• Home
  • News
  • ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે
post

કોરોનાના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 12:10:21

ન્યૂયોર્ક: કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઓગસ્ટના મધ્ય સુધી પાર્ટીઓનાં કાર્યકર્તા વોટરોનાં દરવાજે ટકોરા મારી દેવાતા હતા. આ વર્ષે આમ થયું નથી. ચૂંટણીમાં બંને પાર્ટીઓનું નેશનલ કન્વેન્શન મહત્ત્વનું હોય છે. અહીં પાર્ટીઓ ઉમેદવારોનું નામાંકન સ્વીકારે છે.

ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે.

આ વખત પ્રત્યક્ષ રેલીઓ, ઘરે-ઘરે પહોંચીને પ્રચાર જેવી ગતિવિધિઓનું સ્થાન ડિજિટલ માધ્યમે લીધું છે. પાર્ટિઓ વેબસાઈટ, યુટ્યુબ વગેરે પર જાહેરાત આપીને પ્રચાર કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનને મોટી ટક્કર આપવા માટે વિશાળ ડિજિટલ અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. આ કન્વેન્શન ચાર દિવસ સુધી ચાલશે. ટ્રમ્પના પ્રવક્તા ટિમ મુર્તોએ કહ્યું કે, તેમની પાર્ટી આ ચાર દિવસોમાં ડિજિટલ પ્રચાર પાછળ રૂ.75 કરોડનો ખર્ચ કરશે. યુટ્યુબ પર સતત 96 કલાક પ્રચાર કરાશે. આ ઉપરાંત અનેક મોટી વેબસાઈટ અને ન્યૂઝ આઉટલેટ્સ પર કેમ્પેઈન ચલાવાશે. જેની સામે બાઈડેન ટીવી અને રેડિટો દ્વારા પ્રચાર કરી રહ્યા છે.

એડ ટ્રેકિંગ ફર્મ એડવર્ટાઈઝિંગ એનાલિટિક્સ અનુસાર, બાઈડેને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી પ્રચાર પાછળ રૂ.111 કરોડ અને ટ્રમ્પે 53 કરોડ ખર્ચ્યા છે. બંને પાર્ટીઓ આ વખતે ચૂંટણી પ્રચાર કાર્યકર્તાઓની અછતનો પણ સામનો કરી રહી છે. અનેક કાર્યકર્તાઓએ વોટિંગના દિવસે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. એકલા મેરીલેન્ડ રાજ્યમાં જ 14 હજાર કાર્યકર્તાઓની ઘટ છે.

ભારતીયતા : મંત્ર- અરદાસની સાથે ડેમોક્રેટનું કન્વેન્શન શરૂ
ડેમોક્રેટિક પાર્ટીનું ચાર દિવસનું નેશનલ કન્વેન્શન સોમવારથી શરૂ થઈ ગયું છે. તેના માટે દેશભરમાં અલગ-અલગ સ્થળે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પ્રથમ દિવસે ટેક્સાસમાં ઓનલાઈન સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. જેમાં વેદો અને મહાભારતના શ્લોક વાંચવામાં આવ્યા. શીખ ધર્મની અરદાસ પણ કરાઈ. ટેક્સાસમાં ચિન્મય મિશનના એક અનુયાયીએ મંત્રોચ્ચાર કર્યો. વિસ્કોન્સિન ગુરુદ્વારના શીખ સમુદાયના એક નેતાએ અરદાસ ગાઈ હતી. આ સંમેલનમાં બાઈડેનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના કાયદેસરના ઉમેદવાર ચૂંટવામાં આવશે. આ અગાઉ બાઈડેન ફોર પ્રેસિડન્ટઅભિયાન માટે રવિવારે પણ સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં બાઈડેન અને હેરિસ માટે મહાભારતની પંક્તિઓ વાંચતા કહેવાયું હતું - યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય’. ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે પ્રથમ ચર્ચા 29 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post