• Home
  • News
  • દુનિયામાં 800 કરોડમું બાળક જનમ્યું:ઈસુ સમયે ધરતી પર 20 કરોડ લોકો હતા, છેલ્લાં 24 વર્ષમાં વસતિ 200 કરોડ વધી
post

વિશ્વમાં યુવાનોની સરખામણીમાં મહિલા-વૃદ્ધો વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-15 19:26:15

દુનિયામાં 800 કરોડમા છોકરાએ જન્મ લીધો છે. વસતિને રિયલ ટાઈમ ટ્રેક કરનાર વેબસાઈટ https://www.worldometers.info/ અનુસાર, મંગળવાર બપોરે લગભગ 1 વાગ્યાને 30 મિનિટે છોકરાએ જન્મ લીધો છે. યુએન રિપોર્ટ ઓન પોપ્યુલેશનમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બરે વિશ્વની વસતિ 800 કરોડ થઈ જશે.

ઈસુના જન્મના સમયથી વિશ્વની વસતિ પર ડેટા ઉપલબ્ધ છે, એટલે કે આપણે બે હજારથી વધુ વર્ષોના સમયમાં વસતિમાં વધારો જોઈ શકીએ છીએ.

વસતિ 100 કરોડ પહોંચતાં 1800 વર્ષ લાગ્યા
આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે ઈસુના જન્મ સમયે દુનિયાની વસતિ લગભગ 20 કરોડ હતી. 100 કરોડ સુધી પહોંચવામાં લગભગ 1800 વર્ષ લાગ્યા. એ પછી વિશ્વને 100 કરોડથી 200 કરોડ સુધી પહોંચવામાં માત્ર 130 વર્ષ લાગ્યાં.

સ્વાસ્થ્ય સેવાઓ સુધરતાં 14 વર્ષમાં 100 કરોડ વસતિ વધી
ઔદ્યોગિક ક્રાંતિ સાથે આરોગ્ય સેવાઓમાં ઝડપથી સુધારો થયો. પરિણામે, બાળકોનાં જન્મ અને બાળજન્મ દરમિયાન મૃત્યુ પામેલી સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ સાથે વસતિમાં વધારો ઝડપી બન્યો. આગામી 30 વર્ષમાં વિશ્વની વસતિ 200 કરોડથી વધીને 300 કરોડ થઈ, જ્યારે માત્ર 14 વર્ષમાં વસતિ 300 કરોડથી વધીને 400 કરોડ થઈ ગઈ.

આગામી 18 વર્ષમાં પૃથ્વી પર 850 કરોડ લોકો વધશે
જો આપણે લેટેસ્ટ ટ્રેન્ડ પર નજર કરીએ તો માત્ર 12 વર્ષમાં પૃથ્વી પર હાજર મનુષ્યોની સંખ્યા 700 કરોડથી વધીને 800 કરોડ થઈ ગઈ છે. યુએનના અંદાજ મુજબ, 2030 સુધીમાં વિશ્વની વસતિ વધીને 850 કરોડ થઈ શકે છે. જોકે યુએનએ એમ પણ કહ્યું છે કે 1950 પછી પ્રથમ વખત, 2020માં વસતિ વૃદ્ધિદરમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

28 વર્ષ પછી વિશ્વની 50% વસતિ 8 દેશમાં હશે.
વસતિ પર યુએનનો રિપોર્ટ જણાવે છે કે 2050 સુધીમાં અડધાથી વધુ વસતિ માત્ર આઠ દેશમાં હશે, જેમાં ભારત સહિત પાકિસ્તાન, ફિલિપિન્સ, ઈજિપ્ત, કોંગો, નાઈજીરિયા, તાન્ઝાનિયા અને ઈથોપિયાનો સમાવેશ થાય છે. યુએનએ પણ એવા 61 દેશનો અંદાજ લગાવ્યો છે, જેમની વસતિ 2022 અને 2050 વચ્ચે ઘટશે. આમાંના મોટા ભાગના દેશો યુરોપના હશે.

ભારતની વસતિ ચીન કરતાં વધુ થઈ શકે છે
યુએન દ્વારા 11 જુલાઈ, 2022ના રોજ વિશ્વ વસતિ દિવસ પર જાહેર કરાયેલા વસતિ અંદાજમાં કહેવામાં આવ્યું છે કે 2023 સુધીમાં ભારતની વસતિ ચીનની વસતિ કરતાં વધી શકે છે. આ સાથે ભારત વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે.

હાલમાં ચીનની વસતિ 1.426 અબજ છે અને ભારતની વસતિ 1.412 અબજ છે. એવું માનવામાં આવે છે કે 2023માં ભારતની વસતિ વધીને 1.429 અબજ થવા જઈ રહી છે તેમજ 2050 સુધીમાં આ આંકડો 1.668 અબજ સુધી પહોંચી જશે. સદીના મધ્ય સુધીમાં ચીનની વસતિ ઘટીને 1.317 અબજ થવાનો અંદાજ છે.

વિશ્વમાં યુવાનોની સરખામણીમાં મહિલા-વૃદ્ધો વધશે
યુએનના અહેવાલ મુજબ, હાલમાં વિશ્વમાં 50.3% પુરુષો અને 49.7% સ્ત્રીઓ છે, પરંતુ 2050 સુધીમાં બંનેની સંખ્યા સમાન હશે. વધુમાં, 65 અને તેથી વધુ વયના લોકો હાલમાં વૈશ્વિક વસતિના 10% હિસ્સો ધરાવે છે. આ 2022થી 2030ની વચ્ચે વધીને 12% અને 2050 સુધીમાં 16% થઈ જશે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં આ સમય દરમિયાન દર 4માંથી એક વ્યક્તિની ઉંમર 65 વર્ષથી વધુ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post