• Home
  • News
  • કેરળમાં ધો.7માં ભણતો કિશોર ઘરની બહાર સાઇકલ ચલાવી રહ્યો હતો, અચાનક દોડી આવેલો કૂતરો તૂટી પડ્યો
post

કૂતરાના હુમલા બાબતે કેરળ સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-13 19:10:06

કેરળના કોઝિકોડમાં ઘરની બહાર સાઇકલ ચલાવી રહેલા કિશોર પર એક રખડતાં કૂતરાએ હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કિશોર ઘરની બહાર સાઇકલ ચલાવી રહ્યો હોય છે. અચાનક સામેથી દોડીને એક કૂતરો આવે છે અને તેના પર હુમલો કરે છે. કૂતરો કિશોરને સાઇકલ પરથી પછાડી છે અને તેના પર તૂડી પડે છે. બાળક પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ કૂતરો તેને જમીન પર પછાડી દે છે અને તેના પગ અને હાથ પર કરડતો જોવા મળે છે. બાળક જેમ તેમ કરીને પોતાને બચાવતા ઘરમાં ઘૂસી ગયો હતો.

બાળકને ઘરમાં પ્રવેશતા જોઈને કૂતરો ભાગી જાય છે. થોડીવાર પછી કૂતરો ફરીથી એ શેરીમાંથી પસાર થાય છે. કેરળના કોઝિકોડના એક ગામમાં લાગેલા સીસીટીવીમાં આ વીડિયો ફૂટેજ રેકોર્ડ થયા હતા. મળતી માહિતી મુજબ, કિશોર ધોરણ 7મા અભ્યાસ કરે છે. કિશોરને હાથ અને પગમાં ઈજા થઈ છે. ચહેરા અને છાતીના ભાગ પર પણ ઈજાઓ થઈ છે.

કૂતરાના વધતા હુમલા બાબતે કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી
કેરળમાં રખડતા કૂતરા કરડવાના મામલા વધી જતાં કેરળ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો તેમજ હિંસક કૂતરાઓને મારવાની મંજુરી માગી છે અને આ ભયને રોકવા માટે એક મહિના સુધી ચાલનારા અભિયાનની જાહેરાત કરી છે. મંત્રી એમ.બી.રાજેશે સંબંધિત વિભાગોને અને એજન્સીઓ સાથે બેઠક કર્યા બાદ કહ્યું હતું કે સ્થિતિ ગંભીર છે. અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને કૂતરા કરડવાના વધતા જતા મામલાઓને અટકાવવા માટે અનેક યોજનાઓ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સ્વ-સહાય જૂથોની મદદથી રાજ્ય સરકાર 20 સપ્ટેમ્બરથી એક મહિના માટે અભિયાન ચલાવશે. અમે હોટ સ્પોટ્સને ઓળખીશું અને કેનાઇન શેલ્ટર બનાવીશું. છેલ્લા કેટલાક મહિનામાં હડકવાની રસી લેવા છતાં રખડતા કૂતરાના કરડવાના કેસમાં વધારો થયો છે. મૃત્યુના પાંચ કેસ સામે આવી ગયા છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કૂતરા કરડવાના કેસ
રાજ્યના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા આઠ મહિનામાં 1 લાખથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. 14થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે તેમની વચ્ચે એવા પાંચ લોકો છે જેમને ઇન્ટ્રાવેનલ હડકવાની રસી મળી હતી. જો છેલ્લાં પાંચ વર્ષના આંકડાઓની વાત કરીએ તો 2018માં 1 લાખ 48 હજાર 899, 2019માં 1 લાખ 61 હજાર 55, 2020માં 1 લાખ 60 હજાર 483, 2021માં 2 લાખ 21 હજાર 379 અને 2022માં 1 લાખ 21 હજાર કેસ સામે આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post