• Home
  • News
  • QUADના એજન્ડામાં વેક્સિન, નિશાના પર ચીન:ચારેય દેશો વેક્સિન બનાવવા માટે તેમનાં સંસાધનો વહેંચશે, મોદીએ કહ્યું- અમારું વિઝન વસુધૈવ કુટુંબકમનું છે
post

મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રથમ QUAD વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-13 11:12:52

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (12 માર્ચ) વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રથમ ક્વાડ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ક્વાડ એ ચાર દેશોનું જૂથ છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન જેવા ચાર મોટા દેશો છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદ સુગાએ ભાગ લીધો હતો, આથી અંદાજ લગાવી શકાય છે કે વૈશ્વિક સ્તરે આ પ્લેટફોર્મ કેટલું મહત્ત્વપૂર્ણ હશે.

આ દરમિયાન ચારેય વૈશ્વિક નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને એક સ્વતંત્ર અને સમાવિષ્ટ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવવા માટે એકબીજાને ટેકો આપવા સંમત થયા. આ ઉપરાંત દરિયાઇ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું- કોવિડ -19 સાથેની લડતમાં સૌ એક સાથે
વડાપ્રધાન મોદીએ કહ્યું- કોવિડ -19 સાથેની અમારી લડતમાં અમે સૌ એક છીએ. COVID-19 વેક્સિનની સલામત પહોંચ સુનિશ્ચિત કરવા માટે લેન્ડમાર્ક ક્વાડ ભાગીદારી શરૂ કરવામાં આવી છે. ભારતની વેક્સિન ઉત્પાદનક્ષમતાને જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાની મદદ દ્વારા વધારવામાં આવશે, જેથી ઇન્ડો-પ્રશાંત ક્ષેત્રના દેશોની મદદ કરી શકાય.

બાઈડને કહ્યું- વેક્સિનના ઉત્પાદનમાં નવી ભાગીદારી થશે
વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ આ ક્ષેત્રમાં તમારા અને તમારા બધા સાથીઓ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. આ ગ્રુપ ખાસ રીતે મહત્ત્વનું છે, કારણ કે તેનું ધ્યાન વ્યવહારુ ઉકેલો અને નક્કર પરિણામો પર છે. આપણા બધા દેશોના ભવિષ્ય માટે ફ્રી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ છે. અને કલાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે પરસ્પર સમર્થન અમે તેને વધારવા માટે એક નવું મિકેનિઝમ રજૂ કરવા જઈ રહ્યા છીએ.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને નમસ્તેથી ભાષણની શરૂઆત કરી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને તેમના ભાષણની શરૂઆત 'નમસ્તે' થી કરી હતી. તેમણે કહ્યું કે 21મી સદીમાં ફક્ત ઇન્ડો-પેસેફિક ક્ષેત્ર જ વિશ્વનું ભાગ્ય નક્કી કરશે. વિશ્વની ચાર મહાન લોકશાહી દેશોના નેતાઓ તરીકે અમારી ભાગીદારી શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે. આ માટે આ ક્ષેત્રના ઘણા દેશોએ ભેગા થઈને કામ કરવું પડશે.

જાપાનના PMએ કહ્યું- ઇન્ડો-પેસેફિકમાં શાંતિ જરૂરી
આ બેઠકમાં જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ કહ્યું હતું કે હું ક્વાડને લઈને ભાવનાશીલ છું. અમારી પ્રતિબદ્ધતા ફ્રી હિન્દ-પ્રશાંત ક્ષેત્ર વિશે છે. અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છીએ. આ માટે ચાર દેશોનો સાથ જરૂરી છે.

ક્વાડ ગ્રુપ મહત્ત્વપૂર્ણ શા માટે છે?
ક્વાડ ગ્રુપની વર્ચ્યુઅલ મીટિંગમાં મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પછી બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચનો ભાગ બન્યા છે.

દુનિયાભરના દેશોની નજર આ બેઠક પર છે. બેઠકમાં સમગ્ર દુનિયામાં વેક્સિન ડ્રાઈવ અને એની પૂર્તિ જેવા ગંભીર મુદ્દાઓની બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે. આ ગ્રુપની રચના 2007માં કરવામાં આવી હતી, પરંતુ એ પ્રથમ વખત છે, જ્યારે ચારેય દેશો એકસાથે બેઠક કરી રહ્યા છે. આ ગ્રુપની રચના ચીનના વધતા પ્રભાવ અને દબદબાને ઘટાડવા માટે કરવામાં આવી હતી.

ઘટતી અર્થવ્યવસ્થા અને જળવાયુ પરિવર્તન પર પણ થશે ચર્ચા
આ બેઠકમાં કોરોના, અર્થવ્યવસ્થા અને સામૂહિક મુદ્દાઓ પર ચર્ચા થશે. કોરોનાની મહામારીમાંથી કેવી રીતે બહાર આવી શકાય અને ઘટતી અર્થવ્યવસ્થાને આગળ કેવી રીતે વધારી શકાય. આ બેઠકમાં ચારેય દેશો જળવાયુ પરિવર્તન પણ ચર્ચા કરશે. આ તમામ દેશોના ચીન સાથેના સંબંધ સારા નથી રહી રહ્યા.

એક રિપોર્ટ અનુસાર, ભારત વેક્સિન બનાવવા મામલે સૌથી મુખ્ય રાષ્ટ્ર છે. દુનિયાભરના દેશોને ભારત વેક્સિન પૂરી પડી રહ્યું છે. આ કારણે જ ક્વાડ સભ્યોનો સાથ ભારતને મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, વેક્સિનને લઈને તમામ દેશો વચ્ચે સમજૂતી પણ થઇ શકે છે.

યુએસસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની નોવાવાક્સ અને જોહન્સન સાથે ભારતની વેક્સિન કંપનીઓ નાણાકીય કરાર કરી શકે છે. આ બેઠકમાં કોરોનાવાયરસના નવા સ્ટ્રેન સામે લડવાનું અને વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે વ્યૂહરચના બનાવી શકાય છે.

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં મદદને લઈને થઈ શકે છે વાત
બેઠકને લઈને પીએમઓ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નિવેદન મુજબ, ક્વાડ ગ્રુપના નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠકમાં ભારત-પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ જાળવવા માટે ચારેય દેશો પોતાનાં મંતવ્યો રજૂ કરશે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર બેઠકમાં જોડાવાની માહિતી પણ આપી હતી.

શું છે QUAD?
QUAD
નું પૂરું નામ ક્વાડ્રિલેટેડ સિક્યોરિટી ડાયલોગ છે. તે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો એક બિનસત્તાવાર સ્ટ્રેટેજિક ગ્રુપ છે. એની રચના 2007માં થઈ હતી. 2008માં ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન કેવિન રૂડે ગ્રુપમાંથી પીછેહઠ કરી હતી. ત્યાર બાદ ગ્રુપ એક્ટિવ નહોતું. ચીનના વધતા જતા વર્ચસ્વને લઈને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં આ જૂથ ફરીથી એક્ટિવ થયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post