• Home
  • News
  • નવા સંગઠનની સાથે મંત્રીમંડળમાં પણ ફેરફારની શક્યતા, 'બીમાર' મંત્રીઓને આરામ આપવામાં આવી શકે છે
post

ફરી એકવાર ગુજરાતને 'મોડેલ સ્ટેટ' બનાવવા પાટીલ એક્ટિવ, 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની નવરચના થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 12:19:01

ભાજપની રાષ્ટ્રીય ટીમ જાહેર થયા બાદ હવે ગુજરાત ભાજપની સી. આર.ની ટીમ પણ ટૂંક સમયમાં જાહેર થશે, જે ટીમ 2022ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળમાં પણ ફેરફાર આવી શકે છે, જેમાં બીમાર મંત્રીઓને આરામ આપવામાં આવી શકે છે, આમ, આગામી દિવસોમાં ગુજરાત ભાજપના નવા સંગઠનની સાથે મંત્રીમંડળમાં ફેરફાર આવશે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક મેળવવાનું લક્ષ્ય
ગુજરાત ભાજપના નવા સંગઠનમાં પણ યુવાઓ અને અનુભવીઓને જ સ્થાન મળે તેમ છે, આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક મેળવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા ભાજપપ્રમુખ પાટીલ પણ એ રીતે જ પોતાની નવી ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

મંત્રીઓ બીમાર હોવાથી પોતાના મતવિસ્તારમાં પૂરતો સમય આપી શકતા નથી
તો બીજી બાજુ 2017ની ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળ્યા બાદ 2022માં ભાજપને વધુ પછડાટ ના મળે એ માટે અને ગુજરાતની ભાજપ સરકારના મંત્રીઓની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું, જેમાં મોટા ભાગના મંત્રીઓ બીમાર હોવાથી પોતાના મતવિસ્તાર કે પ્રભારી જિલ્લામાં પૂરતો સમય આપી શકતા નથી, જેથી આવા મંત્રીઓ પ્રજા સાથે સીધો સંપર્ક કરી શકતા નથી. એટલું જ નહીં, ભાજપની વર્ષોથી કામગીરી રહી છે કે મંત્રીઓ અને ધારાસભ્યોએ અઠવાડિયામાં બે દિવસ પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લામાં પ્રવાસ કરવો, પણ હાલ મોટા ભાગના બીમાર મંત્રીઓ જે-તે પ્રભારી જિલ્લા કે મતવિસ્તારમાં માત્ર કાર્યક્રમો માટે જ આંટો મારવા જતા હોય એવું લાગી રહ્યું હતું, જેને કારણે આવા મંત્રીઓનો પ્રજા સાથેનો સંપર્ક તૂટી જતાં પ્રજાની સાથે ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં પણ કચવાટ ઊભો થયો હતો. પરિણામે, 2022ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ દોડી શકે, પ્રવાસ કરી શકે તેવા મંત્રીઓને સ્થાન આપવા મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.

પાટીલની નવી સંગઠન ટીમ બનાવવા માટેની તૈયારીઓ શરૂ
જ્યારે ભાજપ પક્ષની વાત કરીએ તો પાટીલની નવી સંગઠન ટીમ બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રદેશમાં હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ ચાલી રહ્યું છે, પરંતુ સી. આર. પાટીલની ટીમમાં નવા કરતાં જૂનાને વધુ પ્રાધાન્ય આપવાની સાથે તેની કામગીરી અને પક્ષ સાથેની વફાદારી હશે, એને સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે.

આગામી અઠવાડિયામાં જ ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે
2014
માં નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ ગુજરાત ભાજપમાં અનેક જૂથવાદની સાથે જિલ્લા-તાલુકા પંચાયતથી માંડીને વિધાનસભામાં ભાજપની સત્તા સરકવા લાગી હતી. જેથી ભાજપ હાઈ કમાન્ડે પક્ષના સિનિયર એવા પાટીલને પક્ષપ્રમુખ બનાવી ગુજરાતને ફરી એકવાર 2014 પહેલાંનું મોડેલ સ્ટેટ બનાવવા છૂટોદોર આપીને પ્રમુખપદ આપવામાં આવ્યું છે. આગામી અઠવાડિયામાં જ ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે. હાલના માળખામાંથી મોટા ભાગના નેતાઓને પડતા મુકાશે, પક્ષમાં હાલ જે હોદ્દા છે તેમાં 5 મહામંત્રી, 8 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષ મુખ્ય છે, જેમાં મહામંત્રીના મહત્ત્વના હોદ્દા પર જૂના આગેવાનોને જ સ્થાન મળી શકે છે

 

adv

Related News

post
post
post
post
post
post
post