• Home
  • News
  • બે ટંકની રોટલી મુશ્કેલ બની : લોટના ભાવ પખવાડિયામાં 7થી 8 ટકા વધ્યા
post

ભારતીય ખાદ્ય નિગમની ઘઉંની ખરીદી 31 જુલાઇ સુધી 56 ટકા ઘટીને 187.9 લાખ ટન રહી, જે પાછલા વર્ષમાં 433.4 લાખ ટન હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-03 17:41:34

નવી દિલ્હી: મોંઘવારીની કપરી પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે ટંકની રોટલી પણ હવે દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. ઘઉંની કિંમત વધતા તેના લોટના ભાવ છેલ્લા એક પખવાડિયામાં 7-8 ટકા વધી ગયા છે. ઘઉંના લોટની કિંમતોમાં સતત વધવાથી ફ્લોર મિલ માલિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમણે સરકારને પોતાના પાસે રહેલા બફર સ્ટોકમાંથી ઘઉંના જથ્થાનું ખુલ્લા બજારમાં વેચવા કરવા વિનંતી કરી છે. એક ફ્લોર મિલ માલિકોનું કહેવુ છે કે, અમે અગાઉ કિંમતોમાં આટલો વધારો ક્યારેય જોયો નથી. સરકારની પાસે વધતી કિંમતોને અંકુશમાં લેવા એક માત્ર ઉપાય પોતાના ઓપન માર્કેટ સેલની જાહેરાત છે, જે ઘઉંના સંગ્રહખોરોને બજારમાં માલ ઠાલવવા મજબૂર કરશે.

દેશભરના મિલરોનું કહેવુ છે કે, છેલ્લા બે સપ્તાહમાં કિંમતોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. છેલ્લા 10-15 દિવસ દરમિયાન મુંબઇમાં ઘઉંના પિલાણની કિંમત અઢી થી ત્રણ રૂપિયા વધી ગઇ છે, જેનાથી લોટના ભાવ 26 રૂપિયા પ્રતિ કિગ્રા એ પહોંચી ગયા છે. ઉત્તર ભારતના એક ઘઉં નિકાસકારે જણાવ્યુ કે, કંડલામાં ઘઉંની કિંમતો બે રૂપિયા પ્રતિ કિગ્રા વધીને રૂ. 25 પ્રતિ કિગ્રા થઇ ગઇ છે.

ભારતીય ખાદ્ય નિગમની ઘઉંની ખરીદી 31 જુલાઇ સુધી  56 ટકા ઘટીને  187.9 લાખ ટન રહી, જે પાછલા વર્ષમાં 433.4 લાખ ટન હતી. ચાલુ વર્ષે પાકના વિકાસના મુખ્ય તબક્કાના સમયે ભયંકર ગરમી પડવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. અલબત્ત સરકારે કહ્યુ કે, સ્થાનિક જરૂરિયાતને સંતોષવા માટે દેશમાં પુરતો ઘઉંનો જથ્થો છે. સરકારી જથ્થો અને વેપારી અનુમાનોના આંકડાઓ વચ્ચે એક મોટો તફાવત છે. ખુલ્લા બજારમાં ઘઉંની ઉપલબ્ધતા દિવસે દિવસે ઘટી રહી છે. આ અછતને કારણે ગુણવત્તાયુક્ત ઘઉંની જથ્થાબંધ ખરીદી મુશ્કેલ છે.

વધુ એક કારણથી મિલ માલિકો ચિંતિત છે કે નવો સ્થાનિક પાક આવવામાં હજી સાત મહિનાની વાર છે. જુલાઇમાં જે  ભાવ વધારો અને સપ્લાય તંગ હોવાની સ્થિતિ દેખાઇ રહી છે તે સામાન્ય રીતે ઓક્ટોબર- નવેમ્બર બાદ સર્જાતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post