં 410 મૃતદેહો મળી આવ્યા છે, આ સંખ્યા ઝડપથી વધી રહી છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયાની સરખામણી આતંકવાદી સંગઠનો સાથે કરી છે. તેમણે રશિયન સેનાને ISIS કરતા પણ વધું ખરાબ ગણાવી છે. તેમણે કહ્યું કે બુચા શહેરમાંથી પીછેહઠ કરતી વખતે, રશિયન સૈનિકો ગુસ્સામાં કારણ વગર જ સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા હતા, જ્યારે યુક્રેનિયનો તેમનો વિરોધ પણ કરતા ન હતા.

યુદ્ધનું અન્ય અપડેટ્સ...

·         19 દિવસથી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળ્યો, તે કિવમાં યુદ્ધ કવર કરવા ગયો હતો.

·         રશિયન સેનાની પીછેહઠ બાદ બુચાની રસ્તાએ પર મૃતદેહો પડેલા જોવા મળી રહ્યા છે.

·         પોપ ફ્રાન્સિસે કહ્યું કે તેઓ યુક્રેનની મુલાકાત લઈને યુદ્ધ ક્ષેત્રની સમીક્ષા કરશે.

·         યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકને આજે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે વાત કરી હતી.

·         રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- 3,000થી વધુ લોકોને મારિયુપોલમાંથી બચાવી લેવામાં આવ્યા છે.

ગ્રેમી એવોર્ડના સ્ટેજ પરથી ઝેલેન્સ્કીની અપીલ
ગ્રેમી એવોર્ડ સમારોહના મંચ પર, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રી-રેકોર્ડેડ વિડિયો દ્વારા મદદ માટે અપીલ કરી હતી અને વિશ્વનું સમર્થન માંગ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, તમે યુક્રેનની મદદ કરો. તેમણે વધુમાં કહ્યું- સંગીતનો વિરોધી શું છે? બરબાદ થયેલા શહેરોનો અવાજ અને માર્યા ગયેલા લોકો. આ મૌનને સંગીતથી ભરી દો. તમે જે રીતે પણ કરી શકો તે રીતે અમને મદદ કરો.

રશિયા અને યુક્રેન 24 ફેબ્રુઆરીથી યુદ્ધ કરી રહ્યાં છે.બંને તરફથી થઈ રહેલા હુમલામાં સામાન્ય લોકોનો સોથ વળી ગયો છે. તો અનેક શહેરો શ્મશાનમાં ફેરવાયા છે. યુક્રેનના લાખો લોકોને બીજા દેશમાં આશરો લેવો પડી રહ્યો છે. આ વચ્ચે ડેવિડ અરખામિયાએ યુક્રેનની ચેનલ પર જણાવ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠક તુર્કીમાં ઉચ્ચ શક્યતાઓ સાથે થઈ શકે છે.

બ્રિટિશ PMએ ઝેલેન્સ્કીને અભિનંદન આપ્યા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રાજધાની કીવ સહિત મુખ્ય વિસ્તારમાં રશિયન દળને સફળતાપૂર્વક પીછેહટ કરાવવા માટે મજબૂર કરવા બદલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અભિનંદન આપ્યા છે. જોનસને કહ્યું કે રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધમાં દેશના અન્ય વિસ્તારમાં મોટા પડકારો પણ છે. બંને નેતાઓએ પુતિન પર આર્થિક દબાણ વધારવા માટે પ્રતિબંધો યથાવત રાખવાના મુદ્દે સહમતિ વ્યક્ત કરી છે.

લિથુઆનિયાના ફિલ્મ ડાયરેક્ટરનું યુક્રેનમાં મોત
બાલ્ટિક દેશના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મન્ટાસ કેવેદારાવિસિયસનું યુક્રેનમાં મોત નિપજ્યું છે. તેઓ મારિયુપોલમાં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યાં હતા. લિથુઆનિયાના રાષ્ટ્રપતિ નૌસેદાએ રવિવારે આ અંગેની જાણકારી આપી. નૌસેદાએ કહ્યું કે દેશના એક શાનદાર ફિલ્મ ડાયરેક્ટરને ગુમાવ્યા છે જેઓ યુક્રેનમાં કામ કરી રહ્યાં હતા અને રશિયન હુમલામાં માર્યા ગયા છે.

રશિયન સેના હાથ-પગ બાંધી માથામાં ગોળી મારે છેઃ યુક્રેન
યુક્રેનની રાજધાની કીવની આજુબાજુના વિસ્તારોને રશિયાની સેના ખાલી કરી રહી છે. અનેક વિસ્તારોમાં હૃદય કંપની ઉઠે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજધાની કીવની નજીક એક માર્ગ ઉપરથી 20 મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનનો દાવો છે કે આ લોકોના હાથ પાછળથી બાંધી તેમના માથામાં ગોળીઓ મારવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે જે મૃતદેહો મળી આવ્યા છે તેમા પુરુષો અને મહિલાઓ તથા 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

રશિયા ISIS કરતાં પણ ખરાબ છે-યુક્રેનના વિદેશ મંત્રી
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ આતંકવાદી સંગઠન ISIS સાથે રશિયાની તુલના કરી છે. ટાઈમ્સ રેડિયો સાથે વાત કરતા દિમિત્રીએ કહ્યું- બુચા શહેરથી પીછેહઠ કરતી વખતે રશિયાના સૈનિકો ગુસ્સામાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહ્યા હતા. આ લોકો તેમનો વિરોધ પણ કરી શકતા ન હતા. રશિયા ISIS કરતાં પણ ખરાબ છે.

રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં પોતાની રણનીતિ બદલી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. રશિયા હવે યુક્રેનની રાજધાની કીવ પરથી નજર હટાવીને ડોનબાસ અને પૂર્વીય યુક્રેનના અન્ય પ્રદેશો પર મે મહિના સુધીમાં અંકુશ મેળવવા માટે ફોકસ કરી રહ્યું હોવાનું યુએસ ઈન્ટેલિજન્સના એસેસમેન્ટ્સમાં જણાવાયું હોવાનું કેટલાક યુએસ અધિકારીઓએ જણાવ્યું છે.

એક યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર હવે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર વિજય પ્રાપ્તિનું દબાણ છે. એવામાં પૂર્વીય યુક્રેનના પ્રદેશો છે જ્યાં રશિયન સેના હાવિ થઈ શકે છે અને એમ કરીને પુતિન વિજેતા બન્યાનો દાવો કરી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post