• Home
  • News
  • NPSમાં રોકાણના બે ફાયદા, કરવેરાની બચત સાથે રૂ. 45,000 માસિક પેન્શનનો પણ લાભ
post

80C હેઠળ વધુમાં વધુ રુપિયા 1.5 લાખ સુધીના રોકાણ પર જ છૂટ મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:33:46

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતાં લોકોને ટેક્સ બચતને લઈને કેટલીક મુંઝવણ રહેતી હોય છે. મોટાભાગે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કર્મચારીઓના પગારમાંથી ટેક્સ કપાઈ જાય છે, તે પછી તે વિચારે છે કે ક્યાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. દરેક કર્મચારીને 80 C હેઠળ દોઢ લાખ રુપિયા સુધીની છૂટ મળે છે તે વિશે ખ્યાલ છે. પરંતુ તેનાથી વધારે કેવી રીતે બચાવી શકાય તેના વિશે માહિતી નથી હોતી. 

ક્યાં રોકાણ કરવાથી સેક્શન 80C હેઠળ છૂટ મળે છે

સૌથી મહત્ત્વની વાત જાણી લો કે, 80C હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રુપિયા સુધીના રોકાણ પર જ છૂટ મળે છે. આ સિવાય LIC પ્રીમિયમ, PPFમાં રોકાણ, યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP) પ્રીમિયમની ચુકવણી, નોન-કમ્યુટેબલ ડિફર્ડ એન્યુટીના સંદર્ભમાં ચુકવણી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સમાં રોકાણ, બાળકોની શિક્ષણ ફીની ચુકવણી (માત્ર ટ્યુશન ફી), માન્ય ડિબેન્ચર/શેર/મ્યુચ્યુઅલ ફંડ, 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ, હોમ લોનની ચુકવણી (માત્ર મુખ્ય રકમ) અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં રોકાણ 80Cના દાયરામાં આવે છે. 

એટલે આ બધામાં વધુમાં વધુ 1.5 લાખ રુપિયા સુધીના રોકાણ પર ઈન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. પરંતુ તેના સિવાય ક્યાં રોકાણ કરવાથી વધારે ટેક્સ બચાવી શકાય. આજે અમે તમને એ વિશે વાત કરીશું. તમે નેશનલ પેન્શન સ્કીમ (NPS) વિશે સાંભળ્યું હશે. અમે આજે NPSમાં રોકાણ કરવાથી શું ફાયદા થાય છે તેના વિશે વાત કરીશું. 

ટેક્સ બચાવવા માટે NPSમાં રોકાણ કેમ જરુરી છે ?

ટેક્સ બચાવવા માટે NPSમાં વધુમાં વધુમાં 50 હજાર સુધીની રકમ જમા કરાવી શકો છો. ઈન્કમ ટેક્સના નિયમ પ્રમાણે 80C(1B)કલમ હેઠળ NPSમાં કરવામાં આવેલી બચત પર 80C મુજબ વધુ લાભ મેળવી શકીએ છીએ. એટલે NPSમાં રોકાણ કરવાથી તમે વધુ 50 હજાર સુધીની છૂટ મેળવી શકો છો.એટલે કે કુલ મળીને વધુમાં વધુ 2 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો.

શું  પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરનારા NPSમાં રોકાણ કરી ટેક્સ બચાવી શકે ?

તો તેનો જવાબ છે હા, તમે તરત NPSમાં ખાતુ ખોલાવી તમારો પગાર કપાતાં બચાવી શકો છો. આટલું જ નહીં ટેક્સ સિવાય પણ એનપીએસ એક શાનદાર રિટાયરમેન્ટ સ્કીમ છે. પહેલા આ સ્કીમમાં માત્ર સરકારી કર્મચારીઓ જ રોકાણ કરી શકતાં હતા. પરંતુ વર્ષ 2009થી તેમાં દરેક કેટેગરીના લોકો માટે ઓપન કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે આ યોજનાનો લાભ દરેક કર્મચારી લઈ શકે છે. 

આ NPS શું છે ?

રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એક સ્વૈચ્છિક નિવૃત્તિ બચત યોજના છે, જે કોઈ વ્યક્તિને તેમની નિવૃત્તિ દરમિયાન રિટર્ન બચાવવા અને આનંદ સાથે તેમની જરુરીયાતો પૂરી કરવામાં  મદદ કરે છે. આ સ્કીમમાં 60 વર્ષ પૂરા થયા પછી એક ફિક્સ રકમ માસિક પેન્શન તરીકે મળે છે. એટલે કે 60 વર્ષ બાદ તમારે કોઈના ઉપર નિર્ભર રહેવાની જરુર નહીં રહે. 

ઉદાહરણ તરીકે સમજો શું છે ફાયદા?

માની લો કે તમારી ઉંમર હાલમાં 30 વર્ષ છે, અને તમે NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રુપિયાનું રોકાણ કરો છો, અને આ રોકાણ 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, એટલે કે 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ ચાલુ રાખો છો, તો આ રોકાણ ઉપર તમને 10 ટકા રિટર્ન સાથે 60 વર્ષની ઉંમર સુધીમાં તમારા એકાઉન્ટમાં 1.12 કરોડ રુપિયા જમા થઈ જશે. નિયમ પ્રમાણે 60 વર્ષ પૂરા થતાની સાથે એક સાથે તમને 45 લાખ રુપિયા કેસ મળી જશે, આ સિવાય દર મહિને  45000 હજાર રુપિયાનું પેન્શન મળશે. તમને જણાવી દઈએ કે 30 વર્ષમાં કુલ 18 લાખ રુપિયા રોકાણ કરશો. તેમાં 10 ટકા વાર્ષિક રિટર્નનું અનુમાન લગાવી શકાય છે, વ્યાજ દર ઉપર-નીચે થઈ શકે છે.