• Home
  • News
  • US ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ:ટ્રમ્પના 10 નિર્ણય પર સવાલો ઊઠ્યા, દરરોજ તેમણે સરેરાશ 12 ખોટા દાવા કર્યા
post

ટ્રંપ અમેરિકન લોકતાંત્રિક ઈતિહાસના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, જેમના વિરુદ્ધ બે વખત મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 10:37:19

ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. આગામી અમુક કલાકમાં તેઓ વ્હાઈટ હાઉસને છોડીને ફ્લોરિડાના પોતાના આલીશાન રિઝોર્ટ માર-એ-લેગોમાં શિફ્ટ થઈ જશે. વ્હાઈટ હાઉસ ભલે છૂટી જાય, પણ ટ્રમ્પ પોતાની પાછળ ઘણી વસ્તુઓ અને નિર્ણયો વારસા તરીકે છોડીને જઈ રહ્યા છે, જેને સામાન્ય અમેરિકન પસંદ નહોતા કરતા. કદાચ આ જ કારણ છે કે તેઓ અમેરિકન લોકતાંત્રિક ઈતિહાસના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, જેમના વિરુદ્ધ બે વખત મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો છે. અહીં અમે ટ્રમ્પ અને તેમના કાર્યકાળ સાથે જોડાયેલી અમુક મહત્ત્વની વાતો અને વિવાદાસ્પદ નિર્ણયો વિશે જણાવી રહ્યા છીએ.

10 નિર્ણય, જેના માટે વિવાદ થયો
1.
ઈઝરાયેલ પ્રેમઃ કાર્યકાળના શરૂઆતના સપ્તાહમાં જ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી દીધી. તેમણે કહ્યું હતું કે હવે તેલ અવીવ નહીં, પરંતુ જેરુસલેમમાં અમેરિકન એમ્બેસી હશે. તેમણે 70 વર્ષની અમેરિકન નીતિ એક હસ્તાક્ષરથી ફેરવી નાખી, જેનો ઘણો વિરોધ થયો. ખાસ કરીને આરબ અને યુરોપમાં.

2. 7 મુસ્લિમ દેશના લોકો પર પ્રતિબંધઃ હિંસાગ્રસ્ત સિરિયા, સૂડાન, સોમાલિયા, ઈરાન, ઈરાક, લીબિયા અને યમનના શરણાર્થીઓની અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો. આનાથી મુસ્લિમ દેશ નારાજ થયા. માનવાધિકાર સંગઠનોએ આને બર્બર નિર્ણય ગણાવ્યો.

3. એમ્બેસીમાં ફેરફારઃ આવું પણ પહેલી વખત થયું, જ્યારે ટ્રમ્પે એકસાથે લગભગ 50 દેશથી અમેરિકન રાજદૂતોને પહેલા પાછા બોલાવ્યા અને પછી તેમની જગ્યાએ નવા ડિપ્લોમેટ્સને મોકલ્યા. એક વખત તો એવો પણ આવ્યો જ્યારે કેનેડા અને ચીન ઉપરાંત સાઉદી આરબ જેવા દેશોમાં અમેરિકન રાજદૂતનું પદ અમુક દિવસો માટે ખાલી રહ્યું.

4. મેક્સિકો સરહદ પર દીવાલઃ ઘૂસણખોરી અને ડ્રગમાફિયાને રોકવા માટે 3200 કિમી લાંબી દીવાલ બનાવવાનો નિર્ણય કરાયો. 453 કિમીની દીવાલ ઊભી કરવામાં આવી ચૂકી છે. ટ્રમ્પનો દાવો હતો કે પૈસા મેક્સિકો આપશે, પણ પોતે અત્યારસુધી 15 કરોડ ડોલર અમેરિકન ખજાનામાંથી આપી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બાઈડન આ કામ અટકાવી દેશે.

5. ક્લાઈમેન્ટ ચેન્જ પર અલગ સ્ટેન્ડઃ ક્લાઈમેન્ટ ચેન્જ અંગે ટ્રમ્પે ભારત અને ચીન જેવા દેશો પર ઠીકરું ફોડ્યું. અમેરિકાને પેરિસ ક્લાઈમેટ ડીલથી અલગ કરી દીધો. બરાક ઓબામાએ આ પગલાને આપઘાતકરાર કહી દીધો. બાઈડન આને ફરી લાગુ કરવાનો વાયદો કરી ચૂક્યા છે.

6. ટીટીપી કરારથી પણ અંતરઃ ટ્રમ્પ ચીનનું વર્ચસ્વ ઓછું કરવાનો વાયદો અને દાવો કરતા રહ્યા પણ તેમણે ટ્રાન્સ પેસેફિક પાર્ટનરશિપથી અમેરિકાને અલગ કરી દીધું, જેનો ફાયદો ચીને ઉઠાવ્યો, કારણ કે તે હવે 12 એશિયન દેશ સાથે ફ્રી ટ્રેડ કરી રહ્યું છે, જેને બદલે બીજો કોઈ કરાર પણ નથી થઈ શક્યો.

7. ઈરાન સાથે ખેંચતાણઃ ઓબામાના સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ પ્રોગ્રામ અંગે એક કરાર થયો હતો. ટ્રમ્પે વાતચીત કરવાની જગ્યાએ આ સમજૂતીને લાગુ કરવાની એટલે કે ઘર્ષણનો રસ્તો અપનાવ્યો. ઈઝરાયેલ સાથે મળીને ત્યાંની જાણીતી હસ્તીઓને ટાર્ગેટ કરી. પરિણામ એ આવ્યું કે હવે ઈરાન ચીન તરફ ઝૂકી રહ્યો છે.

8. સૈન્ય વાપસીઃ સિરિયા અને અફઘાનિસ્તાનમાં સ્થિતિ ક્યારેય ન સુધરી, પરંતુ ટ્રમ્પે રાજકીય ફાયદો ઉઠાવવા માટે ત્યાંથી સૈનિકોને પાછા બોલાવવા માટે જીદ કરી. પરિણામે, બન્ને દેશોમાં અમેરિકન પ્રતિષ્ઠાને ઝાટકો વાગ્યો. સિરિયામાં રશિયા અને અફઘાનિસ્તાનમાં ચીન દ્વારા પાકિસ્તાનમાં ફરી પગ પેસારો થવા લાગ્યો.

9. સુપ્રીમ કોર્ટમાં પસંદ કર્યા જજઃ જસ્ટિસ ગિન્સબર્ગના મોત પછી ટ્રમ્પે યુવાન જસ્ટિસ બેરેટને અપોઈન્ટ કરી દીધા, જેના માટે શક્તિનો ખોટો ઉપયોગ કર્યો. જોકે તેઓ ઈચ્છતા હતા કે જો રાષ્ટ્રપતિ ચૂંટણીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પહોંચે તો ત્યાં તેમના પક્ષમાં નિર્ણય થાય, પરંતુ એવો સમય ન આવ્યો. ટ્રમ્પ પહેલાં જ હારી ગયા.

10. WHOનું ફંડિંગ બંધઃ WHOના કુલ ફંડિંગમાં અમેરિકન હિસ્સો લગભગ 40% હતો. ટ્રમ્પે WHOને ચીનની કઠપૂતળી ગણાવી અને ફંડિંગ બંધ કરી દીધું. મહામારીના સમયમાં તેમના આ પગલાનો દેશ અને વિદેશમાં વિરોધ થયો. ટ્રમ્પે કહ્યું, કોઈ અમેરિકન ટેક્સપેયર્સના પૈસા પર એશ ન કરી શકે. ચીન તો સહેજ પણ નહીં.

જુઠ્ઠાણાની જાળ
વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે કાર્યકાળના શરૂઆતના 827 દિવસમાં લગભગ 10 હજાર ખોટા દાવા કર્યા. 9 જુલાઈ 2019 સુધી આ આંકડો 20,055 થઈ ગયો. હવે અમે 2021માં છીએ. અંદાજ લગાવી શકાય છે કે આ સંખ્યા કેટલી હશે, જેમાં ખાસ વાત તો એ છે કે સૌથી વધુ ખોટા દાવા ચૂંટણી માટે કરાયા. ત્યાર પછી અમેરિકન અર્થવ્યવસ્થા અને રોજગારનો નંબર આવે છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે દરરોજ 12 ખોટા દાવા કર્યા.

ટ્વિટરનો ખોટો ઉપયોગ
અમેરિકન રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટરનો ઉપયોગ સત્તાવાર રીતે જ કરી રહ્યા છે. ઓબામાના સમયમાં પણ આવું થતું રહ્યું, પણ ટ્રમ્પે ઓફિશિયલ અકાઉન્ટ કરતાં વધુ ઉપયોગ પર્સનલ અકાઉન્ટનો કર્યો. tweetbinder.com અને statista.com ના રિપોર્ટ પ્રમાણે, ઓફિશિયલ અકાઉન્ટથી ટ્રમ્પે કુલ 34 હજાર ટ્વીટ કર્યાં.

ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટના અમુક આંકડા

·         59,553: ટ્વીટ અથવા રિટ્વીટ્સ

·         46,919 : ઓરિજિનલ ટ્વીટ્સ

·         12,634: રિટ્વીટ્સ

·         8,89,36,841: ફોલોવર્સ

·         51: ફોલોઈન્ગ

·         4 મે 2009: પહેલું પર્સનલ ટ્વીટ

·         17,260: ટ્વીટ iPhoneથી કરાયાં

 

adv

Related News

post
post
post
post
post
post
post