• Home
  • News
  • વેક્સિન હાથમાં જ કેમ અપાય છે? નિષ્ણાતની સ્પષ્ટતા
post

ખભા નજીકના સ્નાયુમાં ઇન્જેક્શન આપવાથી એન્ટિબોડીની પ્રક્રિયા ઝડપી અને અસરકારક બને

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 11:19:34

ઇન્ડિયાનાપોલિસ (અમેરિકા)

 કોવિડ-૧૯ની વેક્સિન માટે લાખો લોકોએ બાંયો ચઢાવીછે ત્યારે પ્રશ્ન એ થાય કે, વેક્સિન હાથમાં જ કેમ આપવામાં આવે છે, પગમાં કેમ નહીં? ઇન્ડિયાનાપોલિસની પર્ડ્યુ યુનિવર્સિટીના નર્સિંગના એસોસિએટ પ્રોફેસર લિબી રિચર્ડ્સે વિગતવાર તેનું રહસ્યસમજાવ્યું હતું.

બે બાળકોના માતા રિચર્ડ્સના જણાવ્યા અનુસાર બધી નહીં, પણ મોટા ભાગની વેક્સિન્સ સ્નાયુમાં આપવામાં આવે છે, જે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન તરીકે ઓળખાય છે. રોટાવાઇરસ જેવી કેટલીક વેક્સિન મોં વાટે અપાય છે. જ્યારે ઓરી, અછબડા સહિતની અન્ય કેટલીક વેક્સિન ચામડીની નીચે આપવામાં આવે છે. જોકે, સ્નાયુમાં અને ખાસ કરીને હાથના સ્નાયુમાં વેક્સિન આપવાનું શું કારણ છે અને એ પણ ખભાના સ્નાયુમાં જ કેમ? તેમાં શરીરની જગ્યાનું ખાસ મહત્વ છે?

રિચર્ડ્સ જણાવે છે કે, “હા, જગ્યાનું મહત્વ છે. અહીંના સ્નાયુમાં મહત્વના રોગપ્રતિકારક કોષો (ઇમ્યુન સેલ્સ) હોય છે. આ ઇમ્યુન સેલ્સ એન્ટિજેનને ઓળખી લે છે અને વાઇરસ કે બેક્ટેરિયાનો નાનો અંશ પણ આ જગ્યાથી શરીરમાં દાખલ કરાય તો તરત શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો સામનો કરવા સતર્ક બને છે. કોવિડ-૧૯ની વેક્સિનમાં શરીરમાં એન્ટિજેન દાખલ કરાતા નથી, એન્ટિજેન ઉત્પન્ન કરવા માટેની બ્લૂપ્રિન્ટ દાખલ કરાય છે. સ્નાયુમાં રહેલા ઇમ્યુન સેલ્સ આ એન્ટિજેન્સને ઓળખી લિમ્ફ નોડ્સને તેનાથી માહિતગાર કરે છે. મસલ ટિશ્યુમાં વેક્સિન આપવાથી ઇમ્યુન સેલ્સ અન્ય રોગપ્રતિકારક કોષોને ચેતવણી આપે છે અને તેથી તેમનું કામ શરૂ થાય છે. સ્નાયુના રોગપ્રતિકારક કોષો એન્ટિજેન્સની ઓળખ પછી તેને લિમ્ફ વેસલ્સમાં લઈ જાય છે. તેના દ્વારા એન્ટિજેન સાથેના રોગપ્રતિકારક કોષો લિમ્ફ નોડ્સમાં દાખલ થાય છે. લિમ્ફ નોડ્સ આપણી ઇમ્યુન સિસ્ટમનો મહત્વનો હિસ્સો છે, જેમાં વેક્સિન્સમાં રહેલા એન્ટિજેન્સને ઓળખી શકે એવા ઇમ્યુન સેલ્સ વધુ પ્રમાણમાં હોય છે. તેને લીધે એન્ટિબોડીના નિર્માણની પ્રક્રિયા ઝડપી બને છે.

વેક્સિન ખભા નજીકના જે સ્નાયુમાં આપવામાં આવે છે ત્યાં આવી લિમ્ફ નોડ્સ નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે ઘણી વેક્સિન્સ ડેલ્ટોઇડ (ખભા નજીકના સ્નાયુ)માં અપાય છે. કારણ કે તે લિમ્ફ નોડ્સની નજીક હોય છે.

સ્નાયુમાં અપાયેલી વેક્સિન તેની અસરને એટલા ભાગ પૂરતી જ મર્યાદિત રાખે છે. ડેલ્ટોઇડમાં ઇન્જેક્શન અપાય તો તેની આસપાસના વિસ્તારમાં જ દુખાવો થાય છે અથવા સોજો આવે છે. જો કેટલીક વેક્સિન ફેટ (ચરબી) ટિશ્યૂમાં આપવામાં આવે તો આડઅસરની શક્યતા વધે છે. કારણ કે આવા સ્નાયુમાં રક્તસંચાર ઓછો હોય છે. તેને લીધે વેક્સિનના કેટલાક તત્વો સારી રીતે શોષાતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post