• Home
  • News
  • સુપ્રીમકોર્ટે સરકારને કૃષિકાયદા લાગુ કરતા રોકી, 4 સભ્યની કમિટી રચી પણ ખેડૂતો નાખુશ
post

અંતરિમ આદેશમાં સુપ્રીમે કહ્યું- કોઈ પણ કાયદાનો અમલ રોકાયો એ અભૂતપૂર્વ ઘટના, જેથી ખેડૂતો ઘરે પાછા જઈ શકે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:38:59

સુપ્રીમકોર્ટે મંગળવારે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી દીધી હતી. આ સાથે એક કમિટીની પણ રચના કરાઈ. કમિટી બનાવવાના કોર્ટના નિર્ણય મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું કે, હવે આગળ કોર્ટનો જે નિર્ણય આવશે, તે માન્ય રહેશે. પરંતુ બીજી તરફ, ખેડૂતોએ કમિટી સામે વાત રજૂ કરવાનો જ ઈનકાર કરી દીધો.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અને ડૉ. દર્શનપાલ સિંહે કહ્યું કે, સુપ્રીમકોર્ટે બનાવેલી કમિટીના ચારેય સભ્ય નવા કૃષિકાયદાનું ખુલ્લેઆમ સમર્થન કરે છે. આ સરકારી લોકોછે એટલે આંદોલન ખતમ નહીં થાય. ઊલટાનું 26 જાન્યુઆરીએ રાજપથ પર પરેડની ઝડપથી તૈયારી કરાશે. આ કમિટીમાં ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ માન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાના ડિરેક્ટર ડૉ. પ્રમોદકુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના શેતકારી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવટ છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે કમિટીને 10 દિવસમાં કામ શરૂ કરવાનો આદેશ કર્યો છે.

અશોક ગુલાટી (એગ્રીકલ્ચર ઈકોનોમિસ્ટ)
એગ્રીકલ્ચર ઈકોનોમિસ્ટ અશોક ગુલાટી ભારતીય અનુસંધાન પરિષદ (ICRIER)માં ઈન્ફોસિસના ચેર પ્રોફેસર છે. ગુલાટી નીતિ આયોગ અંતર્ગત વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી એગ્રીકલ્ચર ટાસ્ટ ફોર્સના મેમ્બર અને કૃષિ બજાર સુધાર પર બનેલા એક્સપર્ટ પેનલના અધ્યક્ષ છે. અશોક ગુલાટીની પાસે એગ્રીકલ્ચર સેક્ટરનો સારો એવો અનુભવ છે. તેઓ કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈઝ (CACP)ના અધ્યક્ષ રહી ચુક્યા છે. CACP ફુડ સપ્લાઈ અને પાકની કિંમત નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને સલાહ આપે છે. ગુલાટીએ અનેક પાકના મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ડૉ. પ્રમોદ કે જોશી (એગ્રીકલ્ચર ઈકોનોમિસ્ટ)
ડૉ. પ્રમોદ જોશી સાઉથ એશિયા ઈન્ટરનેશનલ ફુડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર છે. તેઓ નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ હૈદરાબાદના ડાયરેક્ટર હતા. ડૉ. જોશી નેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર ઈકોનોમિક્સ એન્ડ પોલિસી રિસર્ચ નવી દિલ્હીના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. આ પહેલાં તેઓ ઈન્ટરનેશનલ ફુડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં સાઉથ એશિયાના કો-ઓર્ડિનેટર હતા. એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરવા માટે તેઓને અનેક એવોર્ડ મળ્યાં છે. તેઓ નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ અને ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ ઈકોનોમિક્સના ફેલો છે.

ભૂપિન્દરસિંહ માન (ખેડૂત નેતા)
15 સપ્ટેમ્બર 1939નાં રોજ ગુજરાંવાલા (હવે પાકિસ્તાનમાં)માં જન્મેલા સરદાર ભૂપિન્દરસિંહ માન ખેડૂતો માટે હંમેશા કામ કરતા રહ્યાં છે. આ કારણે તેઓના નામની ભલામણ રાષ્ટ્રપતિએ 1990માં રાજ્યસભામાં મોકલવા માટે કરી હતી. તેઓ 1966માં ફાર્મર ફ્રેન્ડ એસોસિએશનના ફાઉન્ડર મેમ્બરમાંથી એક હતા. જે બાદમાં સ્ટેટ લેવલ પર પંજાબ ખેતીવાડી યુનિયન બન્યું. આગળ જઈને આ સંગઠન નેશનલ લેવલ પર ભારતીય કિસાન યુનિયન (BKU) બન્યું. ભૂપિન્દરસિંહ માન હાલ BKUના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ કિસાન કો-ઓર્ડિનેશન કમિટી (KCC)ના ચેરમેન પણ રહ્યાં છે.

અનિલ ઘનવટ (ખેડૂત નેતા)
અનિલ ઘનવટ મહારાષ્ટ્રમાં ખેડૂતોના એક મોટા સંઘ શેતકારી સંગઠનના અધ્યક્ષ છે. આ સંગઠના મોટા કિસાન નેતા એવા શરદ જોશીએ 1979માં બનાવ્યું હતું. અનિલ ઘનવત શરૂઆતથી જ કહેતા આવ્યાં છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદામાં થોડાં જ સુધારાનો અવકાશ છે, પરંતુ તેનો વિરોધ કરવો ખેતીના હિતમાં યોગ્ય નથી.

તેમનું કહેવું છે કે આ કાયદો આવવાથી ગામડાંઓમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ બનાવવામાં રોકાણ વધશે. ઘનવટે એમ પણ કહ્યું હતું કે જો બે રાજ્યોના દબાણમાં આવીને આ કાયદો પરત લેવામાં આવશે તો તેનાથી ખેડૂતો માટે ખુલ્લા બજારનો રસ્તો બંધ થઈ જશે.

કમિટી બનાવવાના વિરોધમાં ખેડૂત સંગઠન
કૃષિ કાયદાના સમાધાન માટે સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાની વાત કરી છે. પરંતુ કેટલાંક કૃષિ સંગઠનો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નિરાશ છે. ખેડૂત નેતા મંજીત રાયે કહ્યું કે અમે લોકો શરૂઆતથી જ સમિતિ બનાવવાના પક્ષમાં નથી. તેનાથી સમગ્ર મામલા પર પડદો પડી જશે. કમિટીનો કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના પર ભારતીય કિસાન યુનિયનના નેતા મંજીતસિંહ રાયે કહ્યું કે, અમે લોકો શરૂઆતથી જ સમિતિ બનાવવાના પક્ષમાં નથી. સરકારને અમે પહેલાં પણ સમિતિમાં આવવાનું કહ્યું હતું, પરંતુ અમે ઈનકાર કરી દિધો હતો. અમે સુપ્રીમ કોર્ટમાંથી કાયદાને રદ કરવાના આદેશ આપવાની માગ કરીએ છીએ. સાથે જ તેઓએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સંપૂર્ણપણ સન્માન કરીએ છીએ. સમિતિ બનાવવાથી આ સમગ્ર મામલા પર ઠંડુ પાણી ફરી વળશે. આ કાયદાઓ ગેરબંધારણીય તરીકે બનાવવામાં આવ્યા છે. ત્યારે તેઓએ માત્ર કાયદાને રદ કરવાની વાત પર જોર આપીને આ મુદ્દે વાત કરવાનું કહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post