• Home
  • News
  • ગુજરાતમાં ત્રણ વર્ષમાં રાજ્યસભાની બેઠકો જીતવા 15 જેટલા ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું, પ્રજાના માથે પેટાચૂંટણી નાખી, કરોડોનો ખર્ચ થયો
post

લોકચુકાદો મેળવ્યા બાદ અધવચ્ચે રાજીનામું આપી પક્ષપલટો કરવાની રાજકારણીઓની ફેશન બની

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 09:28:38

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રકારે રાજ્યસભાની બેઠકો જીતવા માટે જ અંદાજે 15 ધારાસભ્યોનું પક્ષાંતર થયું છે, જેને કારણે પ્રજાના માથે પેટાચૂંટણી આવી પડે છે અને પ્રજાના જ પૈસે ફરી એકવાર રાજકીય પક્ષો ચૂંટણીખર્ચનું ભારણ વધારી રહ્યા છે તથા પેટાચૂંટણીના લોકચુકાદાનો કોઈ અર્થ રહેતો જ નથી. ધીમે ધીમે એ સાબિત થવા લાગ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કયારે તેના મતદારોનો દ્રોહ કરશે એ નિશ્ચિત નથી અને તેમ છતાં તે મતદાર સમક્ષ જવાની હિંમત પણ દર્શાવે છે.

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણીના કારણે દર વર્ષે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષ 2017માં યોજાઈ હતી. એ પછી જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતાં માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી.

જવાહર ચાવડાના પક્ષપલટાથી 2019 લોકસભાની સાથે 4 સીટની પેટાચૂંટણી
ફેબ્રુઆરીમાં ઊંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતાં લોકસભાની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. જોકે જામનગર (ગ્રામ્ય) બેઠક પર ભાજપે વલ્લભ ધારવિયાને ટિકિટ આપી નહોતી. તેમના બદલે રાઘવજી પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, જેમાં રાઘવજી પટેલનો વિજય થયો હતો.

અલ્પેશ ઠાકોર-ધવલસિંહના પક્ષપલટાથી ઓક્ટોબર 2019માં પેટાચૂંટણી
જુલાઈ 2019માં ગુજરાતની રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપી દીધું હતું. પરિણામે, કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતની વિધાનસભા બેઠકમાંથી રાધનપુર અને બાયડ બેઠક પર ઓક્ટોબર 2019માં પેટાચૂંટણી યોજી હતી. જોકે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલા 11માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી, એમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા, જેમાં વિરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યોની હાર થઈ હતી.

નવેમ્બરમાં 8 બેઠકની ચૂંટણી
નવેમ્બરમાં 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઇ રહી છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ,જે.વી. કાકડિયા,પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામાં આપ્યાં હતાં. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં. આમ, બે તબક્કામાં 8 બેઠક ખાલી પડી હતી. આ 8 બેઠકમાંથી પાંચ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુઓને ટિકિટ આપવામાં આવી છે, જેમાં અબડાસામાં પ્રદ્યુમન સિંહ, ધારીમાં જે.વી.કાકડિયા, મોરબીમાં બ્રિજેશ મેરજા, કરજણમાં અક્ષય પટેલ અને કપરાડામાં જિતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

પેટાચૂંટણીમાં જનતાના કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે
પેટાચૂંટણીનો આ ખર્ચો શા માટે જનતાનાં નાણાંથી કરવામાં આવે એ પ્રશ્ન પણ ઊઠે છે. ગુજરાતમાં અત્યારસુધીમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા વહીવટી તંત્રના ખર્ચાયા હશે. શાસક પક્ષ કે પછી વિપક્ષ જે કોઈ હોય, એ પ્રજાનાં નાણાંના ટ્રસ્ટી છે અને તેમને એક એક પૈસાનો હિસાબ આપવાનો હોય છે પણ હવે સરકારો તેના ઓડિટર કેગના રિપોર્ટનો પણ જવાબ આપતી નથી તો પછી પ્રજા કઈ રીતે જવાબની અપેક્ષા રાખી શકે? અને એનાથી જ રાજકીય પક્ષો માટે વધુ ને વધુ સાનુકૂળ સ્થિતિ બની ગઈ છે. લાંબા સમયથી ધારાસભ્યો રાતોરાત પક્ષાંતર કરે છે, જેના કારણે સતત અસ્થિરતાથી રાજ્યના લોકોને સહન કરવું પડે છે.

પ્રજાએ પક્ષાંતર પર બ્રેક લાગે એવા ચુકાદા આપવા પડે
પ્રશ્ન એ છે કે આ સ્થિતિનો ક્યારે અંત આવશે. જવાબ જનતા પાસે છે કે જેણે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાના છે અને બીજો જવાબ આપણી સંસદ અને ધારાસભામાં બેસતા પ્રતિનિધિઓ પર છે અને કદાચ છેલ્લે સુપ્રીમ કોર્ટ પર આશા રાખી શકીએ. વાસ્તવમાં પેટાચૂંટણીમાં જો પ્રજા જ પક્ષાંતરને બ્રેક લાગે તેવા ચુકાદા આપવા માંડે તો ભવિષ્યમાં કોઈપણ ચૂંટાયેલો પ્રતિનિધિ પક્ષાંતર કરવાની હિંમત કરશે નહિ કે તેને ખડેડવા માટે પણ રાજકીય પક્ષો ખોટાં નાણા નહીં બગાડે.

 

adv

Related News

post
post
post
post
post
post
post