કેનેડિયન મીડિયાએ તેમની સામે આક્રમક વલણ અપનાવ્યું અને તેમને ખરી-ખોટી સંભળાવવાની સાથે વિદેશનીતિ મામલે નિષ્ફળ ગણાવ્યાં
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન
ટ્રુડોની મુશ્કેલી સતત વધી રહી છે. પહેલા તે G20 સમિટ (G20 Summit) માં એકલાં પડી ગયા અને
પછી સમિટમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને તેમને પાઠ ભણાવ્યો. પછી જ્યારે તે
નવી દિલ્હીથી પરત કેનેડા જઈ રહ્યા હતા તો તેમના વિમાને પણ તેમની સાથે દગો કર્યો.
ત્યારબાદ લગભગ અઢી દિવસ સુધી કેનેડાના વડાપ્રધાન કામકાજ વિના જ નવી દિલ્હીમાં
રોકાયા.
સતત આબરુના ધજાગરાં થયાં
જ્યારે ત્રીજા દિવસે કેનેડાથી
તેમનું વિમાન આવ્યું ત્યાં સુધીમાં તો પહેલું બગડેલું વિમાન પણ ઠીક થઈ ગયું.
ત્યારબાદ તેઓ દિલ્હીથી રવાના થયા. આટલા સમયમાં કેનેડાના મીડિયામાં પણ તેમની આબરૂના
ધજાગરાં ઉડી ગયા હતા. જ્યારે તે G20 સમિટને સંબોધી રહ્યા હતા ત્યારે કેનેડાના શહેરોમાં
ખાલિસ્તાની સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને દેખાવ કરી રહ્યા હતા. જસ્ટિન
ટ્રુડોની પોલીસ બહેરી-મૂંગી બનીને આ બધું જોતી રહી. આવું પહેલીવાર થયું નથી.
જ્યારથી ટ્રુડો 2015માં કેનેડાના વડાપ્રધાન
બન્યા છે ત્યારથી ત્યાં ખાલિસ્તાનીઓને આશ્રય મળી રહ્યું છે. તેના પર ભારત સતત
નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે.
કેનેડાના મીડિયાએ વિદેશી મોરચે નિષ્ફળ ગણાવ્યાં
વડાપ્રધાન
જસ્ટિન ટ્રુડોના વતન પરત ફરતાં જ કેનેડિયન મીડિયાએ તેમની સામે આક્રમક વલણ
અપનાવ્યું અને તેમને ખરી-ખોટી સંભળાવવાની સાથે વિદેશનીતિ મામલે નિષ્ફળ ગણાવ્યાં.
કેનેડાના પ્રસિદ્ધ અખબારના પોલિટિકલ કોલમનિસ્ટ લોર્ને ગુંટરે જણાવ્યું કે ટ્રુડો
ભારતના વડાપ્રધાન મોદી સાથે એક નાના ભાઈની જેમ વર્તન કરી રહ્યા હતા, જાણે મોદી કોઈ નીચલી
કક્ષાના દેશના નેતા હોય. તેમણે કહ્યું કે મોદી 140 કરોડની વસતી ધરાવતા દેશના
વડાપ્રધાન છે ત્યારે ટ્રુડો ફક્ત 4 કરોડથી પણ ઓછી વસતી ધરાવતા દેશનું પ્રતિનિધિત્વ કરે
છે. ગુંટરે ટ્રુડોના વલણ અને બોલવાની રીતનો મજાક બનાવતા કહ્યું કે ટ્રુડો એ પણ
ભુલી ગયા કે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેનો જીડીપી 3.176 ટ્રિલિયન ડૉલર છે, જોક કેનેડાનું ફક્ત 1.988 ટ્રિલિયન ડૉલર ધરાવતું
અર્થતંત્ર છે.
ટચૂકડાં દેશ કોમોરોસનો ઉલ્લેખ કર્યો
તેમણે
એક ટચૂકડાં દેશ કોમોરોસના રાષ્ટ્રપતિ અઝાલી ઓસુમાનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે
ટ્રુડોથી વધુ દમદાર તો ઓસુમાની નીકળ્યાં જે ફક્ત 8 લાખની વસતી ધરાવતા
ત્રણેય ટાપુ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે પણ પીએમ મોદીએ તેમનું ઉષ્માભેર સ્વાગત
કર્યું અને ટ્રુડો કરતાં વધારે સમય સુધી વૈશ્વિક મંચ પર તેમની સાથે વાત કરી.
ગુંટરે ફરીવાર ટ્રુડો પર વિદેશનીતિમાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો.