• Home
  • News
  • વૈશ્વિક અન્ન સંકટમાં મળશે રાહત, યુક્રેન કરશે 2 કરોડ ટન ઘઉંની નિકાસ
post

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તે પણ પોતાના અનાજ અને ખાતરની નિકાસ કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-23 17:44:19

નવી દિલ્હી: યુક્રેનની યુરોપિયન યુનિયનમાં જોડાવવા માટેની જિદ બાદ રશિયાએ યુક્રેન પર અતિક્રમણ કર્યું હતું. જોકે તે માત્ર 2 દેશ વચ્ચેનો મુદ્દો ન રહેતા સમગ્ર વિશ્વએ તેના પ્રત્યક્ષ-પરોક્ષ પરિણામો ભોગવવા પડ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંના પુરવઠાને પણ ભારે અસર પહોંચી છે કારણ કે, તે બંને દેશો ઘઉંના મુખ્ય ઉત્પાદકો છે. કોમોડિટી અને કુદરતી ગેસના ક્ષેત્રમાં આ બંને દેશ વિશ્વના ટોચના ખેલાડીઓ છે અને ઘઉંના વૈશ્વિક પુરવઠામાં રશિયા-યુક્રેનનો હિસ્સો આશરે 25 ટકા જેટલો છે. 

રશિયા આપશે મંજૂરી

જોકે ઘણાં સમય બાદ રાહતના સમાચાર મળ્યા છે અને યુદ્ધરત રશિયા અને યુક્રેન આખરે અનાજની, ખાસ કરીને ઘઉંની નિકાસ કરવા માટે રાજી થઈ ગયા છે. શુક્રવારના રોજ ઈસ્તંબુલ ખાતે યોજાયેલી બેઠકમાં બંને દેશના પ્રતિનિધિઓએ આ માટે સહમતિ દર્શાવી હતી. સમજૂતી પ્રમાણે યુક્રેનના બ્લેક સી ખાતેના પોર્ટ ઉપર જે 20 કરોડ ટનથી પણ વધારેના અનાજની નિકાસ અટકી પડી છે તેના એક્સપોર્ટ માટે રશિયા મંજૂરી આપશે. 

ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ અનાજની નિકાસ અટકી પડવાના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંનું સંકટ સર્જાયું છે અને તેની કિંમતોમાં પણ વધારો થયો છે. સંપૂર્ણપણે ઘઉંની આયાત પર નિર્ભર આફ્રિકા સહિતના અનેક મહાદ્વીપોના દેશોમાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. અનેક દેશોમાં દુષ્કાળ તો અનેક જગ્યાએ રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. જોકે આ સમજૂતી બાદ ધીમે-ધીમે સ્થિતિમાં સુધારાની શક્યતા જણાઈ રહી છે. 

રશિયાને પણ મળ્યું આશ્વાસન

સંયુક્ત રાષ્ટ્ર તથા તુર્કી દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપ તથા સતત અનેક સપ્તાહો સુધી ચાલેલા વાર્તાલાપ બાદ આ સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તે પણ પોતાના અનાજ અને ખાતરની નિકાસ કરી શકશે. જોકે તે નિકાસ ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી.  

જહાજોના પરિવહનને અટકાવી દેવા માટે રશિયાએ બ્લેક સીમાં બારૂદની સુરંગો બિછાવી રાખી હતી તેને દૂર કરવી પડશે. યુક્રેને પણ રશિયન નૌસેનાને અટકાવવા માટે પોતાના પોર્ટની આજુબાજુ સુરંગો બિછાવી હતી. બંને દેશ વચ્ચે સીઝફાયર મામલે કોઈ સહમતિ નથી સધાઈ માટે હજું પણ જહાજો પર જોખમ ઝળુંબી રહ્યું છે તેમ કહી શકાય. 

જહાજોનું ચેકિંગ કરવામાં આવશે

સમજૂતી પ્રમાણે યુક્રેન તુર્કીના રસ્તેથી અનાજની નિકાસ કરશે. યુક્રેનના ઓડેસા સહિતના 3 પોર્ટ પરથી અનાજ લઈને જહાજ તુર્કી જશે. ત્યાં જહાજોને અનલોડ કરવામાં આવશે તથા ત્યાંથી કન્ટેનર્સને અન્ય દેશોમાં મોકલવામાં આવશે. જે જહાજો તુર્કીથી યુક્રેનના બંદરો પર પાછા આવશે તેમની સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, યુક્રેન અને રશિયાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જહાજોમાં યુક્રેન માટે હથિયારો નથી આવ્યાને તે અંગે તપાસ કરવામાં આવશે. 

4 મહિના માટે સમજૂતી

આ સમજૂતી માત્ર 4 મહિના માટે કરવામાં આવી છે અને યુક્રેન પ્રતિમાસ 50 લાખ ટન અનાજની નિકાસ કરશે. આમ 4 મહિનામાં 2 કરોડ ટન ઘઉંની નિકાસ થાય તેવી આશા છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post