• Home
  • News
  • વ્હાઇટ હાઉસે કહ્યું - અમેરિકામાં ચૂંટણી 3જી નવેમ્બરે જ યોજાશે, રાષ્ટ્રપ્રમુખે બોલ્યા,‘યુનિવર્સલ મેલ ઇન વોટિંગ આ ચૂંટણીને છેતરપિંડીવાળી બનાવશે’
post

ટ્રમ્પે પણ પોસ્ટલ વોટને લઇ ને ચિંતા વ્યક્ત કરી કહેલું કે આ ઇતિહાસની સૌથી બનાવટી ચૂંટણી સાબિત થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 11:02:04

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંસદીય ચૂંટણી સ્થગિત કરાય તેવી શક્યતા વચ્ચે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું છે કે દેશમાં ચૂંટણી નિર્ધારીત તારીખે જ એટલે કે આગામી 3 નવેમ્બરે જ યોજાશે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોજે રવિવારે કહ્યું કે અમે 3 નવેમ્બરે જ સંસદીય ચૂંટણી યોજીશું અને રાષ્ટ્રપ્રમુખ તેમાં ચોક્કસપણે જીતી રહ્યા છે. નોંધનીય છે કે ગુરુવારે ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ટાળવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે યુનિવર્સલ મેલ ઇન વોટિંગ 2020ની ચૂંટણીને ઇતિહાસની સૌથી ખોટી અને છેતરપિંડીવાળી ચૂંટણી બનાવી દેશે.

અગાઉ ટ્રમ્પે ચૂંટણી મુલતવી રાખવાના સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે પોસ્ટલ વોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ ચૂંટણીઓ ઇતિહાસની સૌથી બોગસ ચૂંટણીઓ હશે. જો કે બાદમાં તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો.

ટ્રમ્પની ચિંતાઓ વાજબી: મીડોઝ
મીડોઝે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે ઉઠાવેલા પોસ્ટલ વોટ મુદ્દા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પે ફક્ત પોસ્ટલ વોટને લઈને તેમની ચિંતા લોકો સમક્ષ રાખી હતી. તેઓ એમ પણ માને છે કે દેશમાં ચૂંટણી સમયસર થવી જોઇએ.

મીડોઝે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટલ વોટ અંગે ચિંતા કરવી વાજબી છે. જો આપણે આ રીતે 100% મતદાન કરીશું તો પછી મતદાનના પરિણામો આવવામાં સમય લાગશે. હું તો કહું છું કે આપણે 1 જાન્યુઆરી સુધી પરિણામ જાહેર નહિ કરી શકીએ. મીડોઝ પહેલા પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનના એડવાઇઝર જેસન મિલરે રવિવારે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સમયસર યોજાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું જ ઇચ્છે છે.

ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા સૂચન કર્યું હતું
ટ્રમ્પે ગત ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે ચૂંટણીમાં પોસ્ટલ વોટથી વોટીંગમાં ગરબડ થવાની આશંકા દર્શાવી હતી. ત્યારબાદથી ટ્રમ્પની ટીકા થઇ રહી છે. આ અંગે વિપક્ષ ડેમોક્રેટિકની સાથે તેમના જ પક્ષના અનેક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેઓ ચૂંટણી મુલતવી રાખવા માંગતા નથી, પરંતુ ફેક મતોથી બચવા માંગે છે.

ટ્રમ્પને ચૂંટણી મુલતવી રાખવાનો અધિકાર નથી
અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. આ માટે ટ્રમ્પે સંસદના બંને ગૃહો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને પાસેથી મંજુરી લેવી પડશે. રિપબ્લિકન પાર્ટીને સેનેટમાં બહુમતી છે, પરંતુ નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતી છે. જો ટ્રમ્પ બંને ગૃહોમાંથી બિલ પસાર કરશે તો પણ તે ચૂંટણી લાંબા સમય સુધી મુલતવી રાખી શકશે નહીં. અમેરિકાના બંધારણ મુજબ 20 જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવાની રહેશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરે છે
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન બંને આ પદના ઉમેદવાર છે. બંને પક્ષની પ્રાઈમરી ચૂંટણી પુરી થઈ છે. ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન પણ થયું છે. તેમાં બિડેનના નામની મહોર લાગી છે. રિપબ્લિકન પાર્ટીનું 24 ઓગસ્ટે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે. આમાં ટ્રમ્પને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post