• Home
  • News
  • પાકિસ્તાનનો નવો પેંતરો:ઈમરાન સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપ્યો; ભારતે ગેરકાયદે કબજો ખાલી કરવા કહ્યું
post

1947માં સંપૂર્ણપણે વિલિનીકરણ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:20:18

પાકિસ્તાન સરકારે રવિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું છે. આ અંગે ભારતે આકરો વિરોધ નોઁધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પાકિસ્તાનની તરફથી જબરદસ્તીથી કબજે કરાયેલા ભારતીય ભૌગોલિક હિસ્સામાં કોઈ પણ બદલાવને ભારત નકારી કાઢે છે. આ હરકત સહન કરવામાં નહીં આવે.

ગિલગિટ-બાલ્ટિસ્તાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન હિસ્સા છે. પાકિસ્તાન આ ક્ષેત્રોનો દરજ્જો બદલવાના બદલે ગેરકાયદે કબજો તુરંત ખાલી કરી દે.

1947માં સંપૂર્ણપણે વિલિનીકરણ થયું હતું
અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, ‘1947માં જમ્મુ-કાશ્મીર ભારત સંઘમાં સંપૂર્ણપણે વિલિન થયું હતું. આ સંપૂર્ણપણે કાયદેસર હતું. આ કારણથી પાકિસ્તાન સરકાર જબરદસ્તીથી કબજે કરેલા વિસ્તારો પર આ રીતે બદલાવ ન કરી શકે. પાકિસ્તાન 7 દાયકાથી આ વિસ્તારોમાં ગેરકાયદે કબજો કરીને અહીંના લોકોને ત્રાસ આપી રહ્યું છે. માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ ઠીક નથી.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શરૂ થયો વિરોધ
પાકિસ્તાન સરકાર તરફથી અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાના એલાન પછી તરત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વિવાદ શરૂ થયો છે. સેંકડોની સંખ્યામાં લોકો ઈમરાન ખાનના આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. લોકોએ ઈમરાન ખાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. લોકોએ કહ્યું હતું કે તેઓ જીવ આપી દેશે, પરંતુ પાકિસ્તાન સાથે ક્યારેય નહીં જાય.