• Home
  • News
  • અફઘાનિસ્તાનમાં ઠંડીથી 157 મોત:77 હજાર પશુઓ પણ મર્યાં, માઇનસ 28 ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન; 2 કરોડ લોકોને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર
post

અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકની લગભગ 10 અરબ ડોલરની સંપત્તિ વિદેશમાં ફ્રિઝ કરી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-25 17:42:38

અફઘાનિસ્તાનમાં 15 દિવસમાં તીવ્ર ઠંડીના કારણે 157 લોકોએ જીવ ગુમાવ્યા છે. 77 હજાર પશુઓનાં પણ મોત થયાં હતાં. અહીં તાપમાન માઈનસ 28 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNOCHA) અનુસાર, દેશના 2 કરોડ 83 લાખ લોકોને એટલે કે લગભગ બે તૃતીયાંશ વસ્તીને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર છે. ઠંડીના કારણે 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં 78 લોકોનાં મોત થયાં છે. છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો બમણો થયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં છેલ્લાં 15 વર્ષમાં આટલી તીવ્ર ઠંડી પડી નથી. બરફના તોફાનના કારણે અહીં સ્થિતિ ગંભીર બની ગઈ છે. દેશના 34માંથી 8 પ્રાંતોમાં સ્થિતિ ગંભીર છે. આ 8 પ્રાંતોમાં ઠંડીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

માનવાધિકાર સંકટ વધી રહ્યું છે
તાલિબાન સત્તામાં આવતાંની સાથે જ અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ અધિકારોનું સંકટ વધી રહ્યું છે. હાલમાં જ મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે હવામાનના પ્રકોપનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

સ્થિતિ બગડવાનાં 3 કારણો

1. NGO પર નવા બેન પછી મદદ માટે ચાલી રહેલું ઓપરેશન બંધ

તાલિબાને ડિસેમ્બર 2022માં NGOમાં કામ કરનારી મહિલાઓ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. એ પછી ત્યાં મદદ પહોંચાડી રહેલા વિદેશી હેલ્પિંગ ગ્રુપે ઓપરેશન બંધ કરી દીધું હતું. આ ગ્રુપમાં વધારે મહિલાઓ જ કામ કરતી હતી. આ સંબંધમાં યુએનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદે પણ કાબુલની મુલાકાત લીધી હતી. તેમણે મહિલાઓ પરના પ્રતિબંધને હટાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેણે તેને મહિલા અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

2. વિદેશોમાંથી 70 ટકા ફંડ મળતું હતું, એ પણ બંધ થઈ ગયું
અફઘાનિસ્તાન સરકાર ખર્ચ ચલાવવા માટે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી 75% થી વધુ ભંડોળ મેળવતી હતી. પરંતુ લગભગ 20 વર્ષ પછી 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી. આ નિર્ણય પછી, ભંડોળ સિસ્ટમ પડી ભાંગી. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ માનવતાના આધાર પર નાણાકીય સહાય આપી શકે છે, પરંતુ કોઈ પણ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવાનો અથવા સેન્ટ્રલ બેંકની સંપત્તિઓને ડિફ્રીઝ કરવાનો નિર્ણય તાલિબાનના વલણ પર નિર્ભર રહેશે.

3. અફઘાનિસ્તાનમાં મોંઘવારી વધી, પ્રાઇવેટ બેન્કોમાં રોકડાનું સંકટ
અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકની લગભગ 10 અરબ ડોલરની સંપત્તિ વિદેશમાં ફ્રિઝ કરી દીધી હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 44 કરોડ ડોલરનાં ઈમર્જન્સી ફંડને પણ બ્લોક કરી દીધું છે. આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન હાલમાં કરન્સીની વેલ્યૂ નીચે જવી, ખાણી-પીણીની કિંમત, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો અને ખાનગી બેંકોમાં રોકડની અછત જેવા સંકટનો સામનો કરી રહ્યું છે. કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે પણ સંસ્થાઓ પાસે પૈસા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post