લોકસભામાં છ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ આ સોનિયા ગાંધીનો રાજ્યસભામાં પહેલી ટર્મ છે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ જીતી ગયા છે. એક અધિકારીના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજસ્થાનથી સોનિયા ગાંધી સિવાય ભાજપના ચૂન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે.
સમાચાર એજન્સી PTIએ વિધાનસભા સચિવ મહાવીર પ્રસાદ શર્માના હવાલાથી જણાવ્યું કે, મંગળવારે ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો. કારણ કે કોઈ અન્ય ઉમેદવાર ચૂંટણી નહોતા લડી રહ્યા, એટલા માટે ત્રણેય નેતાઓ બિનહરીફ રાજ્યસભા માટે ચૂંટણી આવ્યા છે. જણાવી દઈએ કે, લોકસભામાં છ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ આ સોનિયા ગાંધીનો રાજ્યસભામાં પહેલી ટર્મ છે.
ગુજરાતથી જે.પી. નડ્ડા
આ સાથે જ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્ટીના ત્રણ અન્ય ઉમેદવારોને મંગળવારે ગુજરાતથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી હતી અને સત્તાધારી ભાજપના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
એક અધિકારીએ કહ્યું કે, ગુજરાતથી રાજ્યસભા ચૂંટણી માટે ચાર ખાલી બેઠકો પર કોઈ અન્ય ઉમેદવારે ઉમેદવારી નહોતી નોંધાવી. રિટર્નિંગ ઓફિસર રીતા મેહતાએ નડ્ડા સહિત તમામ ચાર ભાજપ ઉમેદવારોને સંસદના ઉચ્ચ સદન માટે બિનહરીફ વિજેતા જાહેર કરાયા. નડ્ડા સિવાય રાજ્યસભા માટે બિનહરીફ પસંદગી પામેલા ત્રણ અન્ય ઉમેદવાર હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયા, ભાજપ નેતા જસવંતસિંહ પરમાર અને મયંક નાયક હતા.
મધ્યપ્રદેશમાંથી કોણ-કોણ જીત્યું?
મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નારોલિયા, બંશીલાલ ગુર્જરનું નામ સામેલ છે. સાથે જ કોંગ્રેસના અશોક સિંહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો
રાજ્યસભાના સભ્યો મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)નો કાર્યકાળ 3 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. ત્રીજી બેઠક ભાજપના સાંસદ કિરોરી લાલ મીણાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડિસેમ્બરમાં ગૃહમાંથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી. 200 સભ્યોની વિધાનસભામાં ભાજપના 115 અને કોંગ્રેસના 70 સભ્યો છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે. પરિણામો બાદ કોંગ્રેસ પાસે છ અને ભાજપ પાસે ચાર સભ્યો છે.