• Home
  • News
  • મહામારી 3 કરોડથી વધુ લોકો માટે રોજગારીનું સંકટ બની; 2019માં બાંગ્લાદેશી પર્યટકોએ સૌથી વધુ ભારતની મુલાકાત લીધી
post

વર્ષ 2017માં સૌથી વધુ 18.9% વિદેશી પર્યટકોએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 09:30:23

ભારત દેશ પોતાના અદભૂત પર્યટક સ્થળોના કારણે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.ભારતના ગૌરવશાળી ઈતિહાસ, સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાની ઝલક માણવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ભારતની મુલાકાત લે છે. આજ કારણે ભારત સરકારે દેશની અર્થવ્યવસ્થામાં પર્યટનના મહત્વ અંગે જાગૃતતા વધારવા માટે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્યટન દિવસઉજવવાનો નિર્ણય કર્યો. ભારતની અર્થવ્યવસ્થમાં પર્યટનનો મહત્વનો ફાળો છે. પરંતુ વર્ષ 2019-2020માં ભારતમાં કોરોના વાઈરસ મહામારીએ પર્યટન ક્ષેત્ર પર માઠી અસર કરી છે. જેમાં અંદાજે 3.8 કરોડ લોકોની રોજગારી છીનવાઈ હતી.

મહામારી 3 કરોડથી વધુ લોકો માટે રોજગારીનું સંકટ બની
દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે એપ્રિલ 2019થી માંડી 14 એપ્રિલ, 2020 સુધી પર્યટન ઉદ્યોગની કમર ભાંગી ગઈ હતી. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 3.8 કરોડ લોકો સામે રોજગારીનું સંકટ ઊભું થયું હતું. વૈશ્વિક મહામારીના રૂપમાં ફેલાયેલા આ કોરોના વાઈરસની સૌથી વધુ અસર હોટલ, ટૂર એન્ડ ટ્રાવેલ, ઉડ્ડયન, ખાણી પીણી અને મનોરંજન ક્ષેત્ર પર પડી હતી. મહામારીના કારણે 2020માં આખા વર્ષ દરમિયાન પર્યટન સાથે જોડાયેલી 25 ટકા બુકિંગ્સ રદ્દ થઈ ચૂકી હતી. દેશભરમાં હિમાચલ પ્રદેશ, કેરળ, આગરા અને પશ્વિમ બંગાળ સહિતના દરેક રાજ્યોમાં કોરોના મહામારીની માર પડી હતી.

હિમાચલ પ્રદેશના જાણીતા રિસોર્ટમાં બુકિંગમાં ભારે ઘટાડો થયો હતો. કેરળના પર્યટન ઉદ્યોગે 2020માં વધુ પર્યટકોને આકર્ષિત કરવાની તૈયારી કરી હતી, પરંતુ મોટી સંખ્યામાં પર્યટકોએ બુકિંગ રદ્દ કરાવી દીધી હતી. તો આ તરફ આગરામાં 31 માર્ચ સુધી ચાલનારી ટૂરિસ્ટ સિઝન 16 માર્ચે જ સમેટાઈ ગઈ હતી. જો કે હવે ધીમે ધીમે ભારતીય પર્યટન વિભાગની ગાડી પાટા પર લાવવાના પ્રયાસ શરૂ થઈ ચૂક્યાં છે.

2028 સુધી પર્યટન ક્ષેત્ર દ્વારા 32.05 લાખ કરોડ આવકનું લક્ષ્ય
દેશની અર્થવ્યવસ્થામાં પણ પર્યટન ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. વર્લ્ડ ટ્રાવેલ અને ટુરિઝમ કાઉન્સિલની ગણતરી પ્રમાણે વર્ષ 2018માં પર્યટન દ્વારા 16.91 લાખ કરોડની આવક થઈ હતી. જે ભારતની GDPનો 9.2% છે. આટલું જ નહીં પર્યટન ક્ષેત્ર દ્વારા 4.26 કરોડ લોકોને રોજગાર મળ્યો છે. જો કે હવે 2028 સુધી 6.9%ના વાર્ષિક દરે 32.05 લાખ કરોડની આવકનું લક્ષ્યાંક રાખ્યું છે.

ભારતની મુલાકાતમાં બાંગ્લાદેશના પર્યટકો અવ્વલ
ભારતમાં વિદેશી પર્યટકોનો જમાવડો હંમેશા રહે છે. જેમાં વર્ષ 2019ના ડેટા પ્રમાણે બાંગ્લાદેશના પર્યટકો સૌથી વધુ ભારતની મુલાકાત માટે આવ્યા હતા. બાંગ્લાદેશના 25,77,727 પર્યટકોએ 2019ના વર્ષમાં ભારતની મુલાકાત લીધી હતી. જે કુલ પર્યટકોના 23.58% હતા. ત્યારપછી બીજા નંબરે અમેરિકા હતું. જ્યાંથી 15,12,032 લોકો ભારતની મુલાકાતે આવ્યા હતા જે કુલ પર્યટકોના 13.83% હતા. ત્યારપછી બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચાઈના, મલેશિયા, શ્રીલંકા,જર્મની અને રશિયાના પર્યટકો ભારતની મુલાકાત લેનારા ટોપ-10 દેશોમાં સામેલ હતા.

ભારતમાં કુલ 1,09,30,355 એટલે કે 100% વિદેશી પર્યટકોએ 2019 વર્ષમાં મુલાકાત લીધી હતી. જેમાં ટોપ-10 દેશોમાંથી 73,30,325 લોકો એટલે કે 32.94% વિદેશી પર્યટકો ભારતની મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત 36,00,030 પર્યટકો અન્ય દેશોમાંથી ભારતની મુલાકાતે આવ્યા હતા.

વિદેશી મુલાકાતીઓમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે
વર્ષ 2017ના ડેટા પ્રમાણે 50,78,514 એટલે કે 18.9% વિદેશી પ્રવાસીઓએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર વિદેશી પર્યટકો દ્વારા લેવાતી મુલાકાતોમાં સૌથી મોખરે એટલે કે ટોપ-10 સ્થળોમાં સૌથી પહેલા નંબરે છે. ત્યાર પછી 48,60,455 લોકોએ એટલે કે 18.1% લોકોએ તમિલનાડુ મુલાકાત લીધી હતી. આ સાથે જ ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પશ્વિમ બંગાળ, કેરળ, બિહાર, કર્ણાટક અને ગોવા દેશના ટોપ-10 રાજ્યોમાં સામેલ છે. જ્યાં વિદેશી પ્રવાસીઓએ સૌથી વધુ મુલાકાત લીધી હતી. આ ટોપ-10 રાજ્યોમાં કુલ 2,06,20,863 એટલે કે 88.4% પર્યટકો મુલાકાત લીધી હતી. તથા અન્ય રાજ્યોમાં 27,05,300 પર્યટકોએ મુલાકાત લીધી હતી. દેશભરના રાજ્યોમાં કુલ 2,33,26,136 લોકોએ 2017ના વર્ષમાં ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી.

ભારતીય પર્યટકોમાં તમિલનાડુ મોખરે
વર્ષ 2017ના ડેટા પ્રમાણે 34 કરોડ 50 લાખ 61 હજાર 140 લોકો એટલે કે 20.9% ભારતીય પર્યટકોએ તમિલનાડુની મુલાકાત લીધી હતી. બીજા નબંરે ઉત્તરપ્રદેશની 23 કરોડ 39 લાખ 77 હજાર 619 લોકોએ એટલે કે 14.2% ભારતીય પર્યટકોએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, ગુજરાત અને રાજસ્થાન ટોપ-10 રાજ્યો હતા. જ્યાં સૌથી વધુ ભારતીય પર્યટકો મુલાકાતે ગયા હતા.

વર્ષ 2017માં કુલ 165 કરોડ 24 લાખ 85 હજાર 357 ભારતીય પર્યટકોએ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાં ટોપ-10 રાજ્યોમાં કુલ 138 કરોડ 8 લાખ 96 હજાર 844 ભારતીય પર્યટકોએ મુલાકાત લીધી હતી. સાથે જ 27 કરોડ 15 લાખ 88 હજાર 513 લોકોએ અન્ય રાજ્યોની મુલાકાત લીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post