• Home
  • News
  • અમેરિકા, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સમાં સૈન્ય શાસનના સમર્થકો વધ્યા, જ્યારે ઇરાક, રશિયામાં લોકશાહીના સમર્થકો વધી રહ્યા છે
post

વિશ્વમાં તાનાશાહી, નિરંકુશ શાસનના સમર્થકો વધી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:20:30

છેલ્લાં 25 વર્ષમાં દુનિયાભરમાં લોકશાહીની સ્થિતિ નબળી પડી છે અને નિરંકુશ શાસન કે તાનાશાહીના સમર્થકોની સંખ્યા વધી છે. સૌથી ખરાબ અસર નબળી લોકશાહીવાળા દેશોમાં જોવા મળી છે. બાકી દુનિયાની તુલનાએ પશ્ચિમી દેશોમાં લોકશાહીને વધુ સમર્થન મળ્યું છે. વર્લ્ડ વેલ્યૂઝ સરવે અને યુરોપિયન વેલ્યૂ સરવેના વિશ્લેષણમાં આ માહિતી સામે આવી છે. તેમાં દુનિયાભરમાં શાસન વ્યવસ્થા અંગે લોકોનો અભિપ્રાય લેવાય છે.

સરવે મુજબ વિશ્વના મહત્તમ ભાગોમાં તાનાશાહી કે નિરંકુશ શાસનનું સમર્થન વધ્યું છે. 10% લોકોએ તો લોકશાહીને ખરાબ પણ ગણાવી. જોકે, લોકશાહી શાસન વ્યવસ્થાના સમર્થકોની સંખ્યા તેમનાથી અંદાજે સાડા ચાર ગણી વધારે છે. એક ચતુર્થાંશ લોકોએ લશ્કરી શાસનનું સમર્થન કર્યું.

ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સમાં લશ્કરી શાસનના સમર્થકો વધ્યા છે. 1998થી અત્યાર સુધી આ દેશોમાં લશ્કરી શાસનના સમર્થકોની સંખ્યા ત્રણથી પાંચ ગણી જેટલી વધી છે.

સદ્દામ હુસેનની તાનાશાહી વેઠી ચૂકેલા ઇરાકમાં લોકશાહીની માગ પ્રબળ થઇ છે. ઇરાકમાં 10માંથી 4 લોકોએ લોકતાંત્રિક સત્તાનું સમર્થન કર્યું છે જ્યારે રશિયામાં લોકશાહીને ખરાબ ગણાવનારાઓની સંખ્યા અંદાજે બમણી ઘટી છે.

તાનાશાહીને સૌથી વધુ સમર્થન મેક્સિકોમાં
તાનાશાહ કે ચૂંટણીઓની પરવા ન કરનારા નેતાઓને સૌથી વધુ સમર્થન મેક્સિકોમાં મળ્યું છે. આવા લોકોની સંખ્યા 39%થી વધીને 70% થઇ ગઇ છે જ્યારે ન્યુઝીલેન્ડમાં આ સંખ્યા 2% ઘટીને 15% થઇ ગઇ છે.