• Home
  • News
  • અર્થતંત્રના મોરચે કપરા ચઢાણ:દેશને સંકટથી બચાવવા માટે ટોટલ લોકડાઉનની નહીં પણ સ્માર્ટ લોકડાઉનની જરૂર
post

દેશમાં કોરોનાની બીજી લહેરમાં માનવ જીવનનું રક્ષણ કરવા સાથે અર્થતંત્રને પણ ધબકતુ રાખવું એટલું જ જરૂરી બની ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-08 15:46:31

વિશ્વમાં સૌથી વધારે વસ્તીમાં બીજો ક્રમ ધરાવતા ભારત માટે કોરોના મહામારીના આ કાળમાં માનવ જીવનના રક્ષણ ઉપરાંત આર્થિક મોરચે અર્થતંત્રની તંદુરસ્તીને જાળવી તે એક મોટો પડકાર બની ગયો છે. કોરોના કેવી મહામારી છે, કોરોનાની નાગરિકો પર કેવી અસર થાય છે અને અર્થતંત્ર પર તેની કેટલી ઘાતક અસર થાય તે અંગે સરકાર અને વ્યવસ્થાતંત્રને કોરોનાની પહેલી લહેરથી ઘણુ શીખવા મળ્યું છે.

આ સંજોગોમાં કેન્દ્ર સરકારે કોરોનાની ઘાતકતા અને વ્યાપને ધ્યાનમાં રાખી રાજ્યોએ જ પોતાને ત્યાં જે-તે સ્થિતિને ધ્યાનમાં રાખી લોકડાઉન તથા સખત નિયંત્રણો લાદવા અંગેની સત્તા આપેલી છે. દેશના અનેક રાજ્યોની સ્થાનિક સરકારો લોકડાઉનના નિર્ણયને અમલી બનાવી રહી છે.

પહેલા ''જાન હૈ તો જહાન હૈ" સૂત્ર ઘણુ ચર્ચામાં રહેલું, પણ ત્યારબાદ અનુભવથી એ વાત પણ સમજાઈ કે માનવ જીવનની સાથે દેશનું અર્થતંત્ર પણ એટલું જ મહત્વ ધરાવે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર એવા સમયે આવી છે કે જ્યારે ભારતીય અર્થતંત્ર ગયા વર્ષની મુશ્કેલ સ્થિતિમાંથી સુધારો દર્શાવવાની શરૂઆત કરી હતી.

એક વર્ગનું માનવું છે કે દેશમાં વધી રહેલા કેસ અને મૃત્યુઆંકને જોતા સંપૂર્ણ લોકડાઉન જ એક એકમાત્ર ઉપાય છે. પણ દેશના અર્થતંત્રની બગડી રહેલી સ્થિતિ ઉપરાંત ગરીબ અને નબળા વર્ગ અંગે વિચાર કરવા સાથે બીજુ સંપૂર્ણ લોકડાઉન ભારતીય અર્થતંત્ર માટે મોટી ખાનાખરાબી સર્જી શકે તેમ છે.આ સંજોગોમાં સ્માર્ટ લોકડાઉનની વ્યવસ્થા અમલી બને એ જ જરૂરી છે.

પહેલા લોકડાઉનમાં 23 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયેલા
પહેલા લોકડાઉનને લીધે દેશમાં આશરે 23 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા હતા. તાજેતરમાં બેંગ્લુરુ સ્થિત અજીમ પ્રેમજી યુનિવર્સિટી તરફથી પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં લાદવામાં આવેલા લોકડાઉનને લીધે 10 કરોડ લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી આ ઉપરાંત 15 ટકા એવા લોકો હતા કે જેમને વર્ષના અંત ભાગ સુધી કોઈ જ કામ મળ્યું ન હતું. એવા લોકોને ગરીબ માનવામાં આવે છે કે જેમની દૈનિક આવક રૂપિયા 375 અથવા 5 ડોલરથી ઓછું છે. આ સંજોગોમાં કોરોના સામે મેડિકલ સેક્ટરની સેવાનો વ્યાપ વધારવા ઉપરાંત અર્થતંત્ર પણ ધબકતુ રહે તે જરૂરી છે.

આવકમાં એક રૂપિયાનો વધારો ન થયો, પણ મોંઘવારી અસહ્ય વધી
કોરોનાની પહેલી લહેર હજુ ધીમી જ પડી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તેમ જ અર્થતંત્ર માંડ બેઠું થઈ રહ્યું હતું ત્યાં જ બીજી લહેરે તેની ભયાનક અસર દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. પહેલી લહેર અને બીજી લહેર વચ્ચેના ગાળામાં લોકોની આવકમાં એક રૂપિયાનો પણ વધારો થયો ન હતો,પણ બજારમાં મળતી મોટાભાગની દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં અસાધારણ વધારો થઈ ગયો. રસોઈ ગેસ, ઈંધણ, ખાદ્ય તેલ, ઘી, કઠોળ, શાકભાજી તથા ઘીની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં અસાધારણ વધારો થયો છે. આ સંજોગોમાં જો સરકાર દેશવ્યાપી બીજુ લોકડાઉન લગાવે તો સ્થિતિ કેટલી ભયાનક બની જાય તેનો વિચાર કરવો મુશ્કેલ બની જાય છે.

શ્રમિકોનું સતત પલાયન અને યોગ્ય સુવિધાનું સર્જન
ગયા વર્ષે દેશવ્યાપી લોકડાઉનને લીધે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રાજ્યોમાંથી સેંકડોની સંખ્યામાં શ્રમિકો દેશભરના વિવિધ રાજ્યોમાં તેમના વતન પરત ફર્યાં હતા, આ સંજોગોમાં વતન પરત ફરી રહેલા ઘણા શ્રમિકો કોરોના સંક્રમણના વાહક પણ બન્યા હતા. હવે આ શ્રમિકો તેમના કામ પર પરત ફર્યાં તેના 6 મહિનાનો સમય પણ લાગ્યો નથી અને કોરોનાની બીજી લહેર આવી છે, જો ફરી દેશવ્યાપી લોકડાઉન અમલી બને તો દેશમાં કોરોના સંક્રમણ તેમ જ આર્થિક પાયમાલી અસાધારણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આશરે 2 કરોડ શ્રમિકો પ્રથમ લહેર બાદ તેમના કામ પર પરત ફરી શક્યા નથી. જો લોકડાઉન લાગૂ થાય તો કોરોનાનો ફેલાવો ન થાય તે માટે શ્રમિકોને ફરી ક્વોરન્ટી કે શેલ્ટર હોમમાં રાખવા, પરિવહનની વ્યવસ્થા, ભોજન-પાણી, આર્થિક સહાય વગેરેની તૈયારી કરવી પડે. એટલે કે મોટા પ્રમાણમાં સંશાધનો કામે લગાડવા પડે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન કામગીરી પણ બંધ કરવી પડે,જે બાદમાં ફરી શરૂ કરી સામાન્ય કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે.

ટોટલ લોકડાઉન નહીં પણ સ્માર્ટ લોકડાઉનની જરૂર
ગયા વર્ષે લોકડાઉન લાગૂ કરવામાં આવતા સરકારની ચોતરફ ભારે ટીકા થઈ હતી. સરકારે દેશમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગૂ કરતા અસંગઠીત ક્ષેત્રમાં એક ઝાટકે આશરે 11 કરોડ શ્રમિકો બેરોજગાર થઈ ગયા હતા. આ સંજોગોમાં દેશમાં ટોટલ લોકડાઉન નહીં પણ સ્માર્ટ લોકડાઉનની જરૂર છે, એટલે કે ક્ષેત્રીય લોકડાઉનનું પાલન જ યોગ્ય વિકલ્પ રહેશે. જે ક્ષેત્ર તથા વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવે તે સરકારનો વિચાર યોગ્ય છે.

કોરોનાને લીધે અર્થતંત્ર પર સંકટ
કોરોનાને લીધે ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી રહી છે, સૌથી મોટી ચિંતા માંગ અને પુરવઠાની શ્રૃખલા તૂટી રહી છે. કોરોનાની બીજી લહેરમાં ઓટો, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, એરલાયન્સ, હોટેલ-પર્યટન ક્ષેત્રની તો સંપૂર્ણ લોકડાઉન વગર જ કમર તૂટી રહી છે. ગયા વર્ષે જ્યારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું ત્યારે દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પણ જ્યારે આંકડા જાહેર થયા ત્યારે GDPમાં 23.9 ટકાનો નકારાત્મક ઘટાડો આવ્યો હતો. ભારતીય અર્થતંત્રમાં અગાઉ આટલો મોટો ઘટાડો ક્યારેય નોંધાયો ન હતો. હવે જો દેશમાં ટોટલ લોકડાઉન લાગૂ કરવામાં આવે તો છેલ્લા છ મહિનાથી માંડ-માંડ મંદીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્ર પર ફરી એક મરણતોલ ફટકો પડી શકે છે.

ગૃહમંત્રાલયે કેટલાક દિવસ અગાઉ નવી ગાઈડલાઈન જાહેર કરી હતી
કોરોનાના કેસ ઝડપથી વધ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક દિવસ અગાઉ રાજ્યો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યુ હતું કે હવે રાજ્ય સરકારોએ કડક પગલા કરવાનું રહેશે. એડવાઈઝરી પ્રમાણે કોઈ વિસ્તારમાં પોઝિટિવિટી રેટ સતત એક સપ્તાહ સુધી 10 ટકા આવે અથવા કોઈ હોસ્પિટલમાં 60 ટકા બેડ ભરાઈ જાય છે તો 14 દિવસ માટે કડક નિયંત્રણોનું પાલન કરવાનું રહેશે. રાજ્યોએ જિલ્લામાં નાના-નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવા સલાહ આપવામાં આવી છે. આ સાથે એન્ટીજન ટેસ્ટ વધારવા પર પણ ભાર આપવામાં આવ્યો છે.

દેશના 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 ટકા કરતા વધારે પોઝિટિવ રેટ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા, ઉડીસા અને ઉત્તરાખંડમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. દેશમાં 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 ટકા કરતા વધારે પોઝિટિવ રેટ છે.
9
રાજ્યમાં 5 થી 15 ટકા અને 3 રાજ્યમાં 5 ટકાથી ઓછા પોઝિટિવ રેટ છે. 12 રાજ્યમાં 1 લાખથી વધારે એક્ટિવ કેસ છે. દેશમાં 16.96 ટકા એક્ટિવ કેસ છે. આશરે 82 ટકા રિકવર થઈ ચુક્યા છે. મૃત્યુ દર 1.09 ટકા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post