• Home
  • News
  • પુસ્તકમાં દાવો- ટ્રમ્પે ચૂંટણી જીતવા માટે જિનપિંગ પાસે મદદ માગી હતી
post

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોલ્ટનના આરોપોથી રાષ્ટ્રપતિ મુશ્કેલીમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:58:14

વોશિંગ્ટન: અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના પુસ્તક ધ રૂમ વ્હેર ઈટ હેપન્ડ : અ વ્હાઈટ હાઉસ મેમોયરને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે. આ પુસ્તકના અમુક અંશો સ્થાનિક મીડિયા સમક્ષ આવ્યા હતા. પુસ્તકમાં આરોપ મુકાયો છે કે ટ્રમ્પે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા સાથે ચીન વેપારયુદ્ધનો અંત લાવે. ટ્રમ્પે જિનપિંગને ચીનમાં ઉઈગર મુસ્લિમો માટે યાતના શિબિર બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રમ્પ, જિનપિંગ વચ્ચે ઓસાકામાં જૂન 2019માં જી-20 સમિટ વખતે આ વાતચીત થઈ હતી.

વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ટ્રમ્પ અને ઉ. કોરિયાના નેતા કિમ જોંગની પહેલી મુલાકાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પછી ટ્રમ્પનો પોમ્પિયો પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો, જેથી તેમણે પોમ્પિયોને આ મિશનમાંથી હટાવ્યા. ટ્રમ્પ નોકરશાહોને કહેતા કે મને રશિયા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ નથી. તે વેનેઝુએલા પર પણ આક્રમણ કરવા માંગતા હતા. આ પુસ્તક 23 જૂને રિલીઝ થઇ શકે છે. 

ટ્રમ્પે કહ્યું- બોલ્ટન જુઠ્ઠા, બિડેને કહ્યું- રાષ્ટ્રપતિએ અમેરિકીઓને વેચી માર્યા
ટ્રમ્પે કહ્યું કે બોલ્ટન જુઠ્ઠા છે. વ્હાઈટ હાઉસમાં બધા લોકો બોલ્ટનને નફરત કરે છે. તેમણે વધારે પડતી ગુપ્ત માહિતીઓ જાહેર કરી છે. તેમની પાસે તેની મંજૂરી નહોતી. બીજી બાજુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને કહ્યું કે આજે અમને બોલ્ટન દ્વારા ખબર પડી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના રાજકીય ભાવિની સુરક્ષા માટે અમેરિકીઓને જ વેચી માર્યા.  તેમણે ફરી ચૂંટણી જીતવા ચીનના નેતા શી જિનપિંગની મદદ પણ માગી.

પુસ્તક અંગે વિવાદ વચ્ચે પોમ્પિયોની હોનુલૂલૂમાં બેઠક, મીડિયાને દૂર રખાયું
બોલ્ટનના પુસ્તક અંગે વિવાદ વચ્ચે વિદેશમંત્રી પોમ્પિયોએ ચીનના ટોચના રાજદ્વારી યાંગ જિયાચી સાથે હોનુલૂલૂમાં બેઠક યોજી હતી. પોમ્પિયોની સાથે તેમના સહાયક અધિકારી સ્ટીફન બેગુન પણ હતા. સૂત્રો મુજબ આ બેઠક બંધ રૂમમાં યોજાઈ. મીડિયાને તેનાથી દૂર રખાયું. શક્યતા છે કે બેઠકમાં રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ટ્રમ્પની વાતચીત, અમેરિકાથી ઉત્તર કોરિયાના સંબંધ, કોરોના ચેપ અને હોંગકોંગની સ્થિતિ અંગે ચર્ચા થઈ છે. 

ઉઈગર અધિકારોને મંજૂરી
ટ્રમ્પે ચીનમાં ઉઇગર મુસ્લિમોના માનવાધિકારોના ભંગ વિરુદ્ધ એક બિલ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે ઉઈગરો પર કાર્યવાહીની જવાબદારી નક્કી થશે.

ચૂંટણી મુદ્દો બનશે
નિષ્ણાતો કહે છે કે બોલ્ટને પુસ્તકમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તે અમેરિકાની ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. ટ્રમ્પ સમર્થક કોરોના વગેરે અંગે ચીન વિરુદ્ધ કડક વલણ ઈચ્છે છે.

ટ્રમ્પ પર પુસ્તકમાં આ પણ આરોપો

·         ચીનમાં ઉઈગર મુસ્લિમોની યાતના શિબિરો સામે ટ્રમ્પને વાંધો નહોતો

·         પોમ્પિયો પર ભરોસો નહોતો, એટલા માટે ઉત્તર કોરિયા મિશનથી હટાવ્યાં

·         નોકરશાહોને કહ્યું હતું- રશિયા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ નથી

·         વેનેઝુએલા પર  આક્રમણ ઈચ્છતા હતા, તેને અમેરિકાનો હિસ્સો ગણતા હતા

 

adv

Related News

post
post
post
post
post
post
post