• Home
  • News
  • કર્ણાટકમાં ‘હનુમાન ધ્વજ’ ઉતારાતા હોબાળો, પોલીસ-ગ્રામજનો વચ્ચે ટક્કર, કલમ 144 લાગુ
post

ભાજપની ચિમકી, ઝંડો હટાવાશે તો રાજ્યભરમાં આંદોલન કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 17:35:38

કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં હનુમાન ધ્વજ ઉતારવા મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર થઈ છે, જેને પગલે ગામમાં 144ની કલમ લાગુ કરાઈ છે. તો બીજીતરફ ઘટનાએ રાજકીય સ્વરૂપ પણ ધારણ કર્યું છે. ભાજપે રાજ્યભરમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે, તો કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

જે યુવકોએ લગાવ્યો ઝંડો, તેના જ ગ્રૂપે કરી ફરિયાદ

વાસ્તવમાં કેરાગોડુમાં થોડા દિવસો પહેલા કેટલાક યુવકોએ 108 ફુટ ઊંચા થાંભલા પર હનુમાનજીનો ઝંડો લગાવ્યો હતો. યુવકોના જણાવ્યા મુજબ આ માટે તેમને મંજુરી પણ મળી હતી, તેમ છતાં યુવકોના બીજા ગ્રૂપે નારાજ થઈ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ ગામમાં આવી હનુમાનજીના ઝંડાને હટાવવાનો આદેશ કર્યો હતો. આ બાબતની જાણ થતાં જ ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ ટક્કર થઈ હતી. હાલ સુરક્ષાને ધ્યાને રાખી ગામમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

ઝંડો હટાવવાના આદેશ બાદ ગ્રામજનો વિફર્યા

અધિકારીઓએ ગ્રામજનોને ઝંડો હટાવવાની વિનંતી કરતા જ ભારે હોબાળો શરૂ થયો અને સ્થિતિ વધુ વણસતા ગામમાં પોલીસ દળ ખડકી દેવાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ ઝંડો અમારી આસ્થાનો સવાલ છે, પરંતુ કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા છે. ગ્રામજનો ઉપરાંત ભાજપ, જેડીએસ અને બજરંગ દળના લોકો પણ ઉતરી આવ્યા છે. તો બીજીતરફ કોંગ્રેસ કાર્યકર્તાએ ભાજપ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

ગ્રામજનોએ વિરોધમાં દુકાનો પણ બંધ કરી દીધી

ઝંડો ઉતારવાના આદેશના વિરોધમાં ગ્રામજનોએ પોતાની દુકાનો પણ બંધ કરી દીધી હતી. ગ્રામ પંચાયતના અધિકારીઓ રવિવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઝંડો ઉતરાવવા ઈચ્છતા હતા, પરંતુ ગામના ઘણા લોકો અધિકારીઓ વિરુદ્ધ ઉતરી આવ્યા અને ‘જતા રહો’ના સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

ભાજપની આંદોલન કરવાની ચિમકી

ઘટનાને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. ભાજપે ચિમકી આપી છે કે, જો ઝંડો હટાવાશે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સોમવારે બેંગલુરના મૈસુર બેંગ સર્કલ પાસે વિરોધ કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસે ઘણા કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ પોલીસે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દીધો છે.

ઝંડા માટે 12 ગામના લોકો, ભાજપ-જેડીએસનું યોગદાન

ઘટના અંગે પોલીસે હનુમાનજીનો ઝંડો હટાવવાની વાત કહી હતી. પોલીસના જણાવ્યા મુજબ હનુમાનજીનો ઝંડો હટાવી રાષ્ટ્રીય ધ્વજ લગાવવો જોઈએ. મળતા અહેવાલો મુજબ કેરાગોડુ ગામના લોકોએ ઝંડા માટે ફંડ એકઠું કર્યું હતું. આ ઉપરાંત 12 ગામના લોકોએ અને BJP-JDSએ પણ યોગદાન આપ્યું હતું. ભાજપે ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસ (Congress)ના નિર્ણય હિન્દુ વિરોધી કહ્યો છે. ભાજપ નેતા આર.અશોકે કહ્યું કે, ગ્રામપંચાયતની મંજૂરી બાદ ઝંડો લગાવાયો હતો, તો કોંગ્રેસની સરકાર તેને હટાવવા કેમ માંગે છે.

adv

Related News

post
post
post
post
post
post
post