• Home
  • News
  • રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલા સામે રાજ્યવ્યાપી વિરોધ, અનેક જગ્યાએ તો ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો
post

પંચમહાલમાં BJP વિરુદ્ધ મતદાન કરવાની લોકોએ પ્રતિજ્ઞા લીધી, જે ભાજપ માટે મુસીબત વધારી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 18:02:20

અમદાવાદ: રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે રાજ્યભારના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે છેલ્લા 13 દિવસ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઊતરી રહ્યો છે. તેઓની એક જ માગ છે કે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ગઈકાલે 7 એપ્રિલના રોજ ધંધૂકા ખાતે અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો સહિત ગુજરાતભરના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. જેમાં આગામી રણનીતિ ઘટવાની વાતચીત થઈ હતી. તો આ સાથે જ આજરોડ 8 એપ્રિલના પણ સુરત, અમદાવાદ, ખેડા સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો અનેક ગામોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

અમદાવાદના દસ્ક્રોઇમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી
આજે અમદાવાદના દસ્ક્રોઇ તાલુકા રાજપૂત સમાજ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાંથી રેલી યોજના દસ્ક્રોઇ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. દસ્ક્રોઇ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. જ્યાં સુધી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવશે.

 

સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
આજરોજ સુરત જિલ્લા કલેક્ટરને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટતાથી લખ્યું છે કે, રૂપાલાના નિવેદનથી અમારા સમાજની લાગણી દુભાયેલ છે. કારણ કે, ભરૂચ ગઢના રાજવી વીર મેહુરજી પરમાર ઉર્ફે વીર મહાસુરસિંહજી પરમારના અમે સૌ વંશજો છીએ. અમારા પૂર્વજ વીર મેહુરજીએ ભરૂચ ગઢને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. અમારા વીર મેહુરજીના બહેન સતી કુંવરબા તથા અન્ય રાણીઓએ ભરૂચ ગઢમાં જૌહર કર્યો હતું. પણ મુઘલો સામે અમારા સમાજે શરણાગતી સ્વીકારી નહોતી. માથા વઢાઈ ગયેલા ધડ લડતા રહ્યાં હતાં. આવી વીરગતી પામ્યા હતા અને અમારા માતાઓ-બહેનોએ જૌહરનો ભરૂચ ગઢનો ભવ્ય ઈતિહાસ છે. એટલે કહેવત પડી છે કે, ‘ભાંગ્યુ તોયે ભરૂચઆમ અમારા પૂર્વજોએ પોતા પ્રાણની આહુતી આપી હતી. રૂપાલાએ જે ટિપ્પણી કરી તેનાથી અમારા સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે. જેથી રૂપાલા સામે કાયદેસરના કાનૂની પગલા લેવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

સાઠોદ ગામમાં ભાજપે પ્રવેશ ન કરવાનું બેનર લાગ્યું
ગત મોડીરાત્રે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. આ બેનર જેસીબીની મદદથી લગાવવામાં આવ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. તેમજ આગવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ ચૂંટણી નહીં, પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું.

અરવલ્લીના 11 ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનર્સ
રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીનો વિરોધ અરવલ્લી જિલ્લાના ગામડે ગામડા સુધી પહોંચ્યો છે. શરૂઆતમાં રેલી અને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદની માંગણી કર્યા બાદ હવે ક્યાંકને ક્યાંક ભાજપ સામે વિરોધ થવા લાગ્યો છે. અરવલ્લી જિલ્લાના માલજીના પહડિયા, વાવડી, પીપરાણા, મંગાલપુર, ટુનાદર, ગોકુલપુરા, સરડોઈ, બોલુન્દ્રા ,મેઢાસણ, શીણાવાડ સહિતના 11 ગામોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનર્સ લાગ્યા છે. વાવડી ગામમાં રાજપૂત સમાજના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. જો ટિકિટ રદ નહીં થાય તો આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભોગવવા તૈયાર રહેવું પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કુંવારદા ગામે ભાજપની પ્રવેશબંધીના બેનરો લાગ્યા
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં મહિલાઓ સહિત સમાજના યુવાનો, વડીલો હાજર રહ્યાં હતાં અને જ્યાં સુધી ભાજપ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી કોઈપણ ભાજપના આગેવાનને ગામમાં પ્રવેશ ન કરવાનું જણાવાયું હતું. આ સાથે જ અલગ-અલગ જગ્યાએ ગામમાં બેનરો પણ લગાવી દેવામાં આવ્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post