• Home
  • News
  • ચણીયાચોળીના વેપારમાં મંદી:બોણીના ફાંફા છે, પ્રથમ ગ્રાહકની રાહ જોઇએ છીએ, આ વર્ષે 1% પણ વેપાર નથી
post

ચણીયાચોળી-કેડીયા-જભ્ભાના ઉત્પાદકો-વેપારીઓ નવરાત્રીના મહિના પહેલા 65% ટકા વેપાર કરતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 10:43:29

નવરાત્રીને આડે એક મહિનો બાકી હોય ત્યારે ગત વર્ષ સુધી 60થી 65 ટકા બિઝનેસ ચણીયાચોળી, કેડીયા, પ્રોપ્સ વગેરેનો થઈ જતો હતો. પરંતુ આ સમયે ખેલૈયાઓ ખરીદી કરી રહ્યાં નથી. વેપારીઓનું માનવું છે કે જો નવરાત્રી થાય તો 15થી 50 ટકા સુધીનો વેપાર થાય અને રોજી-રોટી ચાલે.

ઓગસ્ટમાં સિઝન પુરી થાય, હજુ શરૂ નથી થઇ
મેન્યુફેક્ચરર અનિલ દરજીએ કહ્યું- અમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ડિઝાઇનથી કાપડ સુધીનું ડેવલપમેન્ટ કરીને રાખીએ છીએ. માર્ચમાં કેડિયા, ચણીયા ચોળી, પ્રોપ્સ હોલસેલરને વેચીએ છીએ. ઓગસ્ટમાં હોલસેલરને મોટાભાગનો વેપાર કરી ફ્રી થઈએ છીએ. આ વર્ષે કોરોનાને કારણે વેપાર થયો નથી. નવરાત્રી નહીં થાય તો 80 લાખના 10 હજાર કેડીયા-ચણીયાચોળી પડી રહેશે.

નવરાત્રી થાય તો 50% વેપારની શક્યતા
અમે અમારા દાદાના વખતથી ચણિયાચોળી, ધોતી, કેડિયાનો વેપાર કરીએ છીએ. આ વખતે કોરોનાને કારણે માંડ 20 ટકા જેટલો જ વેપાર થયો હશે. નવરાત્રી થશે કે નહીં થાય એ પણ નક્કી નથી અને જો નવરાત્રી થશે તો 50 ટકા વેપાર થવાની શક્યતા છે. એનાથી વધુ વેપાર થવાની શક્યતા નથી. -દિલિપ શાહ, મેન્યુફેક્ચરર, રિલીફ રોડ

માંડ એક-બે ટકા લોકો ખરીદીમાં આવે છે
આ સમયે પાણી પીવાનો પણ સમય નથી હોતો. પરંતુ અત્યારે તેની સરખામણીએ માંડ એક-બે ટકાનો વેપાર છે. નવરાત્રી કરવાની ઘોષણા થાય તો લોકોમાં ઉત્સાહ આવે જેની રાહ જોઈ અમારા જેવા ઘણા વેપારીઓ તેમજ ખેલૈયાઓ બેસી રહ્યા છે. અમે લાવેલા ચણિયાચોળી, કેડીયા એમ જ પડી રહ્યાં છે. - ગીતાબેન પરમાર, વેપારી, લો ગાર્ડન

65% વેપારની જગ્યાએ હજુ 0% થયો છે
અમે ત્રીજી પેઢીથી વેપાર કરીએ છીએ. નવરાત્રી પૂરી થાય તેના થોડા સમયમાં નવરાત્રી માટેના ચણિયાચોળી અને કેડિયાનું મેન્યુફેકચરિંગ શરૂ કરીએ છીએ. અત્યાર સુધીમાં 65 ટકા માલનું વેચાણ થઇ જતું હોય છે પણ અત્યારે 0 ટકા ધંધો છે. અહીં રોજ આવીએ છીએ પરતું કોઈ ગ્રાહક નથી. લોકો ખરીદવા નહીં આવે તો સામાન પડ્યો રહેશે. - હર્ષ શાહ, વેપારી, રાણીનો હજીરો

શ્રાદ્ધમાં ફ્રી થવાની જગ્યાએ ગ્રાહકની રાહ છે
હું 30 વર્ષથી વેપાર કરું છું. પહેલીવાર આ પ્રકારની સ્થિતિ સામે આવી છે. શ્રાદ્ધમાં અમે નવરાત્રીનો 60 ટકા વેપાર કરીને ફ્રી થઈએ છીએ. મેન્યુફેકચરીંગ અમારું જ હોવાથી ગુજરાતમાં અમે વેપાર કરીએ છીએ. પરંતુ અત્યારસુધી નવરાત્રીનો પહેલો ગ્રાહક નથી આવ્યો. બોણીની રાહ જોઈએ છીએ. હજુ મહિના જેવું બાકી છે. - સુરેશ જખવાડિયા, વેપારી, રાણીનો હજીરો

 

adv

Related News

post
post
post
post
post
post
post