• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:કમલા હેરિસે કહ્યુ- જાતિવાદની કોઈ વેક્સિન નથી, અમે બધા મળીને તેને દૂર કરીશું
post

ભારતીય મૂળનાં કમલા હેરિસ ડેમોક્રેટના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:07:05

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીએ ભારતીય મૂળનાં સેનેટર કમલા હેરિસ(55)ને ઉપરાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કરી દેવાયાં છે. તેની સાથે જ હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પ્રાપ્ત કરનાર પ્રથમ અશ્વેત અને દક્ષિણ એશિયન મૂળનાં મહિલા બની ગયાં છે.

ઉમેદવારી સ્વીકાર કર્યા પછી હેરિસે પાર્ટીના ડિજિટલ કન્વેન્શનમાં કહ્યું કે હું ભારત અને જમૈકાથી અમેરિકા આવેલા લોકોની દીકરી છું. મારી માતા 19 વર્ષની વયે કેન્સરની સારવાર શોધવાનું સપનું લઈને ભારતથી અમેરિકા આવી હતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમની મુલાકાત મારા પિતા સાથે થઈ હતી જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા જમૈકાથી આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના ચાર વર્ષના શાસનમાં દેશને વિભાજિત કરવાના પ્રયાસો કરતા રહ્યા. ટ્રમ્પ આપણી ઉપર આવેલી આપત્તિઓને રાજકીય હથકંડો બનાવતા રહ્યા. આજે આપણે મહત્ત્વપૂર્ણ વળાંક પર છીએ. આખા દેશમાં જાતિવાદ વિરુદ્ધ આક્રોશ છે. આ કોરોના કાળ છે પણ જાતિવાદની કોઈ વેક્સિન નથી. તેને જાતે જ દૂર કરવો પડશે. અમે શ્વેત, અશ્વેત, લેટિની, એશિયન, સ્વદેશી લોકોને એકજૂટ કરીશું.

ટ્રમ્પના શહેરથી હેરિસનું ભાષણ
કમલા હેરિસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હોમટાઉન વિલમિંગ્ટનની હોટેલમાં ભાષણ આપ્યું. આ દરમિયાન મંચ પર તેમની સાથે તેમના પતિ ડગલસ ઈમહોમ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન પણ હાજર હતા.

લોકતંત્ર દાવ પર, ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા લાયક નથી : ઓબામા
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના ડિજિટલ કન્વેન્શનમાં ફિલાડેલ્ફિયાથી ભાષણ આપ્યું. ઓબામાએ કહ્યું કે દેશનું લોકતંત્ર દાવ પર છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે સ્પષ્ટરૂપે અયોગ્ય છે. જો તે ફરીવાર જીતશે તો લોકતંત્ર અશ્રુ વહાવવા મજબૂર થશે. ટ્રમ્પ સરકારની નિષ્ક્રિયતાને લીધે દેશમાં કોરોનાથી 1.70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. લાખો લોકો બેરોજગાર થયા. આખી દુનિયામાં અમેરિકાની છબિ ખરડાતી જઇ રહી છે.

ઓબામાએ સારું કામ ન કર્યું એટલે રાજકારણમાં આવ્યો : ટ્રમ્પ
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયાને જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સારાં કામ નહોતા કર્યાં એટલા માટે હું રાજકારણમાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓબામાના શાસનકાળમાં બિડેન પણ નિષ્ફળ રહ્યા એટલા માટે મારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી અત્યંત જરૂરી છે. અગાઉ ઓબામાનાં પત્ની મિશેલે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. તેના પર ટ્રમ્પે દાવો કર્યો કે મિશેલનું ભાષણ લાઈવ નહોતું. તેને ઘણા સમય પહેલાં રેકોર્ડ કરાયું હતું.

હેરિસની તાકાત : યુવા, એશિયન, આફ્રિકી મૂળના લોકોનું સમર્થન, પોલીસ જેવી કડક પ્રશાસક તરીકેની છબિ

·         યુવા ડેમોક્રેટ : યુ-ગવ અનુસાર 18-29 વર્ષના 26% રિપબ્લિકન, 56% ડેમોક્રેટ સાથે છે. હેરિસ 55 વર્ષ અને બિડેન 77 વર્ષનાં છે. એવામાં હેરિસ માટે સંભાવનાઓ વધુ છે.

·         ક્ષેત્રીય સમીકરણ : હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદનાં પ્રથમ એશિયન મહિલા ઉમેદવાર છે. યુએસ-ભારતીય સમૂહ ઈમ્પેક્ટ અનુસાર આ વખતે આશરે 13 લાખ ભારતીય મૂળના લોકો મતદાન કરશે.

·         રંગભેદવિરોધી અભિયાન : અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડના મૃત્યુ પછી હેરિસ કાયદો વ્યવસ્થામાં ફેરફારની માગ કરી રહ્યાં છે. તે પછી બિડેને મિશિગનના ગવર્નર ગ્રેચન વ્હિટમરની જગ્યાએ હેરિસની પસંદગી કરી.

·         કડક પ્રશાસક : ચૂંટણીપ્રચાર દરમિયાન સૂત્રોચ્ચાર હેરિસ ઈઝ અ કોપ. કારણ હતું કે સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે હેરિસ આરોપીઓને બદલે પોલીસનો પક્ષ લેતા હતા.

તૈયારી : બિડેન ભાષણ માટે પત્ની, બહેનની મદદ લઈ રહ્યા છે
બિડેનની ચૂંટણી ટીમના સભ્ય ટેરી મેકઓલિફે જણાવ્યું કે બિડેનનું ભાષણ તેમના સંપૂર્ણ જીવન પર આધારિત હશે. બિડેનને રાજકારણમાં આશરે 50 વર્ષ થયાં છે. તે માટે તે પત્ની ઝિલ, બહેન વેલરી, મિત્રો, મુખ્ય રણનીતિકાર માઇક ડોનિલન, રાષ્ટ્રપતિ બાબતોના ઈતિહાસકાર જોન મેકમની સલાહ લઈ રહ્યા છે. જોકે બિડેન કહે છે કે આજ સુધી કોઈએ તેમના ભાષણ પર શંકા નથી વ્યક્ત કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post