• Home
  • News
  • કોંગ્રેસના ધારાસભ્યોની વેદના:કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ધારાસભ્યોને નહીં સાચવે તો 2022માં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશે
post

પ્રદેશ નેતાઓ અમને સંકટના સમયે જ યાદ કરે છેઃ ધારાસભ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-22 10:41:13

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસની નબળી નેતાગીરીની સાથે જોહુકમી અને ચૂંટાયેલા ધારાસભ્યો અને સક્રિય આગેવાનોની સતત અવહેલના અને અવગણનાને કારણે ગુજરાત કોંગ્રેસમુક્ત બની રહ્યું હોવાનું કોંગ્રેસના જ ધારાસભ્યો કહી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોનો તો માત્ર સંકટ સમયે ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ પણ વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ આ વાતને ટોચના નેતાઓ ગંભીરતાથી લેતા ના હોવાથી કોંગ્રેસ ખાલી થઈ રહી છે અને ભાજપમાં ઓવરફલો થઈ રહ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કેમ ભાજપમાં જાય છે એ અંગે કોંગ્રેસના હાલના ધારાસભ્યોએ નામ નહીં આપવાની શરતે દિલ ખોલીને વાતો કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જો પાર્ટીનો પ્રદેશ એકમ ધારાસભ્યોને નહીં સાચવે તો 2022માં એવો સમય આવશે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશે.

પ્રદેશ નેતાઓ અમને સંકટ સમયે જ યાદ કરે છે
આ ધારાસભ્યો પક્ષ સામે આક્રોશ ઠાલવવા સાથે કહેવા લાગ્યા કે અમારી કાયમથી ફરિયાદ રહી છે કે પાર્ટીના પ્રદેશ નેતાઓ અમને સંકટના સમયે જ યાદ કરે છે, બાકીના સમયમાં અમારી સાથે કોઇપણ જાતનો સંવાદ કરતા નથી. અમારી માગણી રહી છે કે દર બે કે ત્રણ મહિને ધારાસભ્યોને બોલાવીને લોકોના પ્રશ્નોનો કેવી રીતે નિકાલ કરવો એનું માર્ગદર્શન આપવું જોઇએ.

અમારી પાર્ટીમાં સંકલનનો મોટો અભાવ છે
આ અંગે કોંગ્રેસના બીજા એક સિનિયર ધારાસભ્યએ પણ કહ્યું હતું કે જ્યારે પણ વિપક્ષ સંકટમાં આવે છે અથવા તો પાર્ટીને અમારી જરૂર હોય છે ત્યારે બોલાવે છે, પરંતુ ધારાસભ્યો સાથે બેઠક કરીને સંવાદ કરવામાં આવે તો કોંગ્રેસ છોડીને કોઈ ધારાસભ્ય ભાજપમાં જાય નહીં. અમારી પાર્ટીમાં સંકલનનો મોટો અભાવ છે. ધારાસભ્યોની અવગણનાને કારણે વિપક્ષી સભ્યોની સંખ્યા સતત ઘટતી જાય છે.

નબળા પ્રદેશ નેતાઓને કાણે ધારાસભ્યો ગુમાવવા પડ્યા
કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી આપબળે જીતેલા ધારાસભ્યોએ બળાપો કાઢતાં કહ્યું હતું કે ગુજરાતમાં આજે એવી સ્થિતિ છે કે કોંગ્રેસનું વિધાનસભામાં ચાલતું નથી. સત્તાધારી પાર્ટી વિપક્ષને ગૃહમાં બોલવાનો મોકો આપતી નથી. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી, પરંતુ પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓને કારણે કોંગ્રેસે ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતા, તેમને ભાજપે તેની પાર્ટીમાં ભેળવી દીધા છે અને કોંગ્રેસને એક પછી એક ફટકા આપ્યા છે. કોંગ્રેસમુકત ગુજરાત કરવાના ખ્વાબ ભાજપ આ રીતે પૂરા કરી રહ્યો છે.

પ્રદેશ નેતાઓએ છેલ્લે ક્યારે ધારાસભ્યો સાથે ભોજન કર્યું એ પણ યાદ નથી
જ્યારે એક સિનિયર ધારાસભ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના હાઇકમાન્ડની વારંવારની ચેતવણી છતાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી. ગુજરાત કોંગ્રેસના 65 પૈકી 35 ધારાસભ્યો એવા છે, જેમને પાર્ટીના પ્રદેશ આગેવાનો આદરભાવથી બોલાવી પણ શકતા નથી. વિધાનસભાનું સત્ર હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ધારાસભ્યો યાદ આવે છે, પરંતુ ચાલુ દિવસોમાં ધારાસભ્યો સાથે લંચ કે ડિનર લીધું હોય એવું છેલ્લાં ઘણાં વર્ષેાથી ધારાસભ્યોને યાદ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post