• Home
  • News
  • બાઈડેનના નિશાના પર ટ્રમ્પ:22 મિનિટના ભાષણમાં લોકતંત્ર, એક્તા, અસહમતિ અને કેપિટલ હિલની હિંસા પર શું બોલ્યા બાઈડેન?
post

બાઈડેને કટાક્ષ કર્યો કે જે રાષ્ટ્રપતિ અહીં નથી, તેમનો પણ આભાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 08:59:44

ભારતમાં જ્યારે બુધવારે રાતે 10.30 વાગી રહ્યા હતા, ત્યારે અમેરિકાને પોતાના 46મા અને સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ મળ્યા. 78 વર્ષના જો બાઈડેને કેપિટલ હિલ પર 128 વર્ષ જુના બાઈબલ પર હાથ રાખીને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. એ સમયે તેમના પત્ની જિલ બાઈડેને બાઈબલ હાથમાં રાખ્યું હતું. બાઈડેનની ઈનોગરલ સ્પીચમાં નિશાના પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રહ્યા. બાઈડેને કટાક્ષ કર્યો કે જે રાષ્ટ્રપતિ અહીં નથી, તેમનો પણ આભાર.

7 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે બાઈડેને કહ્યું, ‘આજે આપણે જ્યાં ઊભા છીએ, ત્યાં થોડા દિવસ પહેલા ભીડ હતી. એ લોકોએ વિચાર્યુ હતું કે તેઓ હિંસાથી જનતાની ઈચ્છાને બદલી નાખશે. લોકતંત્રને રોકી દેશે, આપણને આ પવિત્ર જગ્યાએથી હટાવી દેશે. એવું ન થયું. એવું નહીં થાય. ન આજે, ન કાલે અને ક્યારેય નહીં.

બાઈડેનની ઈનોગરલ સ્પીચની મુખ્ય વાતો

1. લોકતંત્ર અત્યંત કિંમતી છે
બાઈડેને ઈનોગરલ સ્પીચમાં કહ્યું, ‘આપણે ફરી એકવાર શીખ્યા કે લોકતંત્ર અત્યંત કિંમતી છે અને નાજુક પણ છે. લોકતંત્ર અહીં યથાવત્ છે. આજે કોઈ વ્યક્તિની જીત નહીં પણ એક કારણની જીતનો દિવસ છે. આ જ લોકતંત્ર છે. જો અસંમતિ છે તો પણ લોકતંત્ર જરૂરી છે. આ જ અમેરિકા છે. આ આપણા દેશની સૌથી મોટી તાકાત છે.

2. લોકતંત્રની જીતનો જશ્ન
બાઈડેન બોલ્યા, ‘આ કોઈ ઉમેદવારની જીતનો જશ્ન નથી, લોકતંત્રની જીતનો જશ્ન છે. આપણે મળીને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીશું. અમેરિકા અગાઉ કરતાં વધુ મજબૂત હશે. આ અમેરિકાનો દિવસ છે. આ લોકતંત્રનો દિવસ છે. આ આશાઓનો દિવસ છે.

3. એક્તાની શક્તિ
દેશમાં એકતાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને બાઈડેનને કહ્યું-આપણી સામે પડકારો છે. અમેરિકાનો આત્મા અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે એકતાની જરૂરિયાત સૌથી વધુ છે. લોકતંત્રમાં એકતાનું મોટું મહત્વ છે. આ એકતાના સહારે આપણે દરેક મંઝિલ મેળવી શકીએ છીએ. લોકોને સારી નોકરીઓ આપી શકીએ છીએ. એકતાના જોરે આપણે અમેરિકાને દુનિયામાં સારી ચીજોના સરતાજ બનાવી શકીએ છીએ. 9/11 હોય કે વર્લ્ડ વોર કે પછી મંદી. આ જ એકતાના કારણે જ આપણે ઉગરી શક્યા. આ આપણે ફરી કરી શકીએ છીએ. એકતા વિના શાંતિ અશક્ય છે. આજ આપણને આગળનો રસ્તો બતાવશે. મળીને આપણે ભય નહીં પણ આશાની કહાની લખીશું.

4. ન્યાયની આવશ્યકતા
બાઈડેન બોલ્યા, ‘સમગ્ર અમેરિકાને એક રાખવાની મારી કોશિશ હશે. હું દરેક અમેરિકનને આ હેતુ સાથે જોડાવાની અપીલ કરું છું. ગુસ્સો, નફરત, કટ્ટરવાદ, હિંસા, નિરાશાને આપણે એક થઈને હરાવી શકીએ છીએ. આપણે એ વાયરસથી પણ બચી શકીએ છીએ. આપણે ન્યાયને યથાવત્ રાખી શકીએ છીએ. શક્ય છે કે જ્યારે હું યુનિટીની વાત કરી રહ્યો છું તો આ કેટલાક લોકોને મૂર્ખતા લાગે, પરંતુ અમેરિકા સતત ભાઈ-ભત્રીજાવાદ, વંશવાદનો સામનો કરી રહ્યું છે. જીત હંમેશા નક્કી હોતી નથી. આપણે 9/11 જોયું. લાંબો સંઘર્ષ જોયો.

5. અસંમતિનો મતલબ જંગ નહીં
બાઈડેને કહ્યું, ‘અહીં સિવિલ વોર જેવી સ્થિતિ હતી. હિસા આપણા કામને સાયલન્સ ન કરી શકે. જો તમે અસંમત છો તો રહો. આ જ અમેરિકા છે. શાંતિ જાળવીને અસંમતિ રાખી શકાય છે. હું દરેક અમેરિકનનો રાષ્ટ્રપતિ છું. હું વચન આપું છું કે જેઓ મને સપોર્ટ નથી કરતા, તેમનો પણ હું એટલો જ રાષ્ટ્રપતિ છું, જેટલો મારા સમર્થકોનો છું.

નવા પ્રેસિડન્ટે કહ્યું, ‘ઈતિહાસ બતાવે છે કે એકતા જાળવી રાખવી જોઈએ. દરેક અસંમતિ માટે જરૂરી નથી કે યુદ્ધ છેડવામાં આવે. શાંતિથી અસંમતિનો અધિકાર બધાને છે. તથ્યોનો તોડવા કે પોતાના હિસાબે બનાવવા જરૂરી નથી. આપણો દેશ મજબૂત થશે. એકબીજા સાથે અસંમતિ રાખીને પણ આપણો દેશ મજબૂત હોઈ શકે છે.

6. આપણને પરખવામાં આવશે
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આપણે ઘણું બધું કરવાનું છે. આપણને પરખવામાં આવશે, આંકવામાં આવશે, મને લાગે છે કે આપણે મળીને અમેરિકન ઈતિહાસનો નવો મહાન અધ્યાય લખીશું. આપણે જો આ કરી બતાવીશું તો આવનારી પેઢીઓ કહેશે કે આપણે સારૂં કામ કર્યુ. હું બંધારણની રક્ષા કરીશ. લોકતંત્રની રક્ષા કરીશ. અમેરિકાની સુરક્ષા કરીશ. આપણે અમેરિકનની નવી કહાની લખવાની છે, જે ડરથી નહીં, આશાઓથી ભરેલી હોય. હું વચન આપું છું કે હું દરેક અમેરિકનનો રાષ્ટ્રપતિ રહીશ.

7. વિભાજીત કરનારી તાકાતો હાજર છે
બાઈડેને અમેરિકન નાગરિકોનાં મનમાં રહેલા ડરનો ઉલ્લેખ કર્યો. કહ્યું- હું જાણું છું કે કેટલીક તાકાતોએ આપણને વિભાજીત કર્યા છે અને તેમના મૂળ ઊંડા અને વાસ્તવિક છે. પણ, હું એ પણ જાણું છું કે આ તાકાતો નવી નથી. અમેરિકન ઈતિહાસમાં તેની સાથે સંઘર્ષના ઉદાહરણો મળે છે. વંશવાદ અને ડરના મામલા અગાઉ જોવા મળ્યા છે. હું માનું છું કે કેટલાક અમેરિકન આજે પણ આ અનુભવે છે. તેઓ રાતે સૂતા છતને જૂએ છે. તેમને આરોગ્ય, પૈસા, પરિવાર અને આવનારા દિવસની ચિંતા છે, ડર છે.

8. કેપિટલ હિલમાંથી બોધપાઠ લેવો જોઈશે
બાઈડેને કહ્યું-આજે આપણે કેપિટલ હિલના ગુંબજ નીચે ઊભા છીએ. મેં અગાઉ પણ કહ્યું છે કે આ સિવિલ વોર દરમિયાન બનીને તૈયાર થયું છે. આપણે એ મુશ્કેલ સ્થિતિમાં પણ કદમ પાછા હટાવ્યા નથી. આજે ફરી આપણે અહીં ઊભા છીએ. આપણે આ અનસિવિલ વૉરને ખતમ કરવાનું છે. આપણે રેડ કે બ્લુ, રૂરલ અને અર્બન અને કન્ઝર્વેટિવ કે લિબરલની ચર્ચાથી આગળ આવવાનું છે. આવું ત્યારે જ થશે, જ્યારે આપણે આપણા આત્મામાં ડોકિયું કરીશું. દયા અને સદભાવ બતાવીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post