• Home
  • News
  • પાયલટની સાથે 15 ધારસભ્યો, શું રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશની કહાનીનું પુનરાવર્તન થશે ?
post

રાજસ્થાનમાં કોંગ્રેસની પાસે 107 ધારસભ્યોનું સમર્થન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:46:07

જયપુર: રાજ્યસભા ચૂંટણી પછી સુરક્ષિત દેખાઈ રહેલી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પોતાની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યોની ખરીદી માટે કોંગ્રેસના ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ઘટના પછી તરત જ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે નારાજગી વ્યકતી કરી હતી અને તેઓ તેમને સમર્થન આપતા ધારાસભ્યોની સાથે સોનિયા ગાંધીને મળ્યા હોવાના સમાચાર છે. 

આ તમામ સમીકરણોને જોતા ગેહલોત સરકાર પર ખતરો હોવાનું દેખાઈ રહ્યું છે. હાલ એ મુદ્દા પર ભારે ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસના અસંતૃષ્ટ ગ્રુપની સાથે મળીને ભાજપ મધ્યપ્રદેશ અને કર્ણાટકની કહાનીનું રાજસ્થાનમાં ફરીથી પુનરાવર્તન કરશે

યુવા ચેહરાઓને ચૂંટણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે યુવા ચેહેરાઓ એટલે કે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય અને રાજસ્થાનમાં સચિન પાયલટને આગળ કર્યા હતા. જોકે કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી બંને યુવા નેતાઓની ઉપેક્ષા અને નારાજગીના જ સામાચારો આવ્યા છે.

સિંધિયાને મુખ્યમંત્રી કે રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષનું પદ મળ્યું નથી. રાજસ્થાનમાં પાયલટને નાયબ મુખ્યમંત્રી તો બનાવવામાં આવ્યા પરંતુ મોટાભાગે ગેહલોત સાથેના તેમના અણબનાવના પ્રસંગો સમાચારામાં આવતા રહે છે.

બંને યુવા નેતાઓની વચ્ચે છે સારી દોસ્તી
જ્યોતિરાદિત્ય અને સચિન પાયલટ સારા મિત્ર છે. આ વર્ષે જ્યારે માર્ચમાં જ્યોતિરાદિત્યએ ભાજપમાં સામેલ થઈને બધાને ચોકાવી નાંખ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયામાં અચાનક જ સચિન પાયલટ ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

રાજકીય જાણકારોનું કહેવું છે કે જો ગેહલોત સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈક થાય છે, તો તેમાં જ્યોતિરાદિત્યની ભૂમિકાનો ઈન્કાર ન કરી શકાય. કારણ કે જે સ્થિતિ કમલનાથ સરકારમાં જ્યોતિરાદિત્યની હતી. એવી જ સ્થિતિ ગેહલોત સરકારમાં સચિન પાયલટની છે. વારંવાર તેમના મુખ્યમંત્રી સાથેના અણબનાવના સમાચારો આવતા રહે છે.

હાલ આંકડાઓનું ગણિત શું કહે છે 
રાજસ્થાનમાં કોંગ્રેસની પાસે 107 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય સરકારને 13 અપક્ષ અને એક રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યનું  સમર્થન છે. ગહલોત સરકારની પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. 

200 ધારાસભ્યોવાળી વિધાનસભામાં હાલ કોંગ્રેસની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. ભાજપની પાસે હાલ 72 ધારાસભ્યો છે અને તેને બહુમતી માટે ઓછામાં ઓછા 29 ધારાસભ્યો જોઈએ.

માત્ર અપક્ષોથી વાત બનશે નહિ
કદાચ 13 ધારસભ્યો જે ગહલોત સરકારની સાથે છે તે તૂટીને ભાજપની સાથે આવી જાય તો પણ આંકડો 85 સુધી ન પહોંચી શકે. અન્ય એક-બે ધારાસભ્યોને પોતાની તરફ લઈ જાય તો પણ 101ની બહુમતી સાબિત કરવા માટે ભાજપને ઘણું અંતર કાપવાનું બાકી રહે. કોંગ્રેસની પાસે પોતાના દમ પર બહુમતી છે. અપક્ષો કદાચ અલગ થઈ જાય તો પણ તેની પર તાત્કાલિક કોઈ અસર દેખાશે નહિ.

ભાજપને બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે કોંગ્રેસમાં તિરાડ પડે એ જરૂરી છે. કોંગ્રેસની પાસે 101 ધારાસભ્યો છે અને પાર્ટીમાં તિરાડ માટે બે તૃતીયાંશ ધારાસભ્યો જોઈએ. એટલે કે કાયદાકીય રીતે કોંગ્રેસમાં તિરાડ પાડવા 71 ધારાસભ્યો જોઈએ, જે શકય નથી. કોંગ્રેસના અસંતુષ્ટોના ગ્રુપમાં એટલા ધારાસભ્યો નથી.

શું હોઈ શકે છે ગેહલોત સરકારને પાડવાનો ગેમ પ્લાન
તો પછી સંખ્યાની રીતે મજબૂત દેખાતી ગેહલોત સરકાર કઈ રીતે પડી શકે છે ? કોંગ્રેસના બે તૃતીયાંશ ધારાસભ્યો તૂટે એ વાત શકય નથી. આ સિવાય અપક્ષોના સમર્થનથી પણ આ વાત શકય બનશે નહિ. તેમ છતા પણ જો ગેહલોત સરકારને પાડવી જ હોય તો મધ્યપ્રદેશેમાં જે સ્ટ્રેટેજી વપરાઈ હતી, તેનો જ ઉપયોગ કરવો પડે.

24 ધારાસભ્યો સચિન પાયલટના સમર્થનમાં 
જો મધ્યપ્રદેશની જેમ જ કેેટલાક કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપે છે અને જો અપક્ષો પણ કોંગ્રેસની જગ્યાએ ભાજપનું સમર્થન કરે તો ગેહલોત સરકાર લધુમતીમાં આવી શકે છે. એવી ચર્ચા છે કે સચિન પાયલટના સમર્થનમાં 24 ધારાસભ્યો છે. તેમાંથી કેટલાક ગુડગાંવ-માનેસર હોટલમાં છે. ધારો કે એવું થાય કે સચિન પાયલટની નારાજગી દૂર થતી નથી અને તેમના સમર્થક તમામ 24 ધારાસભ્યો રાજીનામું આપે છે. તો આવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 83 જ રહેશે. 

આવા સજોગોમાં પણ કોંગ્રેસનું સમર્થન કરી રહેલા અપક્ષ ધારાસભ્યો જો ગેહલોતની સાથે જ રહે છે તો પણ કોંગ્રેસની સરકાર બચી શકે છે. જોકે અપક્ષ ધારાસભ્યો સામાન્ય રીતે એવા પક્ષને જ સમર્થન કરે છે, જેમની સરકાર બનતી દેખાઈ રહી હોય. એવામાં જો અપક્ષો ટેકો પાછો ખેંચે તો કોંગ્રેસ સરકાર વિધાનસભામાં બહુમતી ગુમાવશે. 

આ રીતે બની શકે છે ભાજપની સરકાર
જો કોંગ્રેસના 24 ધારાસભ્યો રાજીનામું આપે છે તો વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 176 જ રહેશે અને બહુમતી સાબિત કરવાનો આંકડો 101થી ઘટીને 89 થઈ જશે. ભાજપની પાસે હાલ 72 ધારાસભ્યો છે. જો તેને 13 અપક્ષોનું પણ સમર્થન મળી જાય છે તો તેના સમર્થક ધારાસભ્યોની સંખ્યા 85 સુધી પહોંચી જશે.

આરએલડી અને બીજા એક ધારાસભ્યનું સમર્થન મેળવીને ભાજપ સરકાર બનાવવાની નજીક પહોંચી જશે. જોકે તેમાં વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યપાલની ભૂમિકા મહત્વની રહેશે. મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં આ જ ફોર્મ્યુલા પર કામ કરીને ભાજપે કોંગ્રેસની સરકારને તોડી પાડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post