• Home
  • News
  • રેમડેસિવીર વિશે તમારા મગજમાં જે વાતો ઘૂસેલી છે તે ખોટી છે, કઈ સ્થિતિમાં ઈન્જેક્શન લેવું તે સમજો
post

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડોકટર તુષાર પટેલે કહ્યું કે, લોકોએ રેમડેસિવીર ઈન્જેક્શન કઈ સ્થિતિમાં લેવું તે સમજવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-09 11:48:22

અમદાવાદ :હાલ કોરોનાની સારવારમાં સૌથી વધુ ચર્ચામાં છે રેમડેસિવીર ઈન્જેક્શન. જેને ખરીદવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. ત્યારે રેમડેસિવીર ઈન્જેક્શન વિશેની કેટલીક બાબતો તમારે જાણી લેવી અત્યંત જરૂરી છે. દરેક કોરોના દર્દી રેમડેસિવીર (remdesivir) ઈન્જેક્શન માંગે છે. પરંતુ લોકોમાં ફેલાયેલી આ ગેરસમજ અંગે અને રેમડેસીવીર ઈન્જેક્શનના વપરાશ મામલે ઝી 24 કલાકે જાણીતા પલ્મોનોલોજીસ્ટ ડોકટર તુષાર પટેલ સાથે વાતચીત કરી. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડોકટર તુષાર પટેલે કહ્યું કે, લોકોએ રેમડેસિવીર ઈન્જેક્શન કઈ સ્થિતિમાં લેવું તે સમજવું પડશે. 

માનસિકતા બદલો, રેસડેસીવીરથી કોરોના મૃત્યુદર ઘટાડી નથી શકાતો
ડોકટર તુષાર પટેલે કહ્યું કે, આજે કોરોના થાય છે એ વ્યક્તિ ઈચ્છે છે કે આજે જ રેમડેસીવીર ઇન્જેક્શન (remdesivir injection) લઈ લઉં. રેમડેસિવીર ઈન્જેક્શન એ રામબાણ ઈલાજ નથી, એ લોકોએ સમજી લેવું પડશે. આ ઈન્જેક્શન બનાવનારી કંપનીએ તેના રિસર્ચમાં પોતે કહ્યું છે કે રેમડેસીવીર ઇન્જેક્શનના વપરાશથી કોરોનાથી થતા મૃત્યુદર નથી ઘટાડી શકાતા, પણ દર્દીનો હોસ્પિટલમાં સ્ટેને ઘટાડી શકાય છે. લંગ્સમાં જેમને સમસ્યા થઈ હોય, જેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય, તાવ સતત આવતો હોય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન રહેતું હોય એવા દર્દીઓએ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન બાદ જ આ ઈન્જેકશન લેવું જોઈએ. 

રેમડેસીવીરની સાઈડ ઈફેક્ટ પણ છે એ ન ભૂલતા 
તેમણે જણાવ્યું કે, હાલ કોરોનાના 80 ટકા કેસો એવા છે કે જેમાં દવા વગર જ દર્દીઓને રાહત થઈ જાય છે. 20 ટકા જ કોરોનાના કેસોમાં હોસ્પિટલમાં જઈ સારવારની જરૂર પડે છે, એવા કિસ્સામાં વિચારીને જ રેમડેસીવીર ઇન્જેક્શન લેવા જોઈએ. અત્યારે રેમડેસિવીર ઇન્જેક્શનની ઘણાએ સંગ્રહખોરી કરવાની શરૂઆત કરી છે, આપણને થશે તો લઈ લઈશું એવું વિચારીને લોકો ખરીદી રહ્યા છે, તો કેટલાક કાળા બજારી કરી રહ્યા છે. જરૂર ના હોય અને તો પણ રેમડેસીવીર ઈન્જેક્શન લેવામાં આવે તો તેની સાઈડ ઇફેક્ટ થઇ શકે છે, દર્દીમાં સુગર લેવલ વધી જાય છે, લીવર પર આડઅસર થાય છે, એમનેમ લેવું ઘાતક થઈ શકે છે, હજુ તો કેટલું ઘાતક સાબિત થશે એ અંગે ભવિષ્યમાં વધુ ખ્યાલ આવશે.

ઈન્જેક્શન લેવા હોસ્પિટલમાં દાખલ ન થાઓ 
તાજેતરમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું છે કે, રેમડેસીવીર ઈન્જેક્શન કમ્યુનિટી હોલમાં આપવામાં આવે તેવી વ્યવસ્થા કરાશે, એ એટલા માટે કે આ ઈન્જેક્શન આ રીતે મળે તો હોસ્પિટલમાં બેડ ભરેલા નહિ રહે, જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ખાલી રહેશે, સૌને ઝડપી સારવાર મળી રહેશે. રેમડેસીવીર ઇન્જેક્શન બાદ એક કલાકમાં દર્દીને ડિસ્ચાર્જ આપી શકાય છે પણ દર્દી હોસ્પિટલમાં હોય એટલે બિનજરૂરી બેડ ઓક્યુપાય થાય છે. બેડના ક્રાઇસીસ ઘટાડી શકશે, કોમોરબીટ લોકોને સરળતાથી ઇન્જેક્શન આપી શકશે. ટોસિલિઝુમેબ ઈન્જેકશનના બોક્સ પર લખેલું છે કે જો દર્દીને કોઈ ઇન્ફેક્શન હોય તો આપવાથી ઘાતક સાબિત થઈ શકે છે. નિશ્ચિત સ્થિતિમાં જ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વાપરવા જોઈએ, ડ્રગ્સ ઓથોરિટીએ એને એપૃવ નથી કર્યું. બધા જ દર્દીને ટોસિલિઝુમેબ ઈન્જેકશન આપવાથી તે બચી જશે એવું નથી. હાલની સ્થિતિ જોતા કંઈપણ કહેવું મુશ્કેલ છે પણ ભૂતકાળના અનુભવથી કહું તો પીક 15 દિવસ જોવા મળતી હોય છે એટલે આગામી 15 દિવસમાં રાહત મળે એવી આશા રાખી શકીએ. હાલ નવી સ્ટ્રેઈન જે જોવા મળી રહી છે એ ઝડપથી પ્રસરી રહ્યો છે, સમગ્ર પરિવાર આ વખતે સંક્રમિત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન હાલ તો એ જ એકમાત્ર ઉપાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post