• Home
  • News
  • બ્રિટનની ટેલિકોમ કંપનીઓને નિર્દેશ- 2027 સુધી હુવાવેનાં ઉપકરણો હટાવો
post

અમેરિકા પહેલાથી જ હુવાવે પર બેન મૂકી ચૂક્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 09:35:25

લંડન: કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનની શાખ સંપૂર્ણ દુનિયામાં ખરડાઈ છે. હવે બ્રિટને ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તે 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દે. અમેરિકા પોતાના દેશમાં પહેલાંથી જ હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં 5જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે.

બ્રિટનનો નિર્ણય નિરાશાજનક : હુવાવે
હુવાવેએ બ્રિટિશ સરકારના એ નિર્ણયને બ્રિટનના એ તમામ લોકો માટે માઠા સમાચાર ગણાવ્યા છે જેમની પાસે મોબાઇલ ફોન છે. હુવાવેએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ પગલું બ્રિટનને ધીમા રસ્તા પર ધકેલી દેશે અને તેનાથી દેશમાં ડિજિટલ ખાઈ વધશે. અમે બ્રિટિશ સરકારને આગ્રહ કરીએ છીએ કે તે તેના નિર્ણય અંગે ફરી વિચારી લે.