• Home
  • News
  • જિયો 44000 કરોડમાં બન્યું ફેસબુક ફ્રેન્ડ, ફેસબુક રિલાયન્સ જિયોનો 9.99% હિસ્સો ખરીદશે
post

આ ડિલ પછી જિયોનું વેલ્યુએશન 4.62 લાખ કરોડ રૂપિયા થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:49:11

નવી દિલ્હી: લૉકડાઉન વચ્ચે રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે બુધવારે મોટી ડીલ થઇ. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી. હવે જિયોમાર્ટ અને વોટ્સએપ પ્લેટફોર્મ મળી ઇ-રિટેલિંગ શોપિંગ કરશે. દેશભરના 3 કરોડ કરિયાણાવાળાને વોટ્સએપ દ્વ્રારા ઓનલાઇન વેપારમાં જોડવામાં આવશે. મુકેશ અંબાણી-ઝુકરબર્ગની જોડી ભારતમાં જામી ગયેલી એમેઝોન અને વોલમાર્ટને પડકાર આપશે. જિયો-ફેસબુકની આ ડીલ ભારતમાં ટેક્નોલોજી સેક્ટરનું આ સૌથી મોટું એફડીઆઇ છે.

જિયોમાં 15,000 કરોડ રહેશે, બાકીથી રિલાયન્સ દેવું ચૂકવશે
ફેસબુક હવે રિલાયન્સમાં સૌથી મોટી માઇનોરિટી શેરહોલ્ડર બની ગઇ છે. સાથે જિયો પ્લેટફોર્મની વેલ્યુ 4.62 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઇશા કંપનીના બોર્ડમાં હશે. ફેસબુકથી મળનારી રકમથી 15,000 કરોડ રૂપિયા જિયોમાં લાગશે અને બાકીની રકમથી રિલાયન્સ અમુક દેવું ચૂકવશે. રિલાયન્સ પર 40 હજાર કરોડનું દેવું છે.

જિયોના 38 કરોડ, વોટ્સએપના 40 કરોડ યુઝર્સ
ભારતમાં વોટ્સએપના 40 કરોડ અને જિયોના આશરે 38 કરોડ યુઝર્સ છે. જ્યારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મળી ફેસબુકની પાસે ભારતમાં કોઇ પણ દેશ કરતાં વધુ યુઝર્સ છે. 2022 સુધી દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 85 કરોડ થવાનું અનુમાન છે, જ્યારે 2017માં તે 45 કરોડ હતી. 

હવે વોટ્સએપ-પેને પણ મંજૂરીની આશા
દેશભરમાં 6600થી વધુ શહેરોમાં રિલાયન્સના 10,415 સ્ટોર છે. આ ડીલ બાદ વોટ્સએપ-પેને પણ મંજૂરીની આશા છે. ભારતમાં 10 લાખ લોકો પર તેની ટ્રાયલ સફળ રહી હતી. જોકે ડેટા અંગેના કાયદાનું પાલન નહીં કરાતા તેના લોન્ચિંગમાં વિલંબ થયો છે પણ સ્થાનિક પાર્ટનર મળી જતા તેમાં તેને કેટલીક શરતોમાં રાહત મળી શકે છે.

નજીકની દુકાનમાં ઓર્ડર, ઝડપી ડિલિવરી
 
દેશભરના 3 કરોડ નાના દુકાનદારોને નજીકના જ ગ્રાહકો સાથે જોડીશું, લેવડ-દેવડ ડિજિટલ થશે. તમે નજીકની દુકાને સામાન ઓર્ડર કરી ઝડપથી ડિલિવરી મેળવી શકશો. નાના દુકાનદારોનો ધંધો વધશે. ડિજિટલ ટેક્નોલોજીથી નવા રોજગાર સર્જાશે. - મુકેશ અંબાણી, રિલાયન્સ

નાના વેપારીઓને ડિજિટલ ટૂલ્સની જરૂર
લાખો ભારતીયો અને નાના વેપારીઓને ઓનલાઇન કરવામાં જિયોની ભૂમિકા મહત્ત્વની છે. ભારતમાં 6 કરોડથી વધુ નાના સાહસો છે. જેના પર કરોડો લોકો આશ્રિત છે. આવા સાહસિકોને ડિજિટલ ટૂલ્સની જરૂર છે, જેથી તેઓ પોતાના ગ્રાહકોના સંપર્કથી ધંધો વધારી શકે. - માર્ક ઝુકરબર્ગ, ફેસબુક

ભારે દેવામાંથી રિલાયન્સને મુક્ત કરવાનો પ્લાન
જ્યારે દુનિયા ભયાનક મંદીમાં ફસાયેલી નજરે પડી રહી છે એવા સમયે ફેસબુક-રિલાયન્સ વચ્ચે આ ડિલ શું સંકેત આપી રહ્યું છે? હકીકતમાં જિયોની 9.99 ટકા હિસ્સેદારી વેચવી એ રિલાયન્સની એ પ્લાનિંગનો હિસ્સો છે કે જેમાં માર્ચ 2021 સુધીમાં તેઓ પોતાની કંપનીને દેવામુક્ત કરવા માગે છે. 2010માં રિલાયન્સે 3.5 લાખ કરોડ રૂપિયા રોકીને જિયો ઊભી કરી હતી. આ ઉપરાંત 1 લાખ કરોડ પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રે પણ રોક્યા હતા. આ રીતે કુલ 5.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ આ મોટા રોકાણને પગલે છેલ્લા એક દાયકામાં રિલાયન્સનું દેવું છ ગણું વધીને 3.06 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. ડિસેમ્બર 2019 સુધી રિલાયન્સ પાસે 1.53 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. તેને બાદ કરીએ તો કંપની પરનું દેવું લગભગ 1.53 લાખ કરોડ રૂપિયા થવા જાય છે. મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે માર્ચ 2021 સુધીમાં કંપની પરનું દેવું શૂન્ય થઈ જાય. જો કે નિષ્ણાતો માને છે કે કેપિટલ ગેઇન્સ અને ઇન્કમટેક્સ પછી રિલાયન્સને આ સોદા દ્વારા લગભગ 38 હજાર કરોડ રૂપિયા મળશે. રિલાયન્સને દેવા મુક્ત કરવાની આ યોજના સાથે રિલાયન્સે તેના તેલ અને ગેસ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો સાઉદી અરબની કંપની અરામ્કોને 1.1 લાખ કરોડ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું. જો કે કોરોના સંકટ અને ક્રૂડ ઓઈલમાં ઘટાડાને પગલે આ સોદાના અમલમાં હવે વિલંબ થઈ શકે છે.

ઓક્ટોબરમાં રિલાયન્સે નવી સબસિડીયર બનાવી
ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજીટલ ઈનીશિએટિવ અને એપ્સને સિંગલ એન્ટિટિ અંતર્ગત લાવવા માટે નવી સબસિડીયર બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે 1.08 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ વગેરેને આ નવી કંપની અંતર્ગત લાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રક્ચર પણ સિમ્પલ બનાવાવમાં આવ્યું છે. 18 માર્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ જિયોનું અમુક દેવુ તેમના માથે લઈ લીધુ છે. જોકે નુકસાનની આ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

દેશની સૌથી મોટી કંપની છે રિલાયન્સ જિયો
ગ્રાહકોની દ્રષ્ટીએ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ટ્રાઈના નવા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2019 સુધી રિલાયન્સ જિયો પાસે 37 કરોડ ગ્રાહક હતા. જ્યારે 33.2 કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન- આઈડિયા બીજા નંબરની ટેલિકોમ કંપની હતી. ડિસેમ્બર 2019માં 32.72 કરોડ ગ્રાહકો સાથે ભારતી એરટેલ ત્રીજા નંબરની સૌથી મોટી કંપની હતી. ટ્રાઈના નિયમ પ્રમાણે આ મહિનામાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પાસે 11.8 કરોડ અને એમટીએનએલ પાસે 33.76 લાખ ગ્રાહકો હતા.

ફેસબુકનું 2020 સુધી 34 કરોડ એક્ટિવ યુઝર્સનું લક્ષ્ય
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે ભારતમાં 2020 સુધી 34 કરોડ માસિક એક્ટિવ યુઝર્સ બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. સ્ટેટિસ્ટા ડોટ કોમ પ્રમાણે 2018માં ફેસબુક પાસે 28 કરોડથી વધારે માસિક એક્ટિવ યુઝર્સ હતા. ફેસબુકનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે અને તે ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, વોચ, પોર્ટલ, ઓક્યૂલસ, કેલીબરા જેવા પ્લેટફર્મનું પણ સંચાલન કરે છે. 2019માં ફેબસુકની કુલ મિલકત 70.697 બિલિયન ડોલર હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post