• Home
  • News
  • ગુજરાતમાં ઇમર્જન્સી ફંડ ઊભું કરનારાની સંખ્યા 32%થી વધીને 70% થઈ ગઈ, લૉકડાઉનના 3 મહિનામાં 21 હજાર કરોડનું સેવિંગ્સ, કુલ ડિપોઝિટ 7.81 લાખ કરોડ
post

ગુજરાતનો સેવિંગ રેશિયો સૌથી વધુ, ગૃહઉદ્યોગ ચલાવનારી મહિલાઓની બચતમાં 15 કરોડનો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 09:49:03

કોરોના ક્રાઇસિસ વચ્ચે પણ ગુજરાતીઓએ બેન્ક થાપણો તેમજ બચતોને એન્કેશ કરવાના બદલે ઇમર્જન્સી ફંડને ધ્યાનમાં રાખીને બચતોમાં 21 હજાર કરોડની વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ 7.60 લાખ કરોડની હતી, જે જૂન ક્વાર્ટરમાં વધીને 7.81 લાખ કરોડ થઈ ગઈ છે. એનઆરઆઇ ડિપોઝિટ પણ વધી રૂ. 7500 કરોડની વૃદ્ધિ સાથે રૂ. 3.60 લાખ કરોડ નોંધાઈ છે.

દેશમાં સેવિંગ રેશિયો (બચત)ની દૃષ્ટિએ પાવરધા ગણાતા ગુજરાતીઓએ કોરોના મહામારી જેવી કટોકટીના સમયમાં પણ બચતમાં વૃદ્ધિ કરી છે. કોરોના વાઇરસ મહામારીમાં નોકરિયાત વર્ગની બચતમાં અવશ્યપણે સામાન્ય ઘટાડો આવ્યો છે, પરંતુ તેની સામે 70 ટકાથી વધુ લોકોએ ઈમર્જન્સી ફંડ, મેડિકલ અને અન્ય બીજી જરૂરી ચીજો માટે બચતને પ્રાધાન્ય આપતા થયા છે. મંદી, મહામારી, અને લૉકડાઉનને કારણે લોકોની બચત સામાન્ય ઘટી છે.

છેલ્લાં ચાર ક્વાર્ટરની બચત સ્થિતિ

ક્વાર્ટર

સ્થાનિક

NRI

સપ્ટેમ્બર-2019

72984136

3434269

ડિસેમ્બર-2019

74952550

3556620

માર્ચ-2020

76023150

3590862

જૂન-2020

78100000

3610000

ઇમરજન્સી ફંડ બનાવતા લોકોનું પ્રમાણ 32%થી વધી 70% સુધી પહોંચ્યું
અનિશ્ચિતતાથી લકઝરી ખર્ચાઓ બંધ થઇ ગયા છે. 70% લોકો ઈમરજન્સી ફંડ બનાવી રહ્યા છે. ગત વર્ષે 32%એ ઈમરજન્સી ફંડ બનાવ્યું હતું. 47% લોકો ભણતર-રિટાયરમેન્ટ માટે બચત કરી રહ્યા છે.

આર્થિક સંકડામણ છતાં સેવિંગ્સ ડિપોઝિટમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોવાયો
બીઓબીના ડીજીએમ-એસએલબીસી વિનોદ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે સામાન્ય લોકો આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલી બીમારીને ધ્યાનમાં રાખી કપરા સમયમાં પણ સેવિંગ્સ ડિપોઝિટમાં ધીમી ગતિએ વધારો નોંધાયો છે. આર્થિક સમૃદ્ધિમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે તો માત્ર ને માત્ર લોકોની બચતવૃતિના કારણે. ભલે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર ઘટવા લાગ્યા હોય, પરંતુ આકસ્મિક ખર્ચને તરત જ પહોંચી વળવા માટે એફડી જ કામ આવે છે. આ ઉપરાંત જે અકાઉન્ટ કોવિડ પૂર્વે નિષ્ક્રિય હતાં એ પણ ઓપરેટ થવા લાગ્યાં છે.

અનલૉક બાદ પોસ્ટમાં બચત કરનારની સંખ્યામાં વધારો થયો
પોસ્ટ ઓફિસ એજન્ટ બિપિન પૂજારાએ કહ્યું હતું કે પોસ્ટ સેવિંગ્સમાં 4 ટકા, 1-5 વર્ષની બચત પર 5.5 -6.70 ટકા વ્યાજ છે. સિનિયરને 7.40 ટકા વ્યાજ મળે છે, એથી ખાતાંની સંખ્યા વધી છે.

બચતવૃદ્ધિનાં મુખ્ય કારણો

·         65 ટકા નોકરિયાત વર્ગનો પગાર બેન્કોમાં જમા થતો હોવાથી ફરજિયાત બચત થઈ હોવાનું જણાવ્યું.

·         કોરોના મહામારીમાં ત્રણ માસ લોકો બહાર ન નીકળી શકતાં બેન્કોમાં બચત ફરજિયાત પણે જળવાઈ.

·         આર્થિક સંકડામણ નિવારવા જીવન-જરૂરી ખર્ચ જ કરી બચતને પ્રાધાન્ય આપવા પ્રયાસ કર્યો.

·         વ્યાજ ઘટે તો લોકો નાણાં ઉપાડી રોકાણનો વિકલ્પ શોધે, પરંતુ અત્યારે આવું ન બન્યું.

·         રોકાણનાં અન્ય માધ્યમોની તુલનાએ ફિક્સ ડિપોઝિટ, સેવિંગ્સ અકાઉન્ટમાં બચત વધારી, શેર તથા અન્ય સ્થાવર મિલકતમાં રોકાણ ઘટાડ્યું.

​​​​​​​વ્યાજ મુદ્દે આરબીઆઇમાં બેન્કોની પોસ્ટ વિરુદ્ધ લડત
બચત પર સૌથી વધુ વ્યાજ બેન્કો કરતાં પોસ્ટ ઓફિસ આપી રહી છે. મોટા ભાગની ડિપોઝિટ પર બેન્કો કરતાં પોસ્ટ ઓફિસ એક ટકા જેટલું વ્યાજ વધારે આપતી હોવાથી બેન્કોમાં ડિપોઝિટનો રેશિયો સતત ઘટી રહ્યો છે. જેના પરિણામે બેન્કોએ આરબીઆઇમાં પોસ્ટ ઓફિસ વધારે વ્યાજ આપતી હોવાથી તેના વિરૂધ્ધ ફરીયાદ કરી છે.

ઉદ્યમી મહિલાઓએ પણ 15 કરોડની બચત વધારી
સેવા બેન્કમાં ગૃહ ઉદ્યોગ ચલાવતી તેમજ નાના કામ કરતી પાંચ લાખથી વધુ મહિલાઓનાં ખાતાં છે. કોરોના છતાં સેવા બેન્કમાં મહિલાઓ દ્વારા 15 કરોડની ડિપોઝિટમાં વધારો થયો છે. કોવિડ પૂર્વે થતી ડિપોઝિટ કરતાં રેશિયો થોડો ઘટ્યો છે પરંતુ બચતનું પ્રમાણ જળવાઇ રહ્યું હોવાનું સેવા બેન્કના એમડી જયશ્રી વ્યાસે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post