• Home
  • News
  • હીથ્રો એરપોર્ટના વડાએ કહ્યું- કોરોનાથી સાજા થયેલા લોકો માટે ઈમ્યુનિટી પાસપોર્ટની વૈશ્વિક વ્યવસ્થા બનાવો જેથી અર્થતંત્ર સુધરે
post

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં રોજ અઢી લાખ લોકો આવે છે, હવે 5-6 હજાર જ જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 10:52:36

લંડન: વિશ્વના સૌથી વ્યસ્ત બ્રિટનના હીથ્રો એરપોર્ટના વડા જૉન હોલેન્ડ કાયેએ ઈમ્યુનિટી પાસપોર્ટની વ્યવસ્થા લાગુ કરવાની વકીલાત કરી છે. તેમણે આ હેઠળ કોરોના વાઈરસ સામેનો જંગ જીતનારાને રિસ્ક ફ્રી હોવાનું સર્ટિફિકેટ આપવાની સાથે જ તેને દુનિયાભરમાં લાગુ કરવાની દરખાસ્ત મૂકી છે. આ વ્યવસ્થાથી પ્રવાસ અગાઉ જ એવી વ્યક્તિની ઓળખ થઈ જશે કે તેને ઈમ્યુનિટી પાસપોર્ટ દ્વારા બીજા દેશમાં જવાની મંજૂરી છે. આ વ્યવસ્થા કાયમી હોવાથી લોકો વેકેશન પર પણ જઈ શકશે. તેમને અર્થતંત્રને પાટે ચઢાવવા કોરોનાથી ઓછું જોખમ ધરાવતા દેશો વચ્ચે ફરીથી ઉડ્ડયન સેવા શરૂ કરવા પર પણ જોર આપ્યું હતું. 


બ્રિટનમાં પ્રવાસીઓની સંખ્યા 97 ટકા સુધી ઘટી
રવિવારે એક ટીવી શૉમાં જૉન હોલેન્ડે કહ્યું કે બ્રિટનમાં પ્રવાસીઓની સંખ્યા 97 ટકા સુધી ઘટીને 5-6 હજારની થઈ ગઈ છે. એક સમયે રોજના અઢી લાખ પ્રવાસી અહીં આવતા હતા. આ એર ટ્રાફિકનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે અને આશંકા છે કે તે લાંબો સમય સુધી આમ જ રહેશે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા આપણે એક સામાન્ય આંતરરાષ્ટ્રીય માપદંડની સાથે અન્ય દેશો સાથે કામ કરીએ જેથી કોરોનાથી ઓછા પ્રભાવિત દેશો વચ્ચે વિમાની સેવા શરૂ કરી શકાય. આથી એ જરૂરી છે કે કોરોનાનો જંગ જીતેલા આવા લોકોને ઈમ્યુનિટી પાસપોર્ટ કે રિસ્ક ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવે. આ રોગચાળાના પ્રકોપથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત પર્યટન અને વિમાની સેવાને ફરી જીવિત કરવા માટે હિથ્રો એરપોર્ટના ટર્મિનલ નંબર 2 પર થર્મલ ઇમેજિંગ સિસ્ટમ લગાવાઈ રહી છે. જો કે ડબલ્યુએચઓ કહી ચૂક્યું છે કે ઈમ્યુનિટી પાસપોર્ટ પર ભરોસો કરવો જોઈએ નહીં. કારણ કે એવા કોઈ પુરાવા મળ્યાં નથી કે જે લોકો આ ચેપમાંથી સાજા થયા પછી તેમનામાં એન્ટીબોડી વિક્સિત થયું હોય અને તેમને ફરી ચેપ નહીં લાગે તથા તેઓ કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે તેવું કહી શકાય નહીં. 


ભારતમાં ઈમ્યુનિટી પાસપોર્ટ પર હાલમાં કોઈ વિચાર નથી: ડીજીસીએ
દેશમાં ઈમ્યુનિટી પાસપોર્ટ પર હાલમાં કોઈ વિચારણા નથી. ડીજીસીએના જણાવ્યા મુજબ અત્યારે માત્ર મંત્રાલયે જાહેર કરેલા લૉકડાઉનને નિયમનું પાલન થાય છે. જો કે એરલાઈન્સ કંપનીઓને ફ્લાઈટ ઓપરેશન દરમિયાન કોરોના સંબંધિત ગાઈડ લાઈન આપી દેવાઈ છે જેનું તેમને પાલન કરવું પડશે.