• Home
  • News
  • બ્રિટીશ વડાપ્રધાનને અન્ય મંદિરે કેમ લઇ જવાયા નહીં..., અક્ષરધામ મુલાકાત બાદ સનાતની ભડક્યા
post

સુનાકની મુલાકાતને સ્વામી નારાયણ સંપ્રદાયે આવકારી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 18:41:14

દિલ્હીમાં G-20ની બેઠકમાં ભાગ લેવા આવેલાં બ્રિટીશ વડાપ્રધાન રિષિ સુનાકે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. એટલુ જ નહીં,પૂજા-દર્શન કર્યા હતાં. જોકે, વડાપ્રધાન સુનાકની આ મુલાકાત વિવાદનું કારણ બની રહી હતી. તેનુ કારણ એછેકે, સ્વામી નારાયણ સંપ્રદાયે તો સુનાકની મુલાકાતને પણ પ્રચારનુ માધ્યમ બનાવ્યુ છે.  બ્રિટીશ  વડાપ્રધાનની મુલાકાતને આવકાર આપીને ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો સામે છેડે સનાતનીઓ આ વાતને લઇને ભડક્યા છે. સનાતનીઓએ સવાલ કર્યો છેકે, હિન્દુ વડાપ્રધાન સુનાકને અન્ય મંદિરમાં કેમ લઇ  જવાયાં નહી? માત્ર સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરની મુલાકાતે કેમ લઇ જવાયા ? આ સવાલને લઇને સોશિયલ મિડીયામાં કોમેન્ટોનો મારા સાથે જાણે ઘમાસાણ જામ્યુ છે. સુનાકની અક્ષરધામ મુલાકાત બાદ સોશિયલ મિડીયામાં નવી અને જૂની ઓડિયો-વીડિયો ક્લીપ કોમેન્ટ્સમાં મૂકાઇ છે. એમાના સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુસંતોની નિવેદનબાજી સાથેના વિડીયોએ વિવાદની આગ પર જાણે ઘી હોમ્યુ છે. સરકાર સાથે સમાધામ થયા બાદ પણ વિવાદની આગ હજુ સુધી શમવાનુ નામ લેતી નથી. ટૂંકમાં, સ્વામી નારાયણ સંપ્રદાય અને સનાતની ફરી એકવાર સામસામે આવ્યા છે. 

 

સનાતન ધર્મીઓ


વિધર્મી કરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો હિંદુ દેવી-દેવતાનું વધુ અપમાન કરે છે

-પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી

વિધર્મીઓ કરતાં પણ મોટું અપમાન સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ દેવી-દેવતાઓનું કરવામાં આવી રહ્યું છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં હનુમાનજીના મસ્તક પર જે તિલક લગાવવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક તેમના સંપ્રદાયને માનનારા લોકોની ઓળખ હોઇ શકે છે, હનુમાનજી માટે નહીં. આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવામાં નહીં આવે તો તેના મોટા પરિણામ મળી શકે છે. જેના માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જવાબદાર રહેશે. હનુમાનજીના મસ્તક પરથી સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક દૂર થવું જોઇએ. સનાતન ધર્મના સંતોએ જે અવાજ ઉઠાવ્યો છે તે યોગ્ય છે. 

 

ચીલમ પીનારા જ્યારે ચીપીયા લઇને આવશે ત્યારે તમારામાંથી કોઇ શોધ્યા નહીં જડો

-ચૈતન્ય શંભુ  મહારાજ

બે દિવસ પહેલા એક ખતરનાર વિડીયો સામે આવ્યો છે, ચીલમ પીનારા અમને શું સલાહ આપવાના હતા? મારે એ મૂર્ખને કહેવું છે કે, ચીલમ પીનારા જ્યારે ચીપીયા લઇને આવશે ત્યારે શોધ્યા નહીં જડો. આ તાકાત ગોરખપીઠની છે. કોઇની નિંદા ન કરો, તમે તમારું મહિમાગાન કરો. જો તમે સનાતન ધર્મનો આદર કરશો તો અમે તમને સ્વીકારવા તૈયાર છીએ.

 

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ હવે હદ વટાવી રહ્યા છે, બફાટ નહીં સાંખી લેવાય 

-જ્યોતિનાથ મહારાજ 

આચાર્ય દિનેશ પ્રસાદના વાયરલ થયેલા વિડીયો સાથે જ પુરવાર થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય  સનાતન ધર્મના પ્રતિક વાપરવાનું બંધ કરે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહીં લેવામાં આવે.

 

હવે ખોડિયાર માતાજી વિશે સ્વામીનારાયણ સાધુનો બફાટ

 

સાળંગપુરનાં ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ સમ્યો છે ત્યાં હવે કૂળદેવી ખોડિયાર માતાજી વિશે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુએ કરેલા વાણી વિલાસનો વીડિયો વાયરલ થતાં વિરોધનો સુર ઉઠયો છે. આ મુદ્દે વાંકાનેર પાસેનાં માટેલધામ દ્વારા વિરોધ વ્યક્ત કરવા સામે મંગળવારે કલેક્ટરને આવેદન પત્ર આપવાનો નિર્ણય લેવાયો છે.હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મસ્વરૃપદાસની એક વિડિયો ક્લિપ વાઇરલ થઇ રહી છે. (આ વીડિયો ક્લીપ મોરબી મંદિર દ્વારા અખબારોને અને મીડિયાને પહોંચાડવામાં આવી હતી. એ હમણાની છે કે જુની એની કોઇ સ્પષ્ટતા નથી)  જેમાં સ્વામી બ્રહ્મસ્વરૃપદાસ દ્વારા ખોડીયાર માતાજીનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ વિવાદિત વીડિયો ક્લિપમાં સ્વામી બ્રહ્મસ્વરૃપદાસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, 'મહારાજ એ પોતાના ભીના કપડામાંથી નીચોડેલ પાણીથી કુળદેવી ખોડિયાર માતાજીને છાંટા ઊડાડયા તેથી કુળદેવી પણ સત્સંગી બની ગયા હતા અને તેમના સંપ્રદાયના ધર્મનો અંગીકાર કરનાર વ્યક્તિને ખુદ માતાજી પણ પગે લાગે છે.

 

સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે, મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે

-આચાર્ય દિનેશ પ્રસાદ

સ્વામિનારાયણ સંપ્રદાયના સાંભળજો, દેવી-દેવતા કાઢવાના છે આપણે. ભગવાનની આજ્ઞાા છે કે, આ જે કંઇ થાય છે તે લીલા ભગવાનની છે એમ સમજીને ચાલો. દરેક સંપ્રદાયમાં આ વાત પહોંચાડો. હરિભક્તો, તમારા આચાર્યોને આ વાત પહોંચાડજો કે ભગવાન સ્વામિનારાયણ હવે હિંદુ સમાજથી કુરાજી થઇ ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ધ્યાનમાં રાખે કે ભગવાને આજ્ઞાા કરી છે કે આપણે દેવી-દેવતા સાથે કોઇ લેવા-દેવા રાખવાના નથી. આ ભગવાન આપણો આખો ધર્મ અલગથી કરી રહ્યા છે અને તેમની સાથે જોડાવાનું રહેશે. નહીં તો ભવિષ્યમાં સ્વામિનારાયણ મંત્ર કામ કરતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંધ થઇ જશે. ભગવાને કીધું છે કે સનાતનીઓએ હવે આજથી આવવાની જરૃર નથી. સનાતન સિવાય અન્ય કોઇ ધર્મના લોકો મારી પાસે આવો, તમારા બધા રોગ ભગવાન સ્વામિનારાયણ કાઢી આપશે. સનાતન ધર્મના લોકોએ ફરકવાનું નથી. હિન્દુ  દેવી-દેવતાને જે માનતા ન હોય તેવા તમામ ધર્મને હવે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારશે, ભગવાનની આજ્ઞાામાં આવવાનું છે. આજ્ઞાા સિવાયના સંપ્રદાયના સંપ્રદાયો બંધ થવાના છે. 

 

આત્મીયધામના દરવાજે ઉભેલા શંકર ભગવાને કહ્યું કે પ્રબોધ સ્વામીના દર્શન મારા ભાગ્યમાં નથી

-આનંદસાગર સ્વામી

આત્મીય ધામમાં રહીને અભ્યાસ કરતાં કચ્છના વિદ્યાર્થી નિશીતને પ્રબોધ સ્વામીએ રાત્રિના સમયે આજ્ઞાા કરી કે આત્મિય ધામના દરવાજા પાસે જા. નિશીત પ્રબોધસ્વામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો, જ્યાં ભગવાન શંકરના નિશીતે દર્શન કર્યા. નિશીતે ભગવાન શંકરને કહ્યું કે આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને  કહ્યું કે પ્રબોધ સ્વામીના દર્શન મારા ભાગ્યમાં નથી. આમ શંકર ભગવાન કહી નિશીતને શંકર ભગવાન પગે લાગી જતાં રહ્યા હતા.

 

સીતાજીએ કહ્યું, 'લક્ષ્મણ તારી દાનત ખરાબ છે'

-અપૂર્વ મુનિ (બીએપીએસ, રાજકોટ) 

વનવાસ દરમિયાન રામે બચાવો-બચાવો બૂમ મારી તો સીતાએ લક્ષ્મણને કહ્યું કે જાવ તમારા ભાઇ તકલીફમાં છે એમને બચાવવા માટે જાવ. લક્ષ્મણ કહે છે કે મારા ભાઇનું નામ લેવાથી લોકોની તકલીફ મટે છે એટલે મારો ભાઇ તકલીફમાં હોય જ નહીં. એવા સમયે સીતાજીએ અપશબ્દો બોલ્યા છે કે લક્ષ્મણ મને ખબર છે કે તારી દાનત ખરાબ છે, તું ૧૩ વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું. પરંતુ હું મરી જઇશ તો પણ તારી સાથે  તો ક્યારેય લગ્ન નહીં કરું. 

 

અન્ય

રામને બદલે કૃષ્ણનું નામ લેવું જોઇએ

-મુરલી મનોહરદાસ (ઈસ્કોન, સુરેન્દ્રનગરના પ્રવક્તા)

પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ અખંડ હતું. જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જલસ એવી રીતે ખંડિત થઇ ગયું. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે. ભગવાન તો એક જ છે, શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનના અંશ છે અથવા તો ભગવાનના અવતાર છે. હનુમાનજી ભગવાન રામના દાસ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે તમે રામની જગ્યાએ ભગવાન કૃષ્ણનું નામ લો, જે પછી હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઇ શકતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post