• Home
  • News
  • રૂપિયા 1 લાખ 82 હજાર કરોડનું તગડું ફંડ મેળવીને કોરોના વેક્સિન બનાવી રહેલી વિશ્વની કંપનીઓ તગડો નફો કમાશે કે ખોટ કરશે?
post

રિસર્ચ એજન્સી Airfinity મુજબ, ફાર્મા રિસર્ચ કંપનીઓને જે-તે દેશની સરકાર, ખાનગી રોકાણકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ભારે મોટું ભંડોળ ફાળવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 09:16:11

કોરોના વાઇરસ ઓળખાયો એને હવે એક વર્ષ થયું. એ દરમિયાન કોરોનાની વેક્સિન શોધવા માટે દરેક દેશની સરકાર, ખાનગી રોકાણકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ અગ્રણી ફાર્મા રિસર્ચ કંપનીઓને છૂટા હાથે નાણાં ફાળવ્યાં, જેને લીધે આજે દુનિયાભરમાં આશરે 30 જેટલી વેક્સિન તૈયાર થઈ રહી છે. એ પૈકી ફાઈઝર, મોડર્ના, કોવિશીલ્ડ, સ્પુતનિક જેવી વેક્સિન તૈયાર છે, અમેરિકા જેવા દેશોમાં અપાવાની શરૂ થઈ ચૂકી છે, તો કેટલીક વેક્સિનની નિર્માણપ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે.

સાયન્ટિફિક રિસર્ચક્ષેત્રે ડેટા એનાલિસિસ કરતી વૈશ્વિક એજન્સીઓના અંદાજ મુજબ, કોરોના વેક્સિન ડેવલપ કરવા માટે 18.45 બિલિયન પાઉન્ડ એટલે કે આશરે રુ. 1 લાખ 82 હજાર કરોડનું તગડું ફંડ ફાળવવામાં આવ્યું છે.

આટલું ફંડ હોય અને દુનિયાભરની દરેક વ્યક્તિ માટે કોરોના વેક્સિન જરૂરી ગણાતી હોય ત્યારે નિર્માતા કંપનીઓ કેટલોક નફો કમાઈ શકે, એ સવાલ થવો સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે ઉત્પાદક કંપનીઓ આટલા તગડા રોકાણ અને મહિનાઓની આટલી આકરી મહેનત પછી તગડો નફો કમાશે કે ખોટ કરશે?

કેવી રીતે આટલું ગંજાવર ભંડોળ એકઠું થયું?
કોરોના એ વૈશ્વિક મહામારી હોવાથી દુનિયાભરમાં કોરોનાના મારણની આવશ્યકતા હતી અને એ શક્ય તેટલું ઝડપે મળે એ પણ એટલું જ જરૂરી હતું, આથી ફાર્મા રિસર્ચ કંપનીઓને દરેક દિશાએથી ફંડ મળવું સુલભ હતું. ડેટા રિસર્ચ એજન્સી Airfinityએ વેક્સિન માટે ફાળવાયેલા ફંડને ચાર તબક્કામાં તારવ્યું છે.
1. 
ફાર્મા કંપનીએ ઊભું કરેલ ફંડ
2. 
વિવિધ દેશોની સરકારે રિસર્ચ માટે ફાળવેલું ફંડ
3. 
ખાનગી રોકાણકારોએ તગડા નફાની અપેક્ષાએ આપેલું ફંડ
4. 
માનવહિતમાં કામ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલું ફંડ, જે તેઓ વેક્સિન બન્યા પછી ગરીબ દેશોને ફ્રી વેક્સિન સ્વરૂપે આપશે.

કુલ 18.45 બિલિયન પાઉન્ડ એટલે કે આશરે રુ. 1 લાખ 82 હજાર કરોડનું ફંડ હાલ વિવિધ 30 જેટલી વેક્સિનના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વપરાઈ રહ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને અલીબાબાના જેક માએ પણ ભારે મોટી રકમ ફાળવી છે. જ્યારે સરકારની કેટેગરીમાં અમેરિકન ગવર્નમેન્ટનું ફંડ સૌથી વધુ છે.

આટલા રોકાણ સામે વેક્સિનની કિંમત કેટલી?

·         કોરોના એ માનવજાતે કદી ન જોઈ હોય એવી વૈશ્વિક મહામારી છે, એટલે તેમાંથી નફો રળવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જ મોટા ભાગની વેક્સિન નિર્માતા કંપનીઓ ટાળી રહી છે. આમ છતાં વેક્સિનની જરૂરિયાત જોતાં નજીવો માર્જિન રાખીને પણ કંપનીઓ તગડો નફો મેળવે એ તો નક્કી છે.

·         વેક્સિન નિર્માણમાં હાલ જે કંપનીઓ મોખરે છે એ પૈકી સૌથી મોંઘી વેક્સિન મોડર્નાની છે, જેનો ભાવ એક ડોઝદીઠ રુ. 1840થી 2730 વચ્ચે રહેવાની ધારણા છે. મોડર્ના RNA બેઝ્ડ વેક્સિનમાં કામ કરતી અગ્રણી કંપની છે અને આ વેક્સિનની જાળવણી બહુ જ ઓછા તાપમાને કરવી પડતી હોવાથી એની કિંમત વધુ છે.

·         ઓછામાં ઓછી કિંમત કોવિશીલ્ડની છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી બનેલી આ વેક્સિન આરંભે નો પ્રોફિટ-નો લોસના આધાર પર જ વેચાશે એવો બંને વચ્ચે કરાર થયેલો છે. એ મુજબ કોવિશીલ્ડની કિંમત હાલ એક ડોઝદીઠ રુ. 300થી 600 મુજબની રહેશે.

·         દરેક દેશને મળનારી વેક્સિનની કિંમત જે-તે દેશના કરવેરાના માળખા તેમજ અપાતી રાહત મુજબ અલગ અલગ રહેવાની છે.

·         બીજોય એક મુદ્દો વેક્સિનના ભાવ નક્કી કરવામાં ભાગ ભજવે છે. કોવિશીલ્ડ સહિતની લગભગ દરેક વેક્સિને હાલ મહામારી છે ત્યાં સુધી જ ન્યૂનતમ ભાવની ખાતરી આપી છે. અર્થાત્ કોરોના સંક્રમણ કાબૂમાં આવતું જાય પછી વેક્સિનની કિંમતમાં વધારો થાય એ નક્કી જ છે. બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે વેક્સિન નિર્માતાઓ ઓછા નફે બહોળો વેપાર કરશે અને પછી વેપાર ઘટશે ત્યારે માર્જિન વધારશે.

તો શું વેક્સિન નિર્માતાઓ ભારે તગડો નફો કમાશે?
આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ વિશે ભારોભાર અનિશ્ચતતા પ્રવર્તે છે અને એ વિશે વૈશ્વિક નિષ્ણાતો દ્વારા રજૂ થઈ રહેલાં કારણો, તર્કો પણ રસપ્રદ છે.
1. 
એક તર્ક એવો છે કે હાલ વૈશ્વિક મહામારી હોવાથી નિર્માતા કંપનીઓ ડોઝદીઠ ભાવ ઊંચો રાખી શકે તેમ નથી. મોટા ભાગની કંપનીઓને પડતર કિંમતની આસપાસનો જ ભાવ રાખવાની ફરજ પડી રહી છે.
2. 
કંપનીઓ હાલ નફાખોરી કરી શકે તેમ ન હોવાનું મુખ્ય કારણ એ છે કે તેમને ફાળવાયેલા ફંડનો મોટો હિસ્સો જે-તે દેશની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મળેલો છે, જે માનવહિતમાં રસી આપવાનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે.
3. 
કોરોના સંક્રમણ કાબૂમાં આવે ત્યારે કંપનીઓ વેક્સિન ડોઝના ભાવ વધારી શકે, પરંતુ તેની સામે બીજો તર્ક એવો મૂકવામાં આવે છે કે એક વર્ષ પછી તો ઓછામાં ઓછી 30 અને મહત્તમ 50 પ્રકારની વેક્સિન આવી ચૂકી હશે. એક વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં વેક્સિન અપાઈ પણ ચૂકી હશે. એ પછી ઓછા વેપારમાં વધુ હરીફાઈનો મામલો ઊભો થશે. ત્યારે પોતાની વેક્સિનની ખપત વધારવા કંપનીઓ પર પ્રાઈઝ ઘટાડવાનું દબાણ હશે.
4. 
સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કઈ વેક્સિન કેટલી અસરકારક રહેશે અને લેનારના શરીરમાં ક્યાં સુધી અસરકારક રહેશે એ હાલ તદ્દન અનિશ્ચિત છે અર્થાત્ એકવાર વેક્સિન લીધેલી વ્યક્તિને બીજી વાર વેક્સિન લેવી પડશે કે કેમ એ પણ હજુ સ્પષ્ટ નથી.
5. 
કોરોના વાઇરસ પોતાના સ્ટ્રેન (સ્વરૂપ અને ઘાતકતા) સતત બદલી રહ્યો છે. એ સંજોગોમાં કેટલીક વેક્સિનની અસરકારકતા સામે અત્યારથી જ પ્રશ્નાર્થ મુકાઈ રહ્યો છે. વાઇરસનો સ્ટ્રેન બદલવો એનો વૈજ્ઞાનિક અર્થ એવો થયો કે વાઇરસે પોતાના RNA બદલી નાખ્યા. તો એ સંજોગોમાં RNA બેઝ્ડ રસી કેટલી કારગત નીવડશે? DNA પ્લાઝ્મિડ બેઝ્ડ વેક્સિન વાઇરસના બદલાતા સ્વરૂપનું મારણ બનશે ખરી? આ સવાલો સામે દાવાઓ અનેક છે, પણ નક્કર પરિણામ હજુ જોવાનું બાકી છે.
6. 
કઈ કંપની કેટલું કમાશે એ હાલ સ્પષ્ટ ન થતું હોય તોપણ એવું જરૂર કહી શકાય કે દરેક ઉત્પાદક કંપની રોકાણ અને મહેનતનું નોંધપાત્ર વળતર તો મેળવશે જ.

ભૂતકાળમાં શું થયું હતું?

·         વિશ્વભરનાં ફાર્મા રિસર્ચ ક્ષેત્રમાં વેક્સિન નિર્માણની પ્રક્રિયાને બહુ નફાકારક માનવામાં આવતી નથી. તેનું પહેલું કારણ એ છે કે વેક્સિન માટેની સંશોધન, પરીક્ષણ વગેરે પ્રક્રિયા ખૂબ લાંબો સમય માગી લે છે.

·         નિર્માતા કંપનીઓ પર વૈશ્વિક સાખને ધ્યાનમાં રાખીને ગરીબ કે વિકાસશીલ દેશોમાં વેક્સિનની કિંમત કિફાયતી રાખવાનું દબાણ હોય છે.

·         મોટા ભાગની વેક્સિન સિંગલ યુઝ હોય એવા સંજોગોમાં એક વાર લીધા પછી વ્યક્તિને બીજી વાર એની જરૂર પડતી નથી.

·         આથી જ ફાર્મા કંપનીઓ વેક્સિનને બદલે જેની નિયમિત અને એકધારી ખપત થવાની હોય એવી દવાઓ પર વધુ ફોકસ કરતી હોય છે.

·         કોરોના માટે પણ વેક્સિન નિર્માણની સરખામણીએ દવા શોધવાના પ્રયાસો વધુ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post