• Home
  • News
  • વુહાન પહોંચી WHOની ટીમ; કોરોનાના ફેલાવાની તપાસ કરશે; ચીન આ મુલાકાતને શા માટે ખાનગી રાખવા માગે છે?
post

WHOની ટીમ ચીન પહોંચતાંની સાથે જ ત્યાં મહિના પછી ફરી એકવાર કોરોનાના કેસ વધવાના શરૂ થઈ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-16 11:15:14

કોરોના ક્યાંથી આવ્યો? દુનિયામાં આ કેવી રીતે ફેલાયો? એવું શું કરવામાં આવે કે આગળ કોઈ મહામારી આવી રીતે દુનિયાને ઠપ ન કરી શકે? કંઈક આવા જ સવાલોના જવાબ શોધવા માટે WHOની એક ટીમ ચીનના વુહાન પહોંચી છે. હાલ આ ટીમ ક્વોરન્ટીન છે. બે સપ્તાહ પછી કામગીરી શરૂ કરશે.

હવે સવાલ એ છે કે છેલ્લે આ ટીમ વુહાન જ કેમ ગઈ છે? આ ટીમના એજન્ડામાં શું છે? જે ચીન અત્યારસુધીમાં ઈન્ડિપેન્ડેન્ટ એક્સપર્ટ્સની ટીમને પોતાના દેશમાં આવવા નહોતું દેતું, તેણે WHOને આવવાની મંજૂરી કેમ આપી દીધી? આ મિશનને આટલું ખાનગી કેમ રાખવામાં આવી રહ્યું છે? આવો જાણીએ..

ટીમ વુહાન જ કેમ ગઈ છે?
WHO
13 રિસર્ચર્સની ટીમ વુહાન મોકલી છે. જોકે માત્ર 11 જ અહીં પહોંચ્યા છે. બે કોરોના પોઝિટિવ હોવાથી તેમને સિંગાપોરમાં જ અટકાવી દેવાયા. વુહાન પહોંચેલી ટીમ હાલ ક્વોરન્ટીન છે. 14 દિવસ પછી કામગીરી શરૂ કરશે. દુનિયામાં સૌથી પહેલા વુહાનમાં જ કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ જ કારણે WHOએ વુહાનને પસંદ કર્યું છે.

ડિસેમ્બર 2019માં વુહાનના લોકો આ સંક્રમણના સકંજામાં આવ્યા હતા, જેમાંથી મોટા ભાગના લોકોનું કનેક્શન અહીંના મોટા મટન માર્કેટ સાથે હતું. ઝડપથી વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા ચીનની સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને તપાસ માટે ટીમ મોકલી. 23 જાન્યુઆરી 2020ના રોજ અહીં લોકડાઉન લાગી ગયું. માર્ચમાં અહીં કોરોના કાબૂમાં આવ્યો, પણ ત્યાં સુધી ઘણું નુકસાન કરી ચૂક્યું હતું. 76 દિવસ પછી આઠ એપ્રિલે વુહાનમાંથી લોકડાઉન હટાવાયું.

જોકે WHOની ટીમ ચીન પહોંચતાંની સાથે જ ત્યાં મહિના પછી ફરી એકવાર કોરોનાના કેસ વધવાના શરૂ થઈ ગયા છે. એને જોતાં ચીનનાં ઘણાં શહેરોમાં ફરીથી લોકડાઉન લગાવી દેવાયું છે.

વુહાન પહોંચેલી રિસર્ચ ટીમનો એજન્ડા શું છે?
14
દિવસના ક્વોરન્ટીન દરમિયાન આ ટીમ ચીનના એક્સપર્ટ્સ સાથે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કામ કરશે.ક્વોરન્ટીન પિરિયડ સમાપ્ત થયા પછી ટીમ હુનાનના સી-ફૂડ માર્કેટ જઈ શકે છે, જ્યાં ડિસેમ્બર 2019માં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત આ ટીમ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પણ જઈ શકે છે.

સંક્રમણની શરૂઆતમાં જ એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વાઈરસ વુહાનના આ માર્કેટમાં વેચાતા જંગલી જાનવરોમાંથી આવ્યો છે. જોકે ચીને આ દાવાને નકાર્યો છે, પણ રિસર્ચર્સને આશા છે કે જે જગ્યાથી વાઈરસ આટલી ઝડપથી ફેલાયો ત્યાંથી તેમને કંઈક મળી શકે છે.

2003ના SARS સંક્રમણ પછી વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ચામાચીડિયાના જેનેટિક સિક્વન્સનો મોટો સંગ્રહ રાખે છે. આનાથી પણ ટીમને મદદ મળવાની આશા છે.

જે ચીન ઈન્ડિપેન્ડેન્ટ એક્સપર્ટ્સને આવવા નહોતો દેતો, તેણે WHOને મંજૂરી કેમ આપી?
ચીન પહેલાં કોઈપણ બહારની ઈન્ડિપેન્ડેન્ટ તપાસને નકારતો રહ્યો છે. તાજેતરમાં WHOના પ્રમુખે ચીનને પૂછ્યું હતું કે તે ક્યાં સુધી એક્સપર્ટની ટીમને ચીનની મુલાકાત કરવા લાયક જરૂરી વ્યવસ્થા કરી શકે છે. ત્યાર પછી ચીન તેના માટે માની ગયો છે.

જોકે અમેરિકા આખા કોરોનાકાળમાં WHO પર પ્રહાર કરતો રહ્યો છે. અહીં સુધી કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ WHOને ચીનની કઠપૂતળી ગણાવી ચૂક્યા છે. અહીં જ્યાં સુધી WHOની ચીનની મુલાકાત લેવાની વાત ચાલી રહી હતી તો એ દરમિયાન ચીને એવો પ્રચાર કર્યો હતો કે તેમના દેશમાં કોરોના ભારત અથવા કોઈ અન્ય દેશના ફ્રોજેટ ફુડ દ્વારા આવ્યો છે.

આ મુલાકાતને આટલી ખાનગી કેમ રાખવામાં આવી રહી છે?
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી કોઈપણ સૂચના બહાર નથી જવા દેવા માગતી. ચીન સરકારને બીક છે કે કોરોના વાઈરસને કાબૂમાં કરવાના ઘટસ્ફોટ જો સામે આવશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નિંદા તો થશે જ, ઘણા દેશ તેના આર્થિક વળતરની માગ પણ કરી શકે છે.

ચીનના જે વૈજ્ઞાનિકોએ કોરોના ફેલાવાનાં કારણો પર કામ કર્યું એ તમામ પર ચીન નજર રાખી રહ્યો છે. તેમને મીડિયામાં વાત કરવાની મંજૂરી નથી. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા પ્રમાણે, સરકારે પણ રિસર્ચર્સને પોતાના કંટ્રોલમાં રાખ્યા છે. આ સાથે જ કોરોના ફેલાવા સાથે કોઈપણ માહિતી સરકારની મરજી વગર સામે ન આવી શકે. ચીનનું સરકારી મીડિયા સતત એવા પ્રચાર કરી રહ્યું છે કે કોરોના વાઈરસ ક્યાંક બીજેથી ચીનમાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post