• Home
  • News
  • કોરોના સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે TATA-રિલાયન્સ પણ મેદાનમાં, આ રીતે કરી રહ્યા છે મદદ
post

દેશમાં કોરોના (Corona) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સીજનની મોટા પાયે જરૂર પડી રહી છે. દેશમાં અનેક ઠેકાણે ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે દેશના બે મોટા ઔદ્યોગિક જૂથ ટાટા અને રિલાયન્સ આવી કટોકટીની પળે દેશવાસીઓને શક્ય તમામ મદદ કરવા મેદાને આવી ગયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-21 11:58:18

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સીજનની મોટા પાયે જરૂર પડી રહી છે. દેશમાં અનેક ઠેકાણે ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે દેશના બે મોટા ઔદ્યોગિક જૂથ ટાટા અને રિલાયન્સ આવી કટોકટીની પળે દેશવાસીઓને શક્ય તમામ મદદ કરવા મેદાને આવી ગયા છે. ગઈ કાલે પીએમ મોદીના સંબોધન બાદ ટાટા ગ્રુપે એક મોટો નિર્ણય લીધો. આ ઉપરાંત રિલાયન્સ પણ જામનગર રિફાઈનરીમાં પ્રતિદિન 700 ટનથી વધુ મેડિકલ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહી છે. 

પીએમ મોદીના સંબોધન બાદ ટાટા જૂથે લીધો આ નિર્ણય
ટાટા જૂથ તરફથી કરાયેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી તરફથી દેશના લોકોને કરાયેલી અપીલ ખુબ પ્રશંસનીય છે. ટાટા સમૂહ તરીકે અમે કોવિડ 19 વિરુદ્ધ દેશમાં ચાલી રહેલી આ લડતને વધુ મજબૂત કરવા માટે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ. લિક્વિડ ઓક્સીજનના ટ્રાન્સપોર્ટ માટે ટાટા ગ્રુપ 24 ક્રાયોજેનિક કન્ટેઈનર ઈમ્પોર્ટ કરી રહ્યું છે. જે દેશમાં ઓક્સીજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રવિવારે  પણ ટાટા જૂથે કહ્યું હતું કે દેશની જરૂરિયાત જોતા અમે ઓક્સીજન સપ્લાય શરૂ કરી દીધો છે. કંપનીએ કહ્યું હતું કે અમે રોજનો 200-300 ટન લિક્વિડ મેડિકલ ઓક્સીજન સપ્લાય કરી રહ્યા છીએ. આ સપ્લાય વિવિધ રાજ્ય સરકારો અને હોસ્પિટલોમાં થઈ રહ્યો છે.  કંપનીએ કહ્યું હતું કે આ લડતમાં અમે એકજૂથ છીએ અને નિશ્ચિત રીતે તેમાં જીતીશું. 

રિલાયન્સ પણ સતત ખડે પગે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની જામનગર રિફાઈનરીમાં પ્રતિદિન 700 ટનથી વધુ મેડિકલ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઓક્સીજન કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોમાં વિના મૂલ્યે આપવામાં આવી રહ્યો છે. સૂત્રોએ આ માહિતી આપી. જો કે કંપની તરફથી આ અંગે કોઈ જાણકારી સામે આવી નથી. કંપનીની જામનગર રિફાઈનરીએ શરૂઆતમાં 100 ટન મેડિકલ ઓક્સીજનનું ઉત્પાદન કર્યું હતું અને ત્યારબાદ વધારીને 700 ટન કરવામાં આવ્યું. 

સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને આપવામાં આવી રહેલા ઓક્સીજનથી રોજ ગંભીર રીતે બીમાર 70 હજારથી વધુ દર્દીઓને રાહત મળશે. તેમણે કહ્યું કે કંપની ચિકત્સા ગ્રેડના ઓક્સીજનની ઉત્પાદન ક્ષમતા વધારીને 1000 ટન કરવાની યોજના ઘડી રહી છે. 

અત્રે જણાવવાનું કે જામનગર રિફાઈનરીમાં ચિકિત્સા સ્તરના ઓક્સીજનનું ઉત્પાદન થતું નથી. આ રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલને ડીઝલ, પેટ્રોલ અને વિમાન ઈંધણમાં ફેરવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઓક્સીજનની માગ વધી છે તેને જોતા રિલાયન્સે એવી મશીનરીઓ લગાવી છે કે જેનાથી ચિકિત્સા સ્તરના ઓક્સીજનનું ઉત્પાદન શક્ય બન્યું છે. 

સૂત્રોએ જણાવ્યું કે ચિકિત્સા માટે ઉપયોગમાં લેવાતા ઓક્સીજનને બનાવવા માટે ઔદ્યોગિક ઓક્સીજનના નિર્માણની સુવિધાઓ ઉપયોગમાં લેવાઈ રહી છે. મામલા સાથે સંલગ્ન એક સૂત્રના જણાવ્યાં મુજબ દરરોજ લગભગ 700 ટન ઓક્સીજનની આપૂર્તિ દેશના અલગ અલગ રાજ્યોને કરવામાં આવી રહી છે. જેનાથી પ્રતિદન 70 હજારથી વધુ ગંભીર દર્દીઓને રાહત મળશે. 

ઓક્સીજનનું ટ્રાન્સપોર્ટેશન વિશેષ ટેન્કરોમાં શૂન્યથી નીચે (-)183 ડિગ્રી સેલ્સિયસ પર થઈ રહ્યું છે અને પરિવહન ખર્ચ સહિત ઓક્સીજન રાજ્ય સરકારોને વિના મૂલ્યે અપાઈ રહ્યો છે. આ કંપનીની સીએસઆર (કંપની સામાજિક જવાબદારી)ની પહેલનો એક હિસ્સો છે. 

જાહેર ક્ષેત્રની આઈઓસી અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ (બીપીસીએલ) એ પણ પોતાની રિફાઈનરીઓમાં ચિકિત્સામાં ઉપયોગમાં લેવાતા ઓક્સીજનનું ઉત્પાદન શરૂ કરીને તેનું વિતરણ પ્રભાવિત રાજ્યોને કરી રહી છે. આ ઉપરાંત સેલ, ટાટા સ્ટીલ જેવી સ્ટીલ કંપનીઓએ પણ પોતાના ત્યાં ચિકિત્સા સ્તરના ઓક્સીજનનું ઉત્પાદન શરૂ કરીને તેની આપૂર્તિ બીજા રાજ્યોને શરૂ કર્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post