• Home
  • News
  • રોજ 60 હજાર લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ:CMએ રાજકોટમાં માધપર ચોકડી બ્રિજ ખુલ્લો મૂક્યો, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકાનાં વાહનોને ટ્રાફિકમાંથી રાહત મળશે
post

આ બ્રિજના કારણે લોકોની ટ્રાફિક સમસ્યા હલ થશે. જોકે સર્વિસ રોડ અડધો બાકી હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી કરી આ કામગીરી પૂરી કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 18:28:05

રાજકોટના માધાપર ચોકડી એ ઓવરબ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આવરબ્રિજનું કામ ધીમું ચાલ્યું હોવાના કારણે અંદાજે 6 મહિનાનો વિલંબ થયો હતો. જોકે આ ઓવરબ્રિજનું લોકાર્પણ થતાં રોજના 60 હજાર વાહનચાલકોને હવે ટ્રાફિકમાંથી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી ત્યારે હવે રાજકોટથી જામનગર તેમજ અમદાવાદ તરફ જતા લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. ખાસ કરીને રાજકોટ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. બીજી તરફ, જમીન સંપાદનનો પ્રશ્નો હોવાને કારણે એક તરફનો સર્વિસ રોડ અડધો બંધ રાખવામાં આવ્યો છે.

જામનગર-રાજકોટ વચ્ચે વાહનોની અવરજવર સરળ બનશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધા વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજ્યના દરેક વિસ્તાર સુધી પહોંચે એવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે. રાજ્ય સરકારની ટીમ આ પરંપરાને આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદૃઢ કરવાનું કાર્ય કરી રહી છે. આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનાં મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર-રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોનાં સમય-ઇંધણનો બચાવ થશે.

દેશમાં રોજના 37 કિમી હાઇવેનુ નિર્માણ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલમોડલ બનાવ્યું છે એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે દેશને આ વિઝનરી લીડરશિપનો લાભ મળતો થયો છે. દેશમાં 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કિમીના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કિમી હાઈવેનુ નિર્માણ થઈ રહ્યું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢ માળખાને વધુ વિકસિત કરવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે રૂ.20,600 કરોડ જેટલી રકમ ફાળવી છે. એની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

હાઇવેને ફોરલેન બનાવવા 2800 કરોડનો ખર્ચ થશે
હાઇવેને ફોરલેન બનાવવા માટે 2800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં, હાઇવે સાથે મોટાં શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે એ માટે એના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજ્ય સરકારની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવાં સીમાચિહ્નો સ્થાપવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે એમ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.

જમીન સંપાદન અંગે કામગીરી થશે
કલેક્ટર પ્રભવ જોશીના જણાવ્યા અનુસાર, માધાપર ચોકડીએ 1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ, 5.50 મીટરની ઊંચાઈ ધરાવતો ઓવરબ્રિજ 60 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જ્યારે સર્વિસ રોડની પહોળાઈ 9.10 મીટર રાખવામાં આવી છે. જોકે સર્વિસ રોડમાં જમીન સંપાદનનો પ્રશ્ન હોવાથી એક તરફનો સર્વિસ રોડ અડધો બંધ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જમીન સંપાદનની કામગીરી કરી અંદાજે બે મહિનામાં સર્વિસ રોડ પણ શરૂ કરવામાં આવશે.

મુસાફરોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ
સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે માધાપર ચોકડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતાં રાજકોટ શહેરના અને જામનગર તેમજ અમદાવાદ તરફ જતા લોકોને ખૂબ મોટો ફાયદો થશે અને આ બ્રિજના કારણે લોકોની ટ્રાફિક સમસ્યા હલ થશે. જોકે સર્વિસ રોડ અડધો બાકી હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી કરી આ કામગીરી પૂરી કરવામાં આવશે.

ઓવરબ્રિજનું કામ ધીમું ચાલ્યું હોવાનું અનુમાન
ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડીએ 60 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો, જેને એપ્રિલ-2023 સુધીમાં તૈયાર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જ્યારે માધાપર ચોકડી ખાતેના ઓવરબ્રિજનું કામ આપવામાં આવ્યું, ત્યારે 15 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત મૂકવામાં આવી હતી. જોકે કામ ખૂબ જ ધીમું ચાલ્યું હતું, જેના કારણે 6 મહિનાનો વિલંબ થયો હતો. હાલ આ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજકોટથી જામનગર તેમજ અમદાવાદ તરફ જવા માટે માધાપર ચોકડીથી જવું પડતું હતું, જેના કારણે માધાપર ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. જોકે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતાં આ સમસ્યા દૂર થશે.

આ બ્રિજની લંબાઈ 1125 મીટર
આ બ્રિજ રૂ.60 કરોડથી વધુના ખર્ચે બન્યો છે, એની લંબાઈ 1125 મીટર અને 2 બાય 11 મીટર પહોળાઈ છે, આ ઓવરબ્રિજની બંને તરફ 8.8 મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રિજ સ્ટ્રીટ લાઈટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર 50 મીટર અને માધાપર ગામથી ઈશ્વરિયા પાર્ક તરફ જવા માટે 30 મીટર પહોળાઈનું જંક્શન પણ બનાવવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post