• Home
  • News
  • ખાલિસ્તાની આતંકીઓની કરતૂત:કેનેડામાં રામમંદિરની દિવાલ પર ભારત વિરોધી લખાણનું ચિતરામણ
post

આ ઘટના સંદર્ભે બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે પગલાં લેવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:45:19

ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ હવે કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ખાલિસ્તાની તત્વોએ મિસીસૌગામાં આવેલા રામમંદિરમાં ભારત વિરોધી લખાણનું સ્પ્રે દ્વારા ચિતરામણ કર્યું હતું. ટોરન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાને વખોડી હતી.

'કેનેડિયન સત્તાધીશો તપાસ કરી કાર્યવાહી કરે'
આ ઘટના સંદર્ભે કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ અપૂર્વા શ્રીવાસ્તવે સમગ્ર ઘટનાની તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. કોન્સ્યુલેટ જનરલ તરફથી ટ્વિટ કરવામાં આવી હતી કે, અમે મિસીસૌગામાં રામ મંદિરમાં લખાયેલા ભારત વિરોધી લખાણની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાધીશોને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

બ્રેમ્પટનના મેયરે ચિંતા વ્યક્ત કરી
આ ઘટના સંદર્ભે બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે પગલાં લેવામાં આવશે. બ્રાઉને ટ્વિટ કરી હતી કે, મિસીસૌગાના રામ મંદિરમાં નફરતથી પ્રેરિત લખાણ વિશે સાંભળી મને દુઃખ થયું છે. અજાણ્યા શંકાસ્પદોએ મંદિરની પાછળની દિવાલો પર સ્પ્રેથી ચિતરામણ કર્યું હતું . આ પ્રકારની નફરત માટે કેનેડામાં કોઈ જગ્યા નથી.

કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતાએ કાયદાકીય અધિકારઃ મેયર
મેયર પેટ્રિક બ્રાઉને વધુમાં જણાવ્યું હતુ કે, કેનેડાના પીલ પ્રદેશની પોલીસ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. 12 ડિવિઝન પાસે તપાસની સત્તા છે અને તેઓ આરોપીઓને શોધી કાઢશે. કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતાએ કાયદાકીય અધિકાર છે અને દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થાને સુરક્ષિત રહે તે માટે અમે શક્ય તેટલું બધું જ કરીશું.

અગાઉ સ્વામિનારાયણ મંદિર ટાર્ગેટ કરાયું હતું
આ પહેલીવાર નથી કે ખાલિસ્તાની તત્વોએ કેનેડામાં હિન્દુ મંદિરમાં ભારત વિરોધી કૃત્ય કર્યું હોય. આ પહેલા જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિરમાં આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારે પણ ટોરન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે હિન્દુઓની સલામતી અને કેનેડામાં રહેતા હિન્દુ સમુદાય સામે વધતા હેટ ક્રાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર 2022માં પણ કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરને 'કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ' દ્વારા ભારતને બદનામ કરતું લખાણ લખવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post