• Home
  • News
  • ન્યુઝીલેન્ડમાં પીડિતોએ હુમલાખોરને કહ્યું- તારો ન્યાય આવતા જન્મમાં થશે અને તે જેલની સજાથી પણ વધુ આકરો હશે
post

સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં છલકાઈ ઉઠ્યું આતંકી હુમલાના પીડિતોનું દર્દ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:30:44

ન્યુઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલામાં 51 લોકોની હત્યાના દોષિત બ્રેન્ટન ટેરન્ટની સજા અંગે સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ઘણા પીડિતોએ ખૂબ માર્મિક જુબાની આપતાં તેને કડકમાં કડક સજા ફટકારવા અપીલ કરી. પિતા ગુમાવનારી સારા કાસિમે તેના પિતા માર્યા ગયા તે અંગે કહ્યું કે તે માત્ર અંદાજ જ બાંધી શકે છે કે તેઓ તેમના અંતિમ સમયે ડરેલા હશે કે પીડાયા હશે. કાશ ત્યારે હું તેમની સાથે હોત અને તેમનો હાથ પકડી શકત. તેણે હુમલાખોરને કહ્યું કે તે તેના પિતાનું નામ અબ્દેલફતેહ કાસિમ યાદ રાખે.

સુનાવણી દરમિયાન હુમલામાં માર્યા ગયેલા સૌથી નાના બાળક મુસાદ ઇબ્રાહિમના પિતા અદેન ઇબ્રાહિમ દિરિયેનું નિવેદન વાંચી સંભળાવતાં પરિવારના એક સભ્યએ કહ્યું, ‘તેં મારા પુત્રની હત્યા કરી છે. મારા માટે તો તે આખા ન્યુઝીલેન્ડને મારી નાખ્યું છે. એટલું સમજી લેજે કે તારો ખરો ન્યાય તો આવતા જન્મમાં જ થશે અને તે જેલની સજાથી ક્યાંય વધારે આકરો હશે. તેં જે પણ કર્યું છે તેના માટે હું તને ક્યારેય માફ નહીં કરું.

25 વર્ષ અગાઉ સોમાલિયાથી રેફ્યૂજી તરીકે ન્યુઝીલેન્ડ આવેલા દિરિયેએ કોર્ટને કહ્યું કે તેમના બાળકનું ભવિષ્ય છીનવી લેવાયું છે. બીજી તરફ હુમલામાં પોતાના 71 વર્ષીય પિતા ગુમાવનારા અહદ નબીએ કહ્યું કે 2019ની 15 માર્ચે ટેરેન્ટે આચરેલા કાયરતાપૂર્ણ કરતૂત માટે તેને ક્યારેય બક્ષવો ન જોઇએ. લોકોને પાછળથી મારનારને બચાવની કોઇ તક ન મળવી જોઇએ.

હીરોએ આતંકીને કહ્યું- આ આંખો ભૂલતો નહીં, કાયમ પીછો કરશે
હુમલામાં બચી ગયેલા અબ્દુલ અઝીઝે આતંકી ટેરેન્ટને કહ્યું કે આ બે આંખ ક્યારેય ભૂલતો નહીં, આ ચહેરો હંમેશા યાદ રાખજે. ખુદાનો આભાર માન કે તે દિવસે હું તને પકડી નહોતો શક્યો. અઝીઝ આતંકીને મસ્જિદમાં જતો રોકવા પ્રયાસ કરી રહ્યો હતો. હુમલા બાદ ટેરેન્ટ પાછો ફર્યો ત્યારે અઝીઝે તેની કારનો કાચ તોડીને ગન લઇ લીધી અને ટેરેન્ટને મારવાનો પ્રયાસ કર્યો પણ ગન ખરાબ થઇ ચૂકી હતી. ટેરેન્ટ સ્પીડમાં કાર દોડાવવા લાગ્યો, અઝીઝ પણ પાછળ દોડ્યો હતો. તે હુમલાના હીરો તરીકે ઓળખાય છે.