• Home
  • News
  • ઈરાકમાં નિર્દોષ નાગરિકોના હત્યારાઓને ટ્રમ્પે માફ કર્યા, 2007માં અમેરિકાના ભાડાના સૈનિકોએ 17 લોકોની હત્યા કરી નાખી હતી
post

અમેરિકાએ પહેલીવાર ઈરાક યુદ્ધમાં પ્રાઈવેટ કંપનીના સૈનિકોનો ઉપયોગ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 10:56:42

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2007માં ઈરાક યુદ્ધ વખતે 17 નિર્દોષ નાગરિકના હત્યારાને માફ કરી દીધા છે. આ ચારેય પ્રાઈવેટ મિલિટરી કંપની બ્લેકવૉટરના સૈનિકો હતા. આ ચારેય હત્યારા અત્યારે અમેરિકાની જેલમાં સજા કાપી રહ્યા છે. અમેરિકાએ ઈરાક યુદ્ધમાં પ્રાઈવેટ મિલિટરી કંપનીઓ એટલે કે ભાડાના સૈનિકોનો પણ ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ પહેલીવાર બ્લેકવૉટર નામની પ્રાઈવેટ મિલિટરી કંપની સાથે ઈરાક યુદ્ધ માટે કરાર કર્યો હતો.

દુનિયાભરમાં અમેરિકાનો વિરોધ થયો હતો
આ કંપનીમાં મોટા ભાગના નિવૃત્ત અમેરિકન સૈનિકો હતા. તેમનું કામ અમેરિકાને તમામ પ્રકારનો સહકાર આપવાનું અને ઈરાકી સૈનિકો-પોલીસને તાલીમ આપવાનું હતું. ઈરાકના યુદ્ધ ક્ષેત્રમાં ભાડાના સૈનિકોનો ઉપયોગ અને સામાન્ય નાગરિકોની કત્લેઆમ પછી દુનિયાભરમાં અમેરિકાનો વિરોધ થયો હતો. આ યુદ્ધમાં બ્લેકવૉટરના ચાર સૈનિક પૉલ સ્લૉગ, ઈવેન લિવર્ટી, ડસ્ટિન હર્ડ અને નિકોલસ સ્લાટને મશીન ગન, ગ્રેનેડ લૉન્ચર અને સ્નાઈપરથી સજ્જ એક બખ્તરબંધ સૈનિક કાફલાનો હિસ્સો હતા. આ કાફલો અમેરિકાના રાજદૂતાવાસના અધિકારીઓ સાથે ચાલી રહ્યો હતો. તેમણે ઈરાકની રાજધાની બગદાદમાં નિસૌર ચોક પર નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવી હતી, જેમાં બે બાળક સહિત 17 નાગરિકનાં મોત થયાં હતાં. બાદમાં બ્લેકવૉટરના વકીલે તેમના બચાવમાં કહ્યું હતું કે અમે વિદ્રોહીઓને આત્મઘાતી હુમલાથી બચવા માટે ફાયરિંગ કર્યું હતું.

1968માં અમેરિકન સૈનિકોએ નરસંહાર કર્યો હતો
એફબીઆઈએ આ કેસની તપાસ કરીને તેને નરસંહાર ગણાવ્યો હતો. આ રીતે 1968ના વિયેતનામ યુદ્ધમાં પણ અમેરિકન સૈનિકોએ નિર્દોષ ગ્રામીણોનો નરસંહાર કર્યો હતો, જે મે લાઈ નરસંહાર તરીકે ઓળખાય છે. આ રીતે ઈરાકનો નરસંહાર ઈરાકનો મે લાઈ નરસંહારગણાવાયો હતો.

રશિયન સંપર્કોથી લઈને સજા પામેલા પૂર્વ વિદેશી સલાહકારને પણ માફી આપી
અમેરિકન પ્રમુખે વધુ એક કેસમાં પોતાના પૂર્વ વિદેશનીતિ સલાહકાર જ્યોર્જ પાપડોપોલોસને પણ મંગળવારે માફી આપી હતી. 2016ના ચૂંટણી અભિયાનમાં પાપડોપોલોસ ટ્રમ્પના વિદેશનીતિ સલાહકાર હતા. તેમના પર ચૂંટણીમાં રશિયા સાથે સંપર્ક રાખવાનો આરોપ હતો. તેમણે 2017માં પોતાનો ગુનો સ્વીકાર્યો હતો અને એફબીઆઈ સમક્ષ જુઠ્ઠું બોલવા બદલ માફી પણ માંગી હતી. આ કેસમાં પાપડોપોલોસને 12 દિવસની સજા ફટકારાઈ હતી. આ કેસમાં એક વકીલ એલેક્સ વાન ડેર જ્વાનને પણ ટ્રમ્પે માફી આપી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post