• Home
  • News
  • આણંદમાં રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયેલા ASI પ્રકાશસિંહની જયપુર અને અમદાવાદની મિલકતોની તપાસ થશે
post

ASI પ્રકાશસિંહને આણંદની કોર્ટમાં રજૂ કરાતાં વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 12:03:42

વિદ્યાનગર રોડ પરની હોટલમાંથી રૂપિયા 50 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા આર.આર.સેલના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં મંગળવારે બપોરે ત્રણે વાગ્યે આણંદ પુન: તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, પોલીસની ચાર દિવસની પૂછપરછ દરમિયાન, આણંદ-વિદ્યાનગરમાં તેની બે હોટલ સહિત, અમદાવાદના બોપલમાં ફ્લેટ અને જયપુરમાં પણ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જેને પગલે જયપુર સહિત વિદ્યાનગર-અમદાવાદમાં આવેલી સંપત્તિ કોના નામે છે તેની તપાસ પોલીસ દ્વારા આગામી સમયમાં હાથ ધરાશે. આણંદ જિલ્લા કોર્ટના સરકારી વકીલ અશ્વિનભાઈ જાડેજાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, એએસઆઈ પ્રકાશસિંહના મોબાઈલની સીડીઆર ડિટેઈલ્સ ઉપરાંતની તપાસ હાથ ધરવાની બાકી છે. તે આણંદ ઉપરાંત અમદાવાદ તેમજ જયપુરમાં પણ મિલ્કતો ધરાવે છે. મિલકત કોના નામે છે તે તપાસનો વિષય છે. આ ઉપરાંત તે લક્ઝુરીયસ કાર પણ ધરાવે છે.

કારનું ફંડીગ કેવી રીતે અને કોણે કર્યું હતું. આ સિવાય, તેના મોટાભાગના ટ્રાન્ઝેક્શન ભારતીય ચલણ ઉપરાંત વિદેશી ચલણ, ખાસ તો ડોલરોમાં થયાનું પણ પ્રકાશમાં આવ્યું છે. જોકે, તેમનો પુત્ર શિકાગોમાં અભ્યાસ કરતો હોઇ ટ્રાન્ઝેક્શન થયાનું આરોપી પક્ષના વકીલ જણાવે છે. પરંતુ ખરેખર એ ટ્રાન્ઝેક્શન એના જ છે કે કેમ તે બાબત પણ હાલ તપાસનો વિષય છે. આમ, આ સમગ્ર બાબતની તપાસ બાકી હોઇ કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બે આઈફોનના FSL રિપોર્ટ આજે આવશે
અમદાવાદ એસીબી દ્વારા પ્રકાશસિંહની ધરપકડ કર્યા બાદ તેના બંને આઈફોન કબ્જે લેવાયા હતા. પોલીસે તેના મોબાઈલની ડિટેઈલ માટે એફએસએલની મદદ લીધી હતી. જેનો રિપોર્ટ બુધવારે આવશે. એવું કહેવાય છે કે, રિપોર્ટ બાદ અનેક રહસ્ય પરથી પરદો ઊંચકાય તેમ લાગી રહ્યું છે. તપાસ અધિકારી પીઆઈ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બે મોબાઈલ ફોન કબ્જે લઈ એફએસએલમાં જે તે સમયે મોકલી આપ્યા હતા. એ સમયે કેટલીક વાંધાજનક બાબતો જેમાં વોટસએપ ચેટીંગ, મેસેજીસ અને કોલ મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીનો આગામી સમયમાં સાયકોલોજિકલ પ્રોફાઈલિંગ ટેસ્ટ પણ કરવામાં આવશે. જોકે, આગામી સમયમાં અન્ય કેટલાંક શખ્સોની સંડોવણી ખૂલી શકે તેમ છે જેમની પણ પૂછપરછ કરાશે.

ASI પ્રકાશસિંહના રિમાન્ડ માટે કયાં કારણો રજૂ કરાયાં

·         મોબાઈલની સીડીઆર ડિટેઈલ્સની તપાસ

·         અમદાવાદ-જયપુરમાં મિલકત કોણા નામે ?

·         લક્ઝૂરિયસ કારનુ ફડિંગ કોણે કર્યુ છે

·         ડોલરના ટ્રાન્ઝેક્શન કોણા નામે થયા છે ?

·         બેંક ખાતાની તપાસ હાથ ધરવાની બાકી

 

adv

Related News

post
post
post
post
post
post
post