• Home
  • News
  • દુર્વાસા ઋષિના શ્રાપથી રૂકમણી ને દ્વારકાધીશ વચ્ચે 12 વર્ષનું થયું હતું સોશિયલ ડિસ્ટન્સ, આજે પણ રૂકમણીનું મંદિર દ્વારકાથી 3 કિ.મી. દૂર
post

અમરાવતીની રાજકુમારી રૂકમણીએ પોતાનું હરણ કરવા ભગવાન કૃષ્ણને લખેલો પત્ર આજે પણ શયન આરતીમાં વંચાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 10:19:23

દ્વારકા : દ્વારકાનું જગતમંદિર તો ચાર દિવસ બંધ રહેવાનું જાણીને ભલભલા ભક્તોનું મોઢું પડી જાય તો મારી શી વિસાત. બપોરના 3.00નો સમય થઈ ગયો હશે અને હવે રાજાધિરાજ દ્વારકાધીશનું કમળવદન નિહાળવાની બીજી તકની શોધમાં મેં બેટદ્વારકા તરફ પ્રયાણ કર્યું. આના માટે મારે દ્વારકાથી 30 કિ.મી. દૂર ઓખા પહોંચવું જરૂરી હતું જ્યાંથી હું બોટ કરીને બેટદ્વારકા પહોંચી શકું. જો કે, દ્વારકાના મુખ્ય ગેટમાંથી બહાર નિકળીને ઓખા તરફ પ્રયાણ કરતા માંડ બે કિ.મી. થયા હશે ત્યાં જ જમણી બાજુ એક બીજું સુંદર કલાકૃતિવાળું મંદિર જોવા મળ્યું. સ્વાભાવિક છે કે એ મંદિર તરફ અમે વળી ગયા. બહાર બોર્ડ હતું રૂકમણી માતાજી મંદિર. બેનમૂન કલાકૃતિ દિવાલ પર કંડારેલી જોઈને જ લાગ્યું કે આ મંદિર પણ સદીઓ જૂનું તો હશે જ. અંદર જઈને દર્શન કર્યા અને પૂજારી સાથે વાત કરી તો આખી અલગ જ કહાણી જાણવા મળી કે કેવી રીતે શ્રાપ આપવા માટે જાણીતા ઋષિ દુર્વાસાના કોપથી સ્વયં નારાયણ પણ બચી શક્યા નહોતા. એટલું જ નહીં, આજથી 5000 વર્ષ પૂર્વે ઋષિ દુર્વાસાના શ્રાપથી દ્વારકાધીશ અને તેમના પટરાણી રૂકમણી વચ્ચે એક નહીં, બે નહીં પણ બાર વર્ષનું સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ ગયું હતું અને દ્વારકા નગરીનું પાણી ખારું થઈ ગયું હતું જે વાત આજદિન સુધી લાગુ પડે છે.

સુદીર નામના બ્રાહ્મણે લગ્ન માટે રૂકમણીનો પત્ર કૃષ્ણને પહોંચાડ્યો હતો
રૂકમણી મંદિરમાં છેલ્લા 20 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા જયેશભાઈ દવેએ જણાવ્યું હતું કે,રૂકમણી માતાના પત્રનો શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં ઉલ્લેખ છે.અમરાવતીની રાજકુમારી રૂકમણીના લગ્ન તેમના પિતાએ શિશુપાલ સાથે નિર્ધારિત કર્યા હતા. આ સંબંધ મંજૂર ન હોવાથી રૂકમણીએ મનથી ભગવાન શ્રીકૃષ્ણને પતિ માનીને પોતાનું પાણિગ્રહણ કરવા સુદીર નામના બ્રાહ્મણ દ્વારા દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ પાસે પત્ર પહોંચાડ્યો હતો.આ પત્રમાં રૂકમણીએ પોતાના મનોદશા વ્યક્ત કરી હતી અને દ્વારકાધીશને સમગ્ર સંસાર પર કૃપા કરે છે તેવી રીતે પોતાની પર કૃપા કરીને પાણિગ્રહણ કરવા વિનંતી કરી હતી. ચૈત્ર સુદ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હતા.

દુર્વાસા ઋષિની શરત પૂરી કરવા દ્વારકાધીશ-રૂકમણી ગાડે જોડાયા
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણી લગ્ન બાદ દુર્વાસા ઋષિના આશ્રમે ગયા હતા અને દ્વારકામાં ભોજનનું આમંત્રણ આપ્યું હતું. દુર્વાસા ઋષિએ શરત મૂકી કે, રથમાંથી ઘોડા કાઢીને બંને પતિ-પત્ની રથ ખેંચીને લઈ જાવ તો આવું. બંનેએ આ શરત સ્વીકારી અને ઋષિ દુર્વાસાને ગાડામાં બેસાડી ઘોડાને બદલે પોતે ગાડાને ખેંચીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. દ્વારકાથી આશરે 23 કિ.મી. દૂર ટુકણી ગામ પાસે રૂકમણીને થાક અને તરસ લાગતા ભગવાને જમીનમાં અંગૂઠો મારીને ગંગાજીને પ્રગટ કર્યા અને તેમની ધાર નિકળી. બંને પતિ-પત્નીએ પાણી પીધું પરંતુ એક ભૂલ કરી કે ગુરુને ન પૂછ્યું એટલે ઋષિ દુર્વાસા કોપાયમાન થયા.

દુર્વાસા ઋષિએ 2 શ્રાપ આપ્યા, જેના કોપથી ભગવાન પણ બચી ન શક્યા
દુર્વાસા ઋષિને લાગ્યું કે ભગવાન અને તેમના પત્ની બંને સ્વાર્થી છે કારણ કે તેમણે પોતાની તરસ તો ગંગાજીની ધાર વડે છીપાવી દીધી પણ ગુરુને આગ્રહ સુદ્ધાં ન કર્યો. આથી ક્રોધે ભરાઈને દુર્વાસા ઋષિએ બે શ્રાપ આપ્યા. ઋષિએ પહેલો શ્રાપ એ આપ્યો કે ભગવાન અને રૂકમણીને 12 વર્ષના વિયોગ થશે અને બીજો શ્રાપ આપ્યો કે, દ્વારકા ભૂમિનું પાણી ખારું થઈ જશે. આ કારણથી જ રૂકમણી પટરાણી હોવા છતાં તેમના નિવાસ માટે આ મંદિર બનાવાયું એવી લોકવાયકા છે. જ્યારે 12 વર્ષ પછી ઋષિ દુર્વાસાની પૂજા કરીને બંને પાછા દ્વારકામાં ગયા હતા. અહીં રૂકમણી મંદિરે આવીને માતાજીના પ્રસાદ તરીકે મંદિરમાં પાણી પીવે અને પછી પાણીનું દાન કરે તો ભક્તની 71 પેઢીનું તર્પણ થાય છે તેવી પણ માન્યતા છે.

રૂકમણી મંદિરના પૂજારી કહે છે, ભક્તો વિના ભગવાન પણ બોર થઈ જાય
છેલ્લા 500 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જન્માષ્ટમી પર્વ ટાણે જ જગત મંદિર અને રૂકમણી મંદિર બંધ રહ્યા છે. અહીં દર વર્ષે આઠમ-નોમ પર યાત્રીકો લાખોની સંખ્યામાં આવે છે. દર વર્ષે ચાર દિવસમાં 5 લાખથી વધુ દર્શનાર્થીઓ આવે છે. તેમના આગમનથી અનેરો ઉત્સાહ ફેલાય છે પણ આજે જન્માષ્મી જેવું લાગતું જ નથી. ખરું કહું તો ભક્તો એ જ મંદિરની શોભા છે અને ભક્તો વિના ભગવાન પણ બોર થઈ જાય છે, એમ પૂજારી જયેશભાઈએ કહ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post